એકનાથ ખડસેની ભાજપમાં થશે ઘરવાપસી?: પાર્ટીમાં ‘મહાભારત’?
મુંબઈ: વિપક્ષના ગઠબંધન મહાવિકાસ આઘાડી (એમવીએ)ને લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ પણ એક પછી એક ઝટકા મળતા જ જાય છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી દેવરાના પુત્ર તેમ જ પોતે કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા મિલીંદ દેવરા, મુંબઈનો મુસ્લિમ ચહેરો ગણાતા બાબા સિદ્દીકી સહિતના ટોચના નેતાઓ મહાયુતિમાં સામેલ થઇ ગયા છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)થી શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)માં સામેલ થયેલા એકનાથ ખડસે ફરી પાછા ભાજપમાં સામેલ થવાની શક્યતા છે.
એકનાથ ખડસેની ઘરવાપસી થતા મહાવિકાસ આઘાડીને મોટો ફટકો પહોંચી શકે છે અને તે પણ ચૂંટણી યોજાવાની છે તે પહેલા. જોકે, ભાજપના જ નેતા પોતાની ઘર વાપસી અંગે વાત કરતા એકનાથ ખડસેએ કહ્યું હતું કે હું આવતા અઠવાડિયે દિલ્હી જઇને ભાજપમાં પ્રવેશ કરીશ.
જોકે, ખડસેની આ જાહેરાત બાદ ભાજપના જ અમુક નેતા ખડસેની ઘરવાપસીથી ખુશ નહીં હોવાનું જણાય છે. ભાજપના નેતા તેમ જ મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજને ખડસેને ‘ઓલવાઇ ગયેલો દિવો’ જેવી ઉપમા આપી હતી. મહાજનને ફડણવીસના ખૂબ જ નજીકના માનવામાં આવે છે અને ફડણવીસ અને ખડસેના વૈચારિક મતભેદ પણ બધા જાણે જ છે.
એકનાથ ખડસે 2020માં ભાજપમાં સામેલ થયા હતા અને તેમણે ભાજપ સાથે 40 વર્ષ જૂનો સંબંધ તોડ્યો હતો.
ખડસેનું નામ ભાજપના દિગ્ગજ નેતાઓમાં માનવામાં આવતું હતું. તેમની સરખામણી નિતીન ગડકરી, સ્વર્ગીય ગોપીનાથ મુંડે વગેરે નેતાઓ સાથે થતી હતી. જોકે, 2020માં તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો ત્યાર બાદ તેમને ભાજપમાં ફટકો પડ્યો છે.
એકનાથ ખડસેના વહુ રક્ષા ખડસે રાવેર લોકસભા ક્ષેત્રથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે. જોકે, હવે તે શરદ પવારના એનસીપીમાં સામેલ છે અને તેમણે સોમવારે એક્સ ઉપર સ્પષ્ટ કર્યું હતું કે તે ભાજપમાં સામેલ થયા નથી અને પોતે શરદ પવારના પક્ષ સાથે જ રહેશે. વહુનું આ વલણ એકનાથ ખડસેને ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે, તેવી શક્યતા પણ છે.