આપણું ગુજરાત

કચ્છની પાંચ નગરપાલિકામાં ‘નો રિપીટ થિયરી’ અનુરૂપ નવા પ્રમુખોની વરણી કરાઈ

ભુજ: કચ્છની ભાજપ શાસિત પાંચ નગરપાલિકાઓમાં અઢી વર્ષની શેષ ટર્મ માટે પસંદગીનો કળશ અમુક ધારણાનુસારના ઉમેદવારોના માથે ઢોળાયો છે તો અમુક પસંદગી આશ્ર્ચર્યચકિત કરનારી નીકળી છે.
ભુજની નગરપાલિકામાં નવા નગર અધ્યક્ષા તરીકે રશ્મિબેન ધર્મેન્દ્ર સોલંકી (રાજપૂત), ઉપ પ્રમુખપદે ઘનશ્યામભાઈ ચંદ્રકાન્ત ઠક્કર, કારોબારી ચેરમેનપદે મહિદીપ પરાક્રમસિંહ જાડેજા અને શાસક પક્ષના નેતા તરીકે કમલ ગઢવીની પસંદગી સર્વાનુમતે કરવામાં આવી છે. નગર અધ્યક્ષા, કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતા એક જ વોર્ડમાંથી એટલે કે વોર્ડ નંબર સાતમાંથી ચૂંટાયેલા કાઉન્સિલરો છે. ઘનશ્યામ ઠક્કરને ઉપ પ્રમુખપદનો શિરપાવ મળ્યો છે. ગાંધીધામની નગરપાલિકાના પ્રમુખ તરીકે કાર્ગો હેન્ડલિંગ સાથે સંકળાયેલા અને વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર એવા તેજસ શેઠની પાર્ટીએ પસંદગી કરી છે. ગાંધીધામમાં ઉત્તર ભારતીયો સહિતના પરપ્રાંતીય મતદારોની વસતિને ધ્યાને રાખી કારોબારી ચેરમેન તરીકે અજય કે. સિંગની વરણી કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાલિકાના ઉપ પ્રમુખપદે દિવ્યાબેન નાથાણી અને શાસક પક્ષના નેતાપદે ભરત મીરાણીની વરણી થઈ છે. જયારે અંજાર નગરપાલિકા પ્રમુખ તરીકે વૈભવ કોડરાણી, ઉપ પ્રમુખ તરીકે શિલ્પાબેન બુધ્ધભટ્ટી, કારોબારી સમિતિના ચેરમેન તરીકે પાર્થ સોરઠીયા અને શાસક પક્ષના નેતા તરીકે નીલેશ ગોસ્વામીની વરણી થઈ છે. માંડવીની નગરપાલિકાના પ્રમુખપદે સર્વાનુમતે હરેશ વેલજીભાઈ વિંઝોડાની વરણી થઈ છે. ઉપપ્રમુખ તરીકે જ્યોત્સનાબેન સેંઘાણી, કારોબારી ચેરમેન તરીકે વિશાલ ઠક્કર અને શાસક પક્ષના નેતા તરીકે લતિક શાહની પસંદગી થઈ હતી. મુંદરા નગરપાલિકાના પ્રમુખ તરીકે અપેક્ષા મુજબ રચનાબેન પ્રણવભાઈ જોશીની વરણી થઈ છે. ઉપ પ્રમુખપદે જીતુભાઇ માલમ, કારોબારી ચેરમેન પદે ભોજરાજ ગઢવી અને શાસક પક્ષના નેતા તરીકે ધમભા ઝાલાની પસંદગી થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button