દિલ્હી એરપોર્ટને ન્યુક્લિયર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
નવી દિલ્હીઃ દેશના સૌથી બિઝી એરપોર્ટ મનાતા દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI)ને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો અને વહીવટીતંત્ર દોડતું થઇ ગયું હતું.
આ ધમકી મળતા જ પોલીસ એલર્ટ પર આવી ગઇ હતી અને બે સંદિગ્ધોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે પાંચ એપ્રિલે દિલ્હીના IGI એરપોર્ટ પર પ્લેનમાં ચઢતા પહેલા મુસાફરોની શોધખોળ કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન બે મુસાફરોએ સુરક્ષા કર્મચારીઓને એરપોર્ટને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ પછી એરપોર્ટ પર અંધાધૂંધી મચી ગઇ હતી. દિલ્હી પોલીસે જણાવ્યું કે એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવા બદલ બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કલમ 182/505(1)બી હેઠળ બંને વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. અગાઉ ડિસેમ્બર 2023માં ફોન કોલ દ્વારા IGI એરપોર્ટ ને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. દિલ્હી એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે અને તે વિશ્વના ઘણા મોટા શહેરોને રાજધાની સાથે જોડે છે.