IPL 2024સ્પોર્ટસ

IPL 2024: IPLમાં બોલથી તરખાટ મચાવનાર યશ ઠાકુર કોણ છે?… એક સમયે વિકેટકીપર બનવા માંગતો હતો.

IPL-2024ની 21મી મેચમાં, લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) એ ગુજરાત ટાઇટન્સ (GT) ને 33 રને હરાવી દીધું હતું. લખનઊના એકના ક્રિકેટ સ્ટેડિયમ અર્થાત ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રવિવારે (7 એપ્રિલ) રમાયેલી આ મેચમાં યજમાન ટીમે 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમ માત્ર 130 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી.

ગુજરાત ટાઇટન્સ સામે લખનઊની જીતમાં યશ ઠાકુરે મહત્વની ભૂમિકા ભજવી હતી. લખનઊ સુપર જાયન્ટ્સની જીતનો હીરો ફાસ્ટ બોલર યશ ઠાકુર હતો, જેણે શાનદાર બોલિંગ કરી અને 30 રનમાં 5 વિકેટ ઝડપી હતી. IPL 2024માં પ્રથમ વખત કોઈ બોલરે પાંચ વિકેટ લીધી હતી. યશે તેની પહેલી જ ઓવરમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલને બોલ્ડ કર્યો હતો. આ પછી, જ્યારે યશને ફરીથી બોલિંગ માટે મોકલવામાં આવ્યો, ત્યારે તેણે મેડન ઓવર ફેંકીને બે વિકેટ લઇ લીધી હતી. જોકે, યશને તેની ત્રીજી ઓવરમાં કોઈ સફળતા મળી ન હતી, પરંતુ છેલ્લી ઓવરમાં તેણે બે વિકેટ લઈને પોતાની ટીમને જીત પણ અપાવી દીધી હતી.

શુભમન ગિલ ઉપરાંત યશ ઠાકુરે વિજય શંકર, રાશિદ ખાન, રાહુલ તેવટિયા અને નૂર અહેમદની વિકેટ લીધી હતી. યશ ઠાકુરનું આ પ્રદર્શન ઘણું મહત્ત્વનું છે. આ મેચ દરમિયાન લખનઊનો ઝડપી બોલર મયંક યાદવ ઈજાગ્રસ્ત થયો હતો, તેથી વિકેટ લેવાની જવાબદારી તેના પર આવી ગઈ હતી. યશે તેની ટીમના ભરોસાને સાર્થક કર્યો અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. મયંક અને મોહસીન ખાન જેવા ફાસ્ટ બોલરો ઈજાગ્રસ્ત હોવાને કારણે લખનઊની ટીમને આગામી મેચોમાં પણ યશ ઠાકુર પાસેથી મજબૂત પ્રદર્શનની અપેક્ષા રહેશે જ.

યશ ઠાકુરની વાત કરીએ તો તેનો જન્મ 28 ડિસેમ્બર 1998ના રોજ કોલકાતામાં થયો હતો. જોકે, તે વિદર્ભ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. રસપ્રદ વાત એ છે કે યશ તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆતમાં વિકેટકીપર બનવા માંગતો હતો. વિકેટ પાછળ યશનો રોલ મોડલ ભારતીય દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની હતો. એક વખત વિદર્ભના ભૂતપૂર્વ કેપ્ટન અને કોચ પ્રવીણ હિંગણીકરે યશ ઠાકુરને નેટ્સમાં બોલિંગ કરતા જોયો અને પછી તેને ફાસ્ટ બોલર બનવાની સલાહ આપી.

આ યુવા ખેલાડીને ઝડપી બોલિંગમાં કારકિર્દી બનાવવા માટે રાજી કરવાનું કામ હિંગણીકર માટે ઘણું મુશ્કેલ હતું, પરંતુ તેઓ તેને સમજાવવામાં સફળ રહ્યા હતા. 25 વર્ષીય યશ ઠાકુરે વિદર્ભ માટે અત્યાર સુધીમાં 22 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 67 વિકેટ ઝડપી છે. યશના નામે 37 લિસ્ટ-એ મેચોમાં 54 વિકેટ છે. યશ પાસે 49 T-20 મેચ રમવાનો અનુભવ પણ છે, જેમાં તેણે 74 વિકેટ ઝડપી છે. યશ ઠાકુર ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવને પોતાનો આદર્શ માને છે. ઉમેશ ડોમેસ્ટિક ક્રિકેટમાં વિદર્ભનું પ્રતિનિધિત્વ કરે છે.

IPL 2023ની હરાજીમાં લખનઊ સુપર જાયન્ટ્સે યશ ઠાકુરને 45 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે સિઝનમાં યશે લખનઊ માટે 9 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 9.08ના ઇકોનોમી રેટથી 13 વિકેટ ઝડપી હતી. હવે IPL-2024 પણ યશ માટે સારી સિઝન સાબિત થઈ રહી છે. તેણે વર્તમાન સિઝન દરમિયાન ત્રણ મેચમાં કુલ 6 વિકેટ ઝડપી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ