‘Alexa’ની મદદથી બહેનને વાંદરાઓથી બચાવી તો ખુલી ગઇ કિસ્મત…
શહેરી સુવિધાઓથી દૂર દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા બાળકોને જીવનમાં ડગલેને પગલે અવનવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તેમનું જીવન કઠિનાઇઓથી ભરેલું હોય છે, પણ બાળકો તેમની બુદ્ધિમત્તાનો ઉપયોગ રોજિંદા કામમાં કરે છે અને પોતાનું સામાન્ય જીવન જીવે છે. આવો જ એક કિસ્સો હાલમાં જાણવા મળ્યો છે.
ઉત્તર પ્રદેશના બસ્તીની એક 13 વર્ષની છોકરીએ તેના ઘરમાં ઘૂસી ગયેલા વાંદરાઓને ભગાડવા માટે એલેક્સાની મદદ લીધી અને તેની નાની બહેનનો જીવ બચાવ્યો હતો. 13 વર્ષની છોકરીએ તેની બહેનના રૂમમાં ઘૂસેલા વાંદરાઓને ભગાડવા માટે એલેક્સાને કૂતરાના ભસવાનો અવાજ કરવા કહ્યું હતું, જે સાંભળીને વાંદરો ડરી ગયો અને ભાગી ગયો. છોકરીની આ વ્યૂહરચના કામ આવી ગઈ અને આ રીતે તેણે પોતાની 15 મહિનાની બહેનને વાંદરાઓના હુમલાથી બચાવી લીધી. આ પછી કોઈએ તેનો વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે. તે વિવિધ મુદ્દાઓ પર પોસ્ટ શેર કરે છે અને લોકો સાથે જોડાયેલા રહે છે. આનંદ મહિન્દ્રાએ જ્યારે આ જોયું તો તેઓ છોકરીના સમયસૂચકતા અને ઝડપી પ્રતિભાવથી પ્રભાવિત થઇ ગયા હતા. એલેક્સાની મદદથી પોતાને અને તેની નાની બહેનને વાંદરાના હુમલાથી બચાવનાર આ 13 વર્ષીય ટીનએજરને તેમણે નોકરીની ઓફર કરી છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર શેર કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે, “આપણા યુગનો મુખ્ય પ્રશ્ન એ છે કે આપણે ટેક્નોલોજીના ગુલામ બની જઈશું કે માસ્ટર. આ છોકરીની વાર્તા આપણને એક ઉત્તમ ઉદાહરણ આપે છે કે કેવી રીતે ટેક્નોલોજી હંમેશા વ્યક્તિની માનવ પ્રતિભાને આગળ વધારવામાં મદદરૂપ થાય છે. વાંદરાના હુમલા પછી તરત જ છોકરીએ જે વિચાર્યું તે અસાધારણ હતું. તેનીઝડપી વિચારસરણી અસાધારણ હતી. આ છોકરીએ સમયસૂચકતા સાથે નેતૃત્વક્ષમતા દર્શાવી છે. છોકરીમાં કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની સંપૂર્ણ ક્ષમતા છે.
જો આ છોકરી અભ્યાસ પૂર્ણ કર્યા પછી કોર્પોરેટ જગતમાં જોડાવા માંગે છે, તો હું તેને મહિન્દ્રા રાઇઝમાં જોડવામાં રસ લઉં છું. મહિન્દ્રાની આ ઓફર પછી બસ્તીની આ ટીનએજરના તો ભાગ્ય જ ખુલી ગયા છે. એને માટે તો જાણે લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવી એવો ઘાટ થયો છે.