લોકસભા ચૂંટણી: બીડની બેઠક પર ભાજપ અને પવાર જૂથ સામે વંચિત બહુજન આઘાડીનો ઉમેદવાર જાહેર

મુંબઈ: લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવતા રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરૂ કર્યું છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાની લોકસભાની સીટ પર પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન આઘાડીએ અશોક હિંગેને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. બીડની સીટ પર અશોક હિંગેને ઉમેદવાર જાહેર કરીને વંચિતે અત્યારસુધી મહારાષ્ટ્રની કુલ 21 સીટ પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
વંચિત બહુજન આઘાડીએ પહેલી યાદીમાં નવ, બીજી યાદીમાં 11 અને ત્રીજી યાદીમાં એક આમ કુલ 21 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ત્રીજી યાદીમાં બીડની બેઠક પર અશોક હિંગેને ઉમેદવાર જાહેર કર્યા છે. વંચિતના ઉમેદવાર અશોક હિંગે બિડની બેઠક પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર પંકજા મુંડે અને શરદ પવાર જૂથના નેતા બજરંગ સોનાવણે સામે ચૂંટણીના મેદાનમાં ઉતરશે.
ઉલ્લેખનીય છે કે પ્રકાશ આંબેડકર મહાવિકાસ આઘાડી (કૉંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે જૂથ, શરદ પવાર જૂથ)માં સામેલ થઈને લોકસભા ચૂંટણીની બેઠક લડવાના હતા એવી ચર્ચા હતી, પણ મહાવિકાસ આઘાડી અને વંચિત વચ્ચે સીટની વહેંચણી નહીં થતાં પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન આઘાડીએ એકલા જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. આ સાથે તેમના ઉમેદવારોની પણ યાદી જાહેર કરી હતી.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ મહાવિકાસ આઘાડીએ વંચિતને માત્ર ચાર બેઠક આપી હતી. માત્ર ચાર બેઠક મળતા વાંચીતે નારાજ થઈને મહાવિકાસ આઘાડીનો સાથ છોડીને એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો અને તેઓ મહાવિકાસ સાથે ફરી સામેલ નહીં થશે એવી જાહેરાત પણ પ્રકાશ આંબેડકરે કરી હતી.