આમચી મુંબઈ

ઘાટકોપરમાં ફેરિયાઓના મુડે હાઇ કોર્ટમાં

જનહિતની અરજી પર આ અઠવાડિયામાં સુનાવણી થવાની શક્યતા

મુંબઈ: ઘાટકોપરમાં ફેરિયાઓને રસ્તા પરથી હટાવવા માટે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી પર આ અઠવાડિયામાં સુનાવણી શરૂ થવાની શક્યતા છે. ઘાટકોપર પૂર્વના એમજી રોડ પર ગેરકાયદેસર ફેરિયાઓના કબજાથી નાગરિકો ત્રસ્ત થઈ ગયા હતા. ફેરિયાઓના ત્રાસને કારણે સ્થાનિક નાગરિકોએ આંદોલન કરી મુંબઈ પાલિકાનું ધ્યાન આ બાબતે દોર્યું હતું, પણ પાલિકાની કાર્યવાહીના 24 કલાક બાદ તરત જ ફેરિયાઓ આ વિસ્તારમાં ફરી પોતાનો કબજો જમાવી લે છે. જેથી આ અંગે સ્થાનિક નાગરિકોએ જનહિતની અરજી અદાલતમાં દાખલ કરી હતી.

ઘાટકોપર પૂર્વના એમજી રોડના વિસ્તારમાં ફેરિયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, જેથી અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ બાબતે અરજી કરનારે જણાવ્યું હતું કે ઘાટકોપરના આ વિસ્તારમાં ફેરિયાઓ જબરદસ્તી કરીને તેમનો સામાન રોડ પર વેચવા માટે મૂકે છે અને તેમને સામાન ત્યાંથી હટાવવાનું કહેવામાં આવતા તેઓ લોકો સાથે ખરાબ વર્તન કરીને તેમની સાથે મારપીટ પણ કરે છે. આ બાબતે અનેક નાગરિકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી, જોકે ફેરિયાઓના ભયથી પોલીસ કે પાલિકાના અધિકારીઓ કોઈપણ કાર્યવાહી કરી નહોતી.


ગેરકાયદેસર ફેરિયાઓના ત્રાસથી છુટકારો મેળવવા માટે અદાલતમાં અરજી દાખલ કરી હતી, જેના પર આ અઠવાડિયામાં સુનાવણી થશે એવી શક્યતા છે. આ વિસ્તારમાં અનેક એવા ફેરિયાઓ પણ છે જે પાલિકા અધિકારીઓને પણ ધમકાવે છે, જેને કારણે પાલિકા કોઈપણ કાર્યવાહી કરવા વિસ્તારમાં આવતી નથી. ફેરિયાઓના મુદ્દે પાલિકા અધિકારીઓએ પોલીસ સાથે મળીને કાર્યવાહી કરી હતી, પણ કાર્યવાહીના બીજા જ દિવસે આ ફેરિયાઓ ફરીથી અહીં પોતાની દુકાન લગાવે છે, એવું એક અધિકારીએ કહ્યું હતું.


ગેરકાયદેસર ફેરિયાઓના લીધે ઘાટકોપરમાં પૂર્વના એમજી રોડ અને તેની આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ છે જેને લીધે નાગરિકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી અદાલત આ મામલે કોઈ યોગ્ય ચુકાદો આપશે એવી આશા નાગરિકોને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button