ભાજપના છવ્વીસે છવીસ સાંસદશ્રીઓને પાલભાઈ આંબલિયાની ખુલ્લી ચેલેન્જ
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે તો કિસાન કોંગ્રેસ મેદાનમાં આવી છે અને ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોને લઈ અને કિસાન કોંગ્રેસ પ્રમુખ બાલભાઈ આંબલીયાએ ખુલ્લી ચેલેન્જ આપી છે.
જો તમે ખેડૂતોના પ્રતિનિધિ સાંસદ તરીકે ખરા અર્થમાં કામ કર્યું હોય તો નીચેના સવાલોના જવાબ જાહેર માધ્યમોમાં પ્રેસ કોન્ફરન્સ કરી જવાબ આપવા વિનંતી
1) સાંસદ તરીકે પોતાના મત વિસ્તારના લોકોના પડતર પ્રશ્નો માટે સંસદસભામાં પ્રશ્નો ઉઠાવવા એ તમારી બંધારણીય ફરજ છે કે નથી ?? જો હા તો…….
2) તમારા મત વિસ્તારના ખેડૂતો છેલ્લા 10 વર્ષથી ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણીનો ભોગ બની રહ્યા છે આ બાબતે તમે કરેલી રજૂઆતો, ફરિયાદો, જાહેર ભાષણો કે સંસદમાં ઉઠાવેલા સવાલોના વિડિઓ કટીંગ, પેપર કટીંગ હોય તો જાહેર કરો.
3) વર્ષ 2016-17 થી ચાર વર્ષ પાકવીમાં યોજનામાં ઓછામાં ઓછો 35 થી 40 હજાર કરોડનો ખેડૂતોના હક્કનો પાકવિમો ખવાઈ ગયો એ કાગળ પર સાબિત થયું એટલે યોજના બંધ કરવાની સરકારને ફરજ પડી તો આપ મૌન કેમ રહ્યા ?? આપે આ બાબતે ઉઠાવેલા સવાલના વિડિઓ કે પેપર કટીંગ હોય તો જાહેર કરવા વિનંતી
4) ખેડૂતોને છેલ્લા 10 વર્ષમાં બિયારણ, ખાતર, દવા, ડીઝલ, મજૂરી બધું બે ત્રણ ગણું વધ્યું અને સામે ખેત પેદાશના ભાવ સ્થિર રહ્યા અથવા તો ઘટ્યા છે આ બાબતે આપે ઉઠાવેલા સવાલના વિડિઓ કે પેપર કટીંગ જાહેર કરવા વિનંતી
5) ડુપ્લીકેટ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, ડુપ્લીકેટ ઓફિસો ખુલવી આ સરકારમાં સહજ બાબત બની ગઈ છે પણ એની સાથે સાથે ડુપ્લીકેટ બિયારણ, દવા, ખાતર ના હજારો ખેડૂતો ભોગ બન્યા તેમ છતાં આપ મૌન શા માટે રહ્યા ?? જો આપે આ બાબતે સવાલ ઉઠવ્યા હોય તો તે જાહેર કરવામાં આવે
6) વર્ષે માત્ર 6 હજાર રૂપરડી આપી કેન્દ્ર સરકાર વર્ષે ખેડૂતોના ખીસ્સામાંથી પરોક્ષ રૂપે 50,000 છીનવી લે છે તમે 6 હજાર રૂપરડી આપવાની મોટી મોટી વાતો કરતા હોવ, આ 6000 હજાર રૂપરડીથી ખેડૂતો ખુશ ખુશાલ હોય તેવો ઘાટ રચતા તમને જોયા છે પણ ખેડૂતોના ખીસ્સામાંથી 50,000 હજાર છીનવી લે છે તે બાબતે કેમ ક્યારે બોલ્યા નહિ ??
7) અલગ અલગ સરકારી અને ખાનગી પ્રોજેક્ટમાં ખેડૂતોની મહામૂલી જમીનનું પાણીના ભાવે થતું જમીન સંપાદન, વિન્ડફાર્મ અને સોલાર કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવામાં આવતી વીજ લાઈનો અને ખેતરમાં ઉભા કરવામાં આવતા વિજપોલ બાબતે આપ હંમેશા મૌન જ રહ્યા છો જો આપે આ બાબતે સંસદમાં સવાલ ઉઠવ્યા હોય તો તેનો અહેવાલ જાહેર કરવા વિનંતી
8) એક બાજુ ખેડૂતો પાણી પાણી કરતા હોય અને બીજી બાજુ તૂટેલા સાઈફુન રિપેર ન થવાના કારણે, તૂટેલી નહેરો, ગાબડા પડતી નહેરોના કારણે લાખો ક્યુસેક પાણી વેડફાઈ જતું હોય આ બાબતે આપ મૌન શા માટે રહો છો ??
9) 17 સપ્ટેમ્બર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમને ખુશ કરવા નર્મદા ડેમ પહેલા છલોછલ ભરવો અને ત્યાર બાદ આયોજન વગર પાણી છોડવાના કારણે 5 જિલ્લાના લોકોને જીવના જોખમ તળે મુકવા છતાં આપ મૌન શા માટે રહ્યા ???
10) 2019 ના અંત સુધીમાં સૌરાષ્ટ્રના તમામ 215 નાના મોટા ડેમ છલોછલ ભરવાની યોજના આજે 2024 માં પણ 7 ડેમ છલોછલ ભરી શક્યા નથી ગુજરાત સરકારની આ નિષ્ફળતા બાબતે આપે લોકસભામાં કેમ એક સવાલ પણ ઉઠાવ્યો નહિ ???
11) કલ્પસર યોજનાનું સૌરાષ્ટ્ર વાસીઓને રૂપકડું સપનું બતાવી તેની પાછળ હજારો કરોડોનો ખર્ચ કરવા છતાં ઉદ્ઘાટનના નારિયેળ ફોડવાથી વધારે કોઈ કામગીરી કરી ન હોય તેમ છતાં આપ આ બાબતે મૌન શા માટે રહ્યા ???
12) છેલ્લા દશ વર્ષમાં ટેકાના ભાવે ખરીદીમાં મગફળી, ચણા, તુવેરમાં હજારો કરોડોનો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો, એકપણ ચમરબંધીને છોડવામાં નહિ આવે ની સરકારની સૂફીયાણી વાતો વચ્ચે એકપણ વ્યક્તિ પકડાયો જ નહીં તેમ છતાં આપ મૌન કેમ રહ્યા ???
13) જે માતા પિતા એ પેટે પાટા બાંધી, યુવાનો એ આંખો ફોડી પરીક્ષાઓની તૈયારીઓ કરી અને જ્યારે પરીક્ષા આપવા ગયા તો પેપર ફૂટી ગયું એક વખત, બે વખત નહિ પચ્ચીસ પચ્ચીસ વખત પેપર ફૂટવા છતાં આપે એક વખત પણ પોતાની પ્રતિક્રિયા શા માટે ન આપી ?? આપે લોકસભામાં એક વખત પણ સવાલ કેમ ન ઉઠાવ્યો ??
14) દેશના ખેડૂતો બે બે વર્ષ દિલ્હીનો ઘેરાવ કરી આંદોલન કરે, 700 થી વધારે ખેડૂતો શહીદ થઈ જાય તેમ છતાં આપે આ બાબતે કેમ કોઈ સવાલ ન ઉઠાવ્યો એટલું જ નહીં દેશના વડાપ્રધાન બાંહેધરી આપે કે અમે MSP કાયદો બનાવીશું ત્યારબાદ આંદોલન સમેટાય જાય દેશના વડાપ્રધાન બોલીને બદલી જાય MSP નો કાયદો ન બનાવે ખેડૂતો ફરી આંદોલનનો રસ્તો અપનાવે કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય બોર્ડર દુશ્મન દેશ સાથે જેમ રસ્તાબંધી કરવી જોઈએ તેનાંથી પણ વધારે વ્યવસ્થા ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરતા અટકાવવા પ્રયત્નો કરે તેમ છતાં આપના દ્વારા ખેડૂતોની તરફેણમાં એક શબ્દ પણ કેમ ન નીકળ્યો ??? આપ મૌન શા માટે રહયા ???
15) હાલતા ચાલતા બ્રિજ તૂટવાની ઘટના હોય, છાસવારે કેનલોમાં પડતા ગાબડા હોય, દર વર્ષે રોડ તૂટવાની ઘટના હોય આ ભ્રષ્ટાચાર સામે આપ મૌન કેમ રહો છો ??
આપને જનતા ચૂંટીને એટલે મોકલે છે કે તમે જનતાના પ્રતિનિધિ તરીકે લોકસભામાં તમારા વિસ્તારના પ્રશ્નો ઉઠાવો તેને વાચા આપો તેનું નિરાકરણ લાવો નહીં કે પક્ષ તરફથી આપેલ ચિઠ્ઠી લોકસભામાં વાંચો…. તમારી પાસેથી અમને આ અપેક્ષા નહોતી…..
નોંધ: કોઈપણ સંસદસભ્યશ્રી સાથે મારે વ્યક્તિગત વાંધો નથી એટલે આ વાત કોઈએ વ્યક્તિગત લેવી નહિ પરંતુ દેશના નાગરિક તરીકે સવાલ પૂછવાનો મને અધિકાર છે એટલે આપ 26 સાંસદશ્રીઓએ જો કામો કર્યા હોય તો ઉપરોક્ત સવાલોના જવાબો જાહેર માધ્યમોના માધ્યમથી જાહેર કરવા વિનંતી છે
પાલભાઈ આંબલિયા