ધર્મતેજ

“અલૌકિક દર્શન” ભરત ગંગાજીને પ્રણામ કરીને આગળ વધે છે

જીવનનું અમૃત – ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
સૌ ગંગાકિનારે પહોંચે છે. ગંગાજીને ભરતજી પ્રણામ કરે છે અને ત્યાંથી પગપાળા ચાલવાનો પ્રારંભ કરે છે. સેવકો ઘોડા પર બેસવાનો આગ્રહ કરે છે, ત્યારે ભરતજી કહે છે:

“મારા માટે તો ઉચિત એ જ છે કે હું માથા વડે ચાલીને જાઉં. સેવકોનો ધર્મ સૌથી કઠિન છે.”
તદનંતર સૌ તીર્થરાજ પ્રયાગરાજમાં પહોંચે છે. ભરતજી પ્રયાગરાજ પાસે બંને હાથ જોડીને માગે છે.


” મને ન અર્થની રુચિ છે,ન ધર્મની, ન કામની અને હું મોક્ષ પણ ઇચ્છતો નથી. જન્મોજન્મ રામનાં ચરણોમાં પ્રેમ રહે , એ જ વરદાન માગું છું બીજું કાંઈ જ નહીં.”
જુઓ! ભરતજીની રામ-પ્રીતિ જુઓ!
તદનંતર એક રાત્રિનિવાસ સૌ ભરદ્ધાજ મુનિના આશ્રમમાં કરે છે અને પ્રાત:કાલે સૌ ચિત્રકૂટ તરફ પ્રયાણ કરે છે.
ભરત સમગ્ર અયોધ્યાવાસીઓ સાથે આવે છે તેવા સમાચાર શ્રીરામ-લક્ષ્મણને મળે છે કોઈકે તો એમ પણ કહ્યું કે સાથે વિશાળ ચતુરંગિણી સેના પણ છે. ભગવાન શ્રીરામ તો શાંત અને સ્વસ્થ છે, પરંતુ લક્ષ્મણજીને લાગે છે કે ભરત અહીં પ્રભુ રામ સાથે યુદ્ધ માટે આવે છે. લક્ષ્મણજી વિચારે છે કે અયોધ્યાની રાજગાદી મેળવીને નક્કી ભરતને રાજમદ થયો છે. યુદ્ધ આવ્યું છે તેમ વિચારે છે તેમ ધારીને લક્ષ્મણજી તો ધનુષ્યબાણ હાથમાં લઈને યુદ્ધ માટે તૈયાર થાય છે.
ભગવાન શ્રીરામ ભરતજીને બરાબર જાણે છે અને તદ્નુસાર લક્ષ્મણજીને કહે છે :

“(અયોધ્યાના રાજ્યની તો વાત જ શું છે) બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનું પદ પામીને પણ ભરતને રાજ્યનો મદ ન થાય! શું ક્યારેય કાંજીના ટીપાંથી ક્ષીરસમુદ્ર નષ્ટ થઈ શકે (ફાટી શકે) છે?”
વળી પ્રભુ રામ ભરતજીનો મહિમા ગાતાં આગળ
કહે છે :

” મચ્છરની ફૂંકથી ભલે મેરુ પર્વત ઊડી જાય, પરંતુ હે ભાઈ! ભરતને કદી રાજમદ ન થઈ શકે. હે લક્ષ્મણ! તમારી શપથ અને પિતાજીના સોગંદ ખાઈને કહું છું ભરત સમાન પવિત્ર અને ઉત્તમ ભાઈ સંસારમાં નથી”
પ્રભુ રામની આ વાણી સાંભળીને દેવો પ્રસન્ન થઈને કહે છે :



“જો જગતમાં ભરતનો જન્મ ન થાત, તો પૃથ્વી પર સંપૂર્ણ ધર્મોની ધૂરાને કોણ ધારણ કરત? હે રઘુનાથજી! કવિકુળ માટે પણ અગમ્ય ભરતજીના ગુણોની કથા આપના સિવાય બીજા કોણ જાણી શકે?
ભગવાન શ્રીરામની અને દેવોની આ વાણી જો ભરતજીએ સાંભળી હોત તો તેમની વેદના અવશ્ય ઓછી થઈ હોત, પરંતુ તેમ થવું હજુ બાકી છે.”
પ્રભુ રામના દૂરથી જ દર્શન પામીને ભરતજી તો ભાવવિભોર બની ગયા. ભરત, શત્રુઘ્ન અને નિષાદરાજ ત્રણેય લગભગ દોડતા-દોડતા પ્રભુ રામની પર્ણકૂટિ તરફ આગળ વધે છે અને પહોંચીને શું કરે છે?


“નાના ભાઈ શત્રુઘ્ન અને નિષાદરાજ સાથે ભરતજીનું મન મગ્ન બની ગયું છે. હર્ષ-શોખ, સુખ-દુ:ખ આદિ સર્વ ભૂલી ગયા. હે નાથ! રક્ષા કરો. હે ગોસાઈ! રક્ષા કરો' એમ કહીને ભરતજી દંડની જેમ પૃથ્વી પર પડી ગયા.” તે વખતે લક્ષ્મણજી પ્રભુ રામને કહે છે : લક્ષ્મણજીએ પ્રેમ સહિત પૃથ્વી પર મસ્તક નમાવીને કહ્યું: હે રઘુનાથજી! ભરતજી પ્રણામ કરે છે!’ આ પ્રમાણે સાંભળતાં જ રઘુનાથજી પ્રેમમાં અધીર બની ગયા. કયાંક વસ્ત્ર પડ્યું, કયાંક ભાથો, ક્યાંક ધનુષ અને ક્યાં બાણ!”
ભગવાન શ્રીરામનો પોતાનો પ્રત્યેનો આવો અપ્રતિમ પ્રેમ જોઈને ભરતજીની અડધી વેદના અને અડધો સંકોચ તો દૂર થઈ ગયા, પરંતુ તેમાંથી સર્વથા મુક્ત થવાનું હજુ બાકી છે.
તદનંતર ચિત્રકૂટમાં અનેક સભાઓ થઈ. જનકપુરથી મહારાજ જનક અને મહારાણી સુનયનાજી પણ પધારે છે. ખૂબ સભાઓ, મુલાકાતો, ચર્ચાઓ, વિચારણા થઈ, પણ ભરતજીની ઈચ્છા પૂરી ન થઈ. ભરતજીની ઈચ્છા હતી પ્રભુ રામ અયોધ્યા પધારે અને અયોધ્યાના રાજસિંહાસન પર બિરાજમાન થાય.
અનેક સભાઓમાં અપરંપાર ચર્ચા-વિચારણાના અંતે ભગવાન શ્રીરામની ઈચ્છા પ્રમાણે આ પ્રમાણે નક્કી થયું :

  1. રામ- લક્ષ્મણ-સીતા ચૌદ વર્ષ વનવાસ કરે.
  2. આ ચૌદ વર્ષ દરમિયાન ભરત- શત્રુઘ્ન શ્રીરામના પ્રતિનિધિ તરીકે અયોધ્યાનું શાસન સંભાળે.
  3. ચૌદ વર્ષ પરિપૂર્ણ કરીને શ્રીરામ-લક્ષ્મણ-સીતાજી અયોધ્યા પધારે.
  4. તે વખતે ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક થાય.
    પભુ રામની આજ્ઞા પ્રમાણે ચિત્રકૂટના સર્વતીર્થોની યાત્રા સંપન્ન કરીને ભરતજી હવે સર્વ અયોધ્યાવાસીઓ સાથે અયોધ્યા જવા તૈયાર થાય છે.
    ભગવાન ભરતજીને રાજધર્મ સમજાવે છે. હવે ભરતજીના મનનો ભાવ એવો છે કે કોઈ અવલંબન પામ્યા વિના, કોઈ આધાર મેળવ્યા વિના ભરતજીના મનમાં સંતોષ,સમાધાન અને શાંતિ થતી નથી. ભરતજીના મનનો આ ભાવ જાણીને ભગવાન શ્રીરામ તેમની ભાવના પરિપૂર્ણ કરે છે.

    ” (ભરતજીના પ્રેમને વશ થઈને ) ભગવાન શ્રીરામે કૃપા કરીને ભરતજીને પોતાની પાદુકા આપી. ભરતજીએ આદરપૂર્વક પાદુકાને પોતાના મસ્તક પર ધારણ કરી.”
    સૌ અયોધ્યા આવે છે. પ્રભુની પાદુકાને વિધિવત્‌‍ અયોધ્યાના રાજસિંહાસન પર બિરાજમાન કરાવવામાં આવે છે.
    ભરતજી અયોધ્યાના રાજમહેલમાં રહેતા નથી. પ્રભુરામ વનમાં રહે અને ભરતજી મહેલમાં કેવી રીતે રહી શકે?
    ભરતજી નંદિગ્રામમાં કુટિયા બનાવીને રહે છે. વલ્કલ ધારણ કર્યા છે. જટા બાંધી છે વનમાં કંદ, ફળ, મૂળનું ભોજન કરે છે! પ્રભુ રામ ધરતી પર શયન કરે છે. ભરતજી ધરતીમાં ખાડો ખોદીને તેમાં શયન કરે છે! તપસ્વીનું જીવન જીવે છે.
    આ ચૌદ વર્ષ દરમિયાન પણ ભરતજીના ચિત્તમાં વેદના તો રહી જ છે, કારણ કે પ્રભુ રામ, લક્ષ્મણજી અને સીતાજી હજુ વનમાં છે. ભરતજીની આ વેદના વિરહની વેદના છે અને વિરહ-વેદના એક તીવ્ર તપશ્ચર્યા છે!
    પ્રભુ રામ, લક્ષ્મણ અને સીતાજી ચૌદ વર્ષનો વનવાસ પરિપૂર્ણ કરીને પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા પધારે.
    રામ-ભરતનું મિલન થાય છે! સર્વત્ર આનંદ-મંગલ વરતાય છે.
    ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક થાય છે. પ્રભુ રામ અયોધ્યાના રાજસિંહાસન પર બિરાજમાન થાય છે. પ્રભુ રામ ભરતજીને યુવરાજપદે સ્થાપિત કરે છે!
    ભરતજીની વેદના-તપશ્ચર્યા અહીં પરિપૂર્ણ થાય છે!

    “શ્રી સીતારામજીના પ્રેમરૂપી અમૃતથી પરિપૂર્ણ ભરતજીનો જન્મ જો ન થયો હોત તો મુનિઓના મનને પણ અગમ, યમ, નિયમ, શમ, દમ, આદિ કઠિન વ્રતોનું આચરણ કોણ કરત? દુ:ખ, સંતાપ,દરિદ્રતા,દંભ આદિ દોષોનું પોતાના સુયશ દ્વારા કોણ હરત કરત? તથા કલિકાળમાં તુલસીદાસ જેવા શઠોને હઠપૂર્વક કોણ શ્રીરામજીની સન્મુખ કરત?”
    આવા છે, આપણા રામાનુજ ભરતજી!
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?