શેર બજાર

ધાતુમાં પાંખાં કામકાજો વચ્ચે મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરમાં સુધારો આગળ ધપ્યો હોવાના તેમ જ અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાનાં અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ પાંખાં કામકાજો વચ્ચે ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને ટીન, નિકલ અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને નિરસ માગે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૨, રૂ. ૭ અને રૂ. બેનો ઘટાડો આવ્યો હતો. જોકે, કોપરની અન્ય વેરાઈટીઓ, બ્રાસ શીટ કટિંગ્સ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી વપરાશકાર ઉદ્યોગની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૩નો સુધારો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૨ ઘટીને રૂ. ૨૧૭૫ અને રૂ. ૭ ઘટીને રૂ. ૧૭૨૩ના મથાળે રહ્યા હતા, જ્યારે નિરસ માગે કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. બેના ઘટાડા સાથે રૂ. ૭૫૪ના મથાળે રહ્યા હતા. જોકે, આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને અનુક્રમે રૂ. ૭૨૧, રૂ. ૭૧૧ અને રૂ. ૬૯૫ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. એકના સુધારા સાથે અનુક્રમે રૂ. ૬૫૪, રૂ. ૫૦૯, રૂ. ૨૨૩ અને રૂ. ૧૯૦ના મથાળે રહ્યા હતા. આ સિવાયની અન્ય ધાતુઓ જેમ કે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૪૭૮, રૂ. ૧૭૦ અને રૂ. ૨૦૬ના મથાળે ટકેલા રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button