લખનઊ: યજમાન લખનઊ સુપર કિંગ્સે ભૂતપૂર્વ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે આઇપીએલમાં રવિવારે પહેલી જ વાર વિજય મેળવ્યો. 2022ની સીઝનમાં આ બે ટીમે એકસાથે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ત્યાર બાદ બન્ને ટીમ વચ્ચે જે ચાર મૅચ રમાઈ એ તમામ મૅચ ગુજરાતે જીતી હતી. રવિવારે ગુજરાતની ટીમ 164 રનનો સાધારણ લક્ષ્યાંક પણ નહોતી મેળવી શકી અને 130 રને ઑલઆઉટ થઈ જતાં લખનઊને 33 રનથી જીતવા મળ્યું હતું.
પશ્ર્ચિમ બંગાળના પચીસ વર્ષીય પેસ બોલર યશ ઠાકુરે (3.5-1-30-5) પોતાની પહેલી બે ઓવરમાં માત્ર સાત રનના ખર્ચે ત્રણ વિકેટ મેળવી હતી જેમાં શુભમન ગિલ (21 બૉલમાં 19 રન), વિજય શંકર (17 બૉલમાં 17 રન) અને રાશિદ ખાન (0)નો સમાવેશ હતો. ત્યાર બાદ તેણે ગુજરાતની 19મી ઓવરમાં વધુ બે શિકાર કરીને લખનઊને વહેલી જીત અપાવી હતી. યશનો પાંચ વિકેટનો આ કરીઅર-બેસ્ટ પર્ફોર્મન્સ હતો.
યશ ઠાકુર આઈપીએલની આ સીઝનમાં એક મૅચમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર છે.
લખનઊના સ્પિનર કૃણાલ પંડ્યા (4-0-11-3)ની બોલિંગ પણ એટલી જ અસરદાર હતી. તેણે ઓપનર સાંઇ સુદર્શન (ઠ23 બૉલમાં 31 રન), વિકેટકીપર બીઆર શરથ (બે રન) અને દર્શન નાલકંડે (11 બૉલમાં 12 રન)ને આઉટ કર્યા હતા. છેક સાતમા નંબરે મોકલવામાં આવેલા રાહુલ તેવટિયા (30 રન, પચીસ બૉલ, બે સિક્સર, બે ફોર)એ ક્રીઝ પર આવતાવેંત ફટકાબાજી શરૂ કરી હતી, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું, કારણકે તેની આગળના તમામ બૅટર્સે નબળું પર્ફોર્મ કર્યું હોવાથી બાકીના બૉલ અને બાકીના રન વચ્ચેનો તફાવત બહુ મોટો હતો. બીજું, તેવટિયાએ સામા છેડે એક પછી એક સાથી બૅટરને આઉટ થતા જોવા મળ્યા હતા.
વનડાઉનમાં રમેલો ભૂતપૂર્વ કિવી કૅપ્ટન કેન વિલિયમસન (1) ફરી ફ્લૉપ રહ્યો હતો.
આઇપીએલની આ સીઝનમાં સતતપણે કલાકે 150 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકતા રહીને બે વાર ફાસ્ટેસ્ટ બૉલની ધમાલ મચાવી ચૂકેલા મયંક યાદવને કમરના સ્નાયુઓમાં દુખાવો થતાં તેણે જે એક ઓવર બોલિંગ કરી હતી ત્યાર પછી બીજી ઓવર નહોતી કરી. એ એક ઓવરમાં 13 રન બન્યા હતા. લખનઊના અન્ય બોલર્સમાં એક વિકેટ નવીન-ઉલ-હકને અને એક વિકેટ રવિ બિશ્નોઈને મળી હતી.
એ પહેલાં, લખનઊએ બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 163 રન બનાવીને ગુજરાતને 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ (58 રન, 43 બૉલ, બે સિક્સર, ચાર ફોર) ટીમમાં ટૉપ-સ્કોરર હતો. કૅપ્ટન કેએલ રાહુલે 31 બૉલમાં 33 રન, આયુષ બદોનીએ 11 બૉલમાં 20 રન અને નિકોલસ પૂરને બાવીસ બૉલમાં ત્રણ સિક્સરની મદદથી અણનમ 33 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગ્સની છેલ્લી પળોમાં ત્રણેય સિક્સર મોહિત શર્મા તથા રાશિદ ખાનની બોલિંગમાં ફટકારી હતી. તેની સાથે કૃણાલ પંડ્યા બે રને અણનમ રહ્યો હતોે.
ગુજરાતના બોલર્સમાંથી ઉમેશ યાદવ અને દર્શન નાલકંડેએ બે-બે વિકેટ તથા રાશિદ ખાને એક વિકેટ લીધી હતી.
Taboola Feed