પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં હવે જામનગર ભાજપના આ નેતાએ ઝંપલાવ્યું, ઉમેદવારી પાછી ખેંચવા લખ્યો પત્ર

જામનગર: ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ સામે કરેલો તેમનો બફાટ ભારે પડી રહ્યો છે. રૂપાલાએ બે વખત જાહેરમાં માફી માંગી હોવા છતાં વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. સમગ્ર રાજ્યમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજના લોકો દેખાવો, અને ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. જો કે હવે ભાજપમાંથી રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માગ ઉઠી છે. જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી પ્રવીણસિંહ જાડેજાએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને પત્ર લખ્યો છે. જેમાં તેમણે રૂપાલાને સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પાછી ખેંચવા વિનંતી કરી છે.
જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી પ્રવીણસિંહ જાડેજાએ પત્રમાં લખ્યું કે,’એક કાર્યક્રમ દરમિયાન તમે (પુરુષોત્તમ રૂપાલા) રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની અસ્મિતા પર પ્રહાર સમાન નિવેદનના કારણે રાજ્યમાં ઉભી થયેલ ગંભીર પરિસ્થિતિથી તમે વાકેફ છો. તમે સિનિયર, અનુભવી અને પ્રભાવી આગેવાન છો, પરંતુ આપનું આ નિવેદન મારી દ્રષ્ટિએ પક્ષના શિસ્ત ભંગનું ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે, પક્ષ માટે નુકસાનકારક કોઈ વાત કે નિવેદન કરવું એ પક્ષની શિસ્તબદ્ધતા અને અનુશાસનનો ભંગ કાર્ય સમાન હોય છે.

માત્ર ભાજપના કાર્યકરો જ નહીં, પરંતુ ભારતના નાગરિકો માટે પણ પ્રેરણા સ્ત્રોત એવા આપણા શ્રધ્ધેય વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી બાજપાયજીએ પક્ષના સંનિષ્ઠ, વફાદાર અને પ્રમાણિક કાર્યકર અને આગેવાનની વ્યાખ્યા અનેક વખત આપેલ છે, તે મુજબ પક્ષના કાર્યકર કે આગેવાનમા “મુજ સે બડા દલ ઓર દલ સે બડા દેશ” એવી પક્ષ તથા રાષ્ટ્ર પ્રત્યે પ્રખર ભાવના જે કાર્યકર કે આગેવાનમાં હોય તે જ ભાજપનો સમર્પિત, વફાદાર, સનિષ્ઠ અને પ્રમાણિક કાર્યકર કહેવાય. ભાજપના સંસ્થાપકોના રાષ્ટ્રવાદી વિચારોને કારણે તેમજ પક્ષની શિસ્તબદ્ધતા અને અનુશાશનને કારણે જ આજે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે તે વાસ્તવિકતા આપે સ્વીકારવી જ રહી.

આથી આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકેની આપની ઉમેદવારી સામે ચાલીને રદ કરવા માટે પાર્ટીને સ્વૈચ્છિક રીતે જણાવવું જોઈએ અને પાર્ટી પ્રત્યેની આપની વફાદારીની ભાવનાને પ્રદર્શિત કરવી જોઈએ. જો આપ એવું ન કરી શકો તો આપના હિત કરતા પાર્ટી, રાજ્ય અને દેશનું હિત ગૌણ છે તેવું આપ વ્યક્તિગત રીતે માનો છો, તે સ્વયં સ્પષ્ટ થઈ જશે.’
રાજ્યમાં રાજપૂત સમાજનો રૂપાલા સામે આક્રોશ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે વિવાદનો અંત કેવી રીતે આવશે? વિવાદ પૂરો કરવામાં મહત્વની ભૂમિકા કોણ ભજવશે? રૂપાલાના આ નિવેદનથી ભાજપને આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાં કેટલું રાજકીય નુકશના થશે તે અંગે રાજકીય વિષ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. તો શું ભાજપ રૂપાલા સામેનો રોષ શાંત કરવા તેમની ઉમેદવારી રદ્દ કરશે કે કેમ તેના પર સૌની નજર છે.