આપણું ગુજરાત

ઉનામાં મહેતાજીએ જ ખાણ માલિકની ગોળી મારી કરી હત્યા, જાણો શું છે મામલો

ઉના તાલુકાના ઓલવાણ ગામની સીમમાં આવેલી પથ્થરની ખાણમાં પૈસાના હિસાબ મામલે રકઝક થતા મહેતાજીએ જ ગત રાત્રે ખાણ માલિકને મોતને ઘાટ ઉતારી દેતા હાલ પંથકમાં હાહાકાર મચ્યો છે. મહેતાજી તરીકે કામ કરતા ભીમા કરશન ગઢવીએ ખાણના માલિક ભુપત રાજસી રામની ગોળી મારી હત્યા નીપજાવતા નવાબંદર મરીન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ગઈકાલે રાત્રે ઉના તાલુકાના ઓલવાણ ગામ નજીક વાડી વિસ્તારમાં અંધુ નામની સીમમાં રહેતા ભૂપતભાઈ રાજશીભાઈ રામની માલિકીની પથ્થરની ખાણ આવેલ છે. જ્યાં ખાણનો હિસાબ કિતાબ રાખવા માટે મહેતાજી તરીકે ભીમા કરશન ગઢવી રહે ઊનાવાળાને રાખેલ હોય જેમાં ગઈકાલે રાત્રે હિસાબ બાબતે અથવા અન્ય કોઈ કારણસર ભૂપત રાજશીભાઈ રામ અને ભીમા કરશન ગઢવી વચ્ચે રકઝક થઇ હતી.

આ પણ વાંચો : ભાજપના છવ્વીસે છવીસ સાંસદશ્રીઓને પાલભાઈ આંબલિયાની ખુલ્લી ચેલેન્જ

બાદમાં ગુસ્સે થયેલા ભીમા કરશન ગઢવીએ પોતાની પાસે રહેલ બંદૂક વડે ભૂપતભાઈની છાતી ઉપર રાખી ફાયરિંગ કરી ગોળીથી વીંધી નાખ્યાં હતાં. ખાણ માલિક ભુપતભાઇ લોહી લુહાણ હાલતમાં પડી જતાં ઊના સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે જામનગર પહોંચાડવામાં આવ્યો છે.

આ ઘટના અંગે મૃતકની પત્ની જશુબેન ભૂપતભાઈ રામએ આરોપી ભીમા કરશન ગઢવી સામે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમા હત્યાની ફરિયાદ દાખલ કરી છે. આ બનાવ બનતા ઊના પ્રાંતના મદદનીશ પોલીસ અધ્યક્ષ એમ.એફ. ચોધરી, સીપીઆઇજાડેજા અને નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જે. બાંટવાની ટીમે જુદી જુદી ટીમ બનાવી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધાનું જાણવા મળેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button