નાગાજણ નારી રચિત મરશિયા કવિતા
ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની
ચારણી સન્નારી, આઈ રચિત દુહા કે કવિત સાહિત્ય બહુધા પીડાગાન છે. પરિસ્થિતિની, દારુણ-દુર્નિવાર વેદનશીલ અપસ્થિતિની અભિવ્યક્તિ દુહા રૂપે અવતરી. એને ગુજરાતી સાહિત્યની ક્વયિત્રી શૃંખલાના તેજસ્વી મણકા માનવા પડે એવા છે. એ માત્ર કવિતા જ નથી, પણ ભારતીય નારીના રોષ્ા, ખમીર, ખુમારી, અડગ-અટલ મનોવૃત્તિ અને ભાવનાશીલ જીવન મૂલ્યોના જીવંત દૃષ્ટાંતો છે.
સોરઠમાં જૂનાગઢ નજીકના દાત્રાણા ગામની ઘટના છે. ગામમાં નાગાજણ નામે ચારણ દંપતી રહે. થોડી ઘણી જમીન અને ખેડવા માટે એક સાથી. જુવાન દંપતી જીવન પસન્નતાથી પસાર કરતા. નાગાજણની પત્નીને ચારણ આઈમા તરીકે સહુ સંબોધે. એનું મીઠું ગળું, ધોળ-કિરતન, લગ્નગીતોથી આખા પંથકમાં જાણીતું. ચારણઆઈ કોઈના મૃત્યુવેળાએ મરશિયા પણ એવી રીતે ગાતા કે સાંભળનાર સ્તબ્ધ થઈ જતા. ભાઈબંધોએ કહેલુંં કે નાગાજણ તું તો ભારે ભાગ્યશાળી. તારા મોત પછી આઈ જે મરશિયા ગાશે એ તો કહેણી તરીકે યાદગાર બની રહેશે. તે દિવસથી નાથાજણના મનમાં પોતાના મરશિયા ચારણ આઈના મુખે સાંભળવાની અભરખા જાગેલી.
શિયાળાની ૠતુ હતી. ખેડનું બહુ કામ હતું નહીં એટલે નાગાજણ ચારણે આઈને કહ્યું, હું બે-ત્રણ કામ છે તે જુનાણે જઈ આવું. કહીને શિરામણ કરીને નીકળ્યો. સીમમાં ખેતરે રોંઢા સુધી કામકાજ ર્ક્યું અને દિ આથમવા આવ્યો એટલે સાથીને કહે કે હું પાછળથી સીમમાંથી ઘરની પાછળના વાડામાં સીધો સંતાઈ જઈશ. તું આઈને કે જુનાણેથી વળતા આવતા ગઢવીને એરુ આભડી ગ્યો છે. હું ગામ લોકોને લઈને લાવવાની ગોઠવણ કરું છું. સાથીએ સાંજના ટાંણે ઘેર આવી આમ કહ્યું ત્યાં આટલી વાત ખેડુ સાથી પાસેથી સાંભળતા જ ચારણ આઈએ લાંબો ઘૂમટો તાણી, માથે કાળી કામળી ઓઢીને નાગાજણના મરશિયા દુહા બોલતાં-બોલતાં રુદન કરીને ગામ ગજવી દીધું. વાડાની વખારમાં નીરણ આડો સંતાઈને નાગાજણ મોજથી મરશિયા સાંભળતો રહ્યો. આઈએ ગાયું કે –ચડિયું ચાક બંબાળ, દશ્યું દાત્રાણાનાં ધણી નાગાજણ ગિરનાર, ખળભળિયો પાડાના ધણી..'1
ગઢવી ગળબથ્થે હવે, નાગાજણ મળશે નહીં
રમતિયાળ રમે દીપક, ગો દાત્રાણા ધણી..’ ર
હે દાત્રાણા ગામના ધણી ચારણના સાડાત્રણ પાડાના ધણી તારા જવાથી દિશાઓ ચકરાવા લાગી અને ગરવો ગિરનાર ખળભળી ઊઠયો. હે દાત્રાણાના ગઢવી નાગાજણ સંબંધી સ્નેહીઓને ગળે વળગાડીએ બથ ભરીને તું હવે ક્યાં મળવાનો. હે ગો-કૂળના દીપક અમને રમતા મૂકીને-અમારી જીવતરની રમત અધૂરી મૂકીને તું ક્યાં નીસરી ગયો.સૂતો સૌ સંસાર, સાયર જળ સૂવે નહીં ઘટમાં ધૂધરમાળ, નાખીને નીસર્યો નાગાજણ..' 3
ગઢવી બીજે ગામ, અધઘડી આહેરતું નહીં
નાગાજણનું નામ, દુરલભ થિયું દાત્રાણા ધણી..’4
સંસારીઓ થોડો સમય જંપી જાય, પરંતુ સમુદ્રને જરા પણ જંપ હોતો નથી. હે નાગાજણ મારા હૈડામાં આવી અજંપ ઘૂઘરમાળ નાખીને તું હાલી નીકળ્યો. હે દાત્રાણા ધણી નાગાજણ ગઢવી તમને બીજે ક્યાંય અર્ધી ક્ષ્ાણ પણ સોરવતું – ગમતું નહીં. હવે એવું મળવું – હળવું દુર્લભ થઈ ગયું.શઢ સાબદો કરે, નાગાજણ હંકાર્યું નહીં એનો માલમી ગયો મરે, સફરી શણગારેલી રિયું..' પ
મ જાણ મીઠપ સેં, તું ખપીએ ખારાં
ભાડાતને ભાડાં નશાં દેવા નાગાજણાં..’ 6
હે નાગાજણ ચારણ, જીવતરની નૌકાના શઢ ચડાવીને તેં જીવનસફરની બધી તૈયારીઓ આદરી અને તૈયાર કરેલું – શણગારેલું વહાણ હવે તારા જવાથી નોંધારું ગઈ ગયું. હે નાગાજણ તું એમ ન સમજતો કે હવે મને જીવતરમાં કંઈ મીઠાશ રહેશે. તારા જવાથી જીવતર ખારું થઈ ગયું. દેહના ભાડાં તો આત્મરૂપી ભાડૂતે દેવા પડશે. પણ માત્ર જીવતર જીવવાનું.ભાંગ્યું ભાડ ચડે, વાણ વસિયાતું તણું આધો પંથ આવે, નાગલ તુટયું નાગાજણાં..' 7
સૂતો સોડય તાણી, બોલાવ્યો બોલે નહીં
હોંકારો નવ દિયે, નાગાજણ નીંભર થિયો..’ 8
હે નાગાજણ તારું જીવતર પરદેશી વહાણવટુ ખેડનારા વણજ વેપારી જેવું હતું. અર્ધે માર્ગે નાગલા-દોરડા તુટી ગયા, હવે હું ક્યાં આથડીશ. ઊંડી-મોટી સોડય તાણીને મોટી નિંદરમાં પોઢેલા મારા ધણી મને તું હોંકારો ભણતો નથી – હે નાગાજણ તું આવો કઠોર કેમ થયો.
એક પછી એક દુહાબદ્ધ મરશિયા ગાતી અને ઘેરા સાદે રુદન કરીને રડવડતી નાગાજણની પત્ની ચારણ આઈના મરશિયાથી ગામ હિબકે ચઢયું હતું. બધા ઘેરા શોકમાં ડૂબી ગયેલા. લાંબો ઘૂમટો તાણીને હૈયાફાટ રુદન કરતી ચારણ આઈના મરશિયા એમાંનો ભાવ, એમાંથી વતો ઊંડો શોક અને કરુણરસનું વાતાવરણ રચાણું. માંડ-માંડ આઠ દુહાના મરશિયા નાગાજણ સાંભળી શક્યો. એની છાતીમાં પણ ડૂમો ભરાણો. એનાથી વધુ સાંભળવાની હિંમત ન રહી. પછવાડે પછીતે ઊભાં-ઊભાં અંધારામાં એની આંખમાંથી પણ આંસુ દડી પડયા. ભારે પગલે ફળિયામાં, ઓસરીમાં ને પછી ઓરડામાં થાંભલીનો ટેકો લઈને કૂટતી ચારણ આઈના ઘૂમટા ઉપરની લોમડી-કાળી કામળી ઉતારતા બોલ્યો:
`હાંઉ કરો આઈ, મું જીવતો જ છું. આ તો મારા મરશિયા હાંભળવા માટે જુગતી કરીને ખરખરાના ખબર મોકલેલા. ચારણ આઈ મોઢુંં ફેરવી ગઈ અને બોલી, ચારણીયાણીની ઠેકડી કરી, ગઢવી તમે આવું કાળું કામ મારી સામે ર્ક્યું. મેં તમને મરેલા જાણી, મરશિયા કીધા તમારા. હવે મારા માટે તમે કાયમ મડદું જ. તમારું મોઢું નહીં જોવ ક્યારેય…નહીં વાત કરું હવે. જય માતાજી.’
કહેવાય છે કે, દાત્રાણા ગામમાં જીવ્યા ત્યાં સુધી ચારણનું મોઢું જોયું નહીં. એની સાથે વાતચીત પણ નહીં કરેલી. એની ખાવાની સામગ્રી ઓરડામાં મૂકી દ્યે. ઘૂમટો તાણીને આખી જીંદગી મોઢામોઢ ન થયા અને ક્યારેય વાતું પણ ન કરી. ચારણ આઈનું આવું સત, આવું આકરું ટેકીલાપણું એક મોટી કથા બની ગઈ.