ઉત્સવ

ઝબાન સંભાલ કે

હેન્રી શાસ્ત્રી

પડ્યા ચભાડ પાંચશો, સોઢા વીશુ સાત, એક તેતરને કારણે અળ રાખી અખિયાત

ડહાપણભરી અનેક વાતો સૂત્ર રૂપે સુભાષિતમાં રજૂ થાય છે. કવિ તેમાં ગાગરમાં સાગર ભરવા જેવું કાર્ય કરે છે. એમાં કાવ્યતત્ત્વની ઉપસ્થિતિ પણ અપેક્ષિત હોય છે. જીવન જીવવાના માર્ગ સૂઝાડતા સિદ્ધાંતો તેમાં હોય છે, જે મનુષ્યને અવારનવાર ખપ લાગે છે. તેમાં વ્યંગ્ય, કટાક્ષ ઉપરાંત જીવનને જોવાની એક આગવી દૃષ્ટિ પણ મળતી હોય છે. કવિશ્વર દલપતરામ (દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી)ની કેટલીક કૃતિઓ ચિરંજીવી છે તો કેટલીક અત્યંત માર્મિક છે, પણ કાળાંતરે વિસરાઈ ગઈ છે. તેમની સંશોધન રચના ‘રત્નમાળા’માં ‘મુળીના પરમારો’ની વાત આલેખવામાં આવી છે. દુષ્કાળને કારણે સોઢા – પરમાર મૂળી (સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો) આગળ આવી વસ્યા. સુરેન્દ્રનગર જિલ્લો જૂના ધ્રાંગધ્રા, સાયલા, વઢવાણ, લીંબડી, લખતર તેમજ  ઝાલા રાજપૂત દરબારોના રજવાડા અને મૂળી પરમાર રાજપૂત દરબારના રજવાડાઓનો બનેલો જીલ્લો હતો. સોઢા ખૂબ મહેનતુ અને વીર પ્રજા હતી. સાયલામાં શૂરવીર ચભાડોનું શાસન હતું. જો સોઢાઓ મૂળીમાં ઝાઝો વખત રહેશે તો પોતાની જાગીરને અડચણ ઊભી થશે એવો કલ્પિત ભય ચભાડોને ઘેરી વળ્યો. એ સમયે વઢવાણ રિયાસતમાં વિશળદેવનું શાસન ચાલતું હતું. વિશળદેવની બીજી પત્ની સોઢાઓની તરક્કી જોઈ ઈર્ષ્યાથી બળવા લાગી. સીધી રીતે સોઢાઓનો વાળ પણ વાંકો કરી શકાય એમ ન હોવાથી રાણીએ શિકાર કરવાને બહાને સોઢાઓને હેરાન કરવાની યોજના બનાવી. એક વેળાએ સૈનિકો અને મોટી સંખ્યામાં શિકારીઓ લઈ સોઢા પરમારની સીમા તરફ શિકાર કરવા ગયા. એક તેતર દેખાતા શિકારીએ તીર છોડ્યું જે તેતરને વાગ્યું પણ એ તેતર ઉડતા ઉડતા સોઢા પરમારની હદમાં આવીને પડ્યું. તેતરને શોધતા રાણીના માણસો થોડી વારમાં ત્યાં આવી પહોંચ્યા અને ‘અમારો શિકાર અમને સોંપી દ્યો’ એવી માગણી કરી. આ સાંભળી ચભાડનાં રાણી બોલ્યા કે ‘આ પક્ષી અમારે શરણે આવ્યું છે અને શરણે આવેલાનું રક્ષણ કરવું એ રાજપૂતનો ધર્મ છે.’ અકળાયેલા વિમળદેવનાં રાણીએ યુદ્ધ છેડ્યું પણ સોઢા પરમારના લડવૈયાની વીરતા સામે વિજય મેળવવો મુશ્કેલ લાગતા સોઢા પરમારના કુંવર મુંજાજીને છળકપટથી માર્યા. આજુબાજુના સોઢા પરિવારને જાણ થતા એ પણ દોડી આવ્યા અને ઘમાસાણ યુદ્ધમાં 140 સોઢા અને 500 ચભાડો મૃત્યુ પામ્યા. શરણે આવેલાની રક્ષા કાજે રાજપૂતોએ પ્રાણનું બલિદાન આપ્યું. આ ઇતિહાસની ગાથા પરથી  શ્રી દલપતરામની કલમમાંથી સલામ કરતી પંક્તિઓ અવતરી છે કે પડ્યા ચભાડ પાંચશો, સોઢા વીશુ સાત, એક તેતરને કારણે અળ રાખી અખીયાત. અળ એટલે ભૂમિ, અખીયાત એટલે હેમખેમ, સહી સલામત, વીશુ સાત એટલે વીસ ગુણ્યા સાત બરાબર એકસો ચાલીસ – 140. (કેટલા વીશે સો થાય છે? કહેવત જાણીતી છે).

સગ્ગી बहिण

तू का आई – तुकाई

બોલાતી ભાષામાં સ્થળ સાથે બદલાવ આવે એ આપણે જાણીએ છીએ. એટલે જ મુંબઈના ઢોકળા સુરતમાં ઈદડા બની જાય છે. કોઈ શહેરમાં ગળી રોટલી પૂરણપોળી તરીકે પીરસાય તો કોઈ બીજી જગ્યાએ એ જ ગળી રોટલી વેડમી બની જાય છે. સ્થળ ઉપરાંત સમય સાથે પણ કહેવત કે રૂઢિપ્રયોગ સંક્ષિપ્ત રૂપ ધારણ કરે એવા ઘણા ઉદાહરણ છે. આ સંદર્ભમાં રામાયણનો એક સરસ પ્રસંગ સમજવા જેવો છે. આપણે ત્યાં રામાયણના અનેક સ્વરૂપ જોવા મળે છે. એમાંના એક સ્વરૂપની કથા જાણવા જેવી છે. રાવણ સીતાજીનું અપહરણ કરી તેમને લંકા લઈ ગયો એ પછી ભગવાન શ્રી રામ ખૂબ અસ્વસ્થ થઈ ગયા હતા. સીતાજીને ગોતવા, એમને શોધવા ચારેકોર પ્રયાસ કરવા લાગ્યા હતા. શ્રી રામની આ અવસ્થા જોઈ પાર્વતી મૈયા (મહારાષ્ટ્રના તુળજા ભવાની) વ્યથિત થઈ ગયા. રામનું દુઃખ હળવું કરવા પાર્વતીજી સીતાનું સ્વરૂપ ધારણ કરી રામ પાસે પહોંચી ગયા. જોકે શ્રી રામ તરત તેમને ઓળખી ગયા. राम उदासपणे म्हणाले, ‘तू का आई’ म्हणजेच ‘आई तू का आलीस?’ यामुळेच आजही आपण तुळजा भवानीला ‘तुकाई’ या नावानेच संबोधतो. ઉદાસ ચહેરે એટલું જ બોલી શક્યા કે ‘મા, તું કાં? મતલબ કે મા, તું કેમ આવી? મરાઠીમાં તૂ કા આઈ સંબોધન પછી તુકાઈ બની ગયું. એટલે આજે પણ તુળજા ભવાની માતાને ‘તુકાઈ’ તરીકે સંબોધન કરવામાં આવે છે.

રાષ્ટ્ર भाषा

गुजराती कहावत हिंदी में

હિન્દી આપણી રાજભાષા છે.સરકારી કાર્યાલયમાં કામકાજ માટે હિન્દીને રાજભાષાનો દરજ્જો 1949માં આપવામાં આવ્યો છે. જોકે, ઉત્તર પ્રદેશમાં બોલાતી હિન્દી અને ગુજરાતમાં જે રીતે બોલાય છે એમાં ખાસ્સો ફરક હોય છે. એમાંય બમ્બૈયા હિન્દી તરીકે ઓળખાતી ભાષાની ફ્લેવર તો એકદમ અનોખી હોય છે. જોકે, ગુજરાતી કહેવત હિન્દીમાં જન્મ લે છે ત્યારે ભાષા શુદ્ધતા એમાં ભારોભાર જોવા મળતી હોય છે. દૂઝણી ગાયની લાત પણ સારી કહેવત તમે સાંભળી હશે. ફાયદો કરાવી આપનારના દોષ સહન કરી લેવા એવો એનો ભાવાર્થ છે. હિન્દીમાં આ કહેવત માત્ર ભાષા ફેર સાથે અને કોઈ પણ બદલાવ વિનાના दुधारू गाय की लात भली સ્વરૂપમાં એ જોવા મળે છે. સીંદરી બળે પણ વળ ન છોડે કહેવતમાં જિદ્દી સ્વભાવની વ્યક્તિ ગમે એવું નુકસાન થાય એ સહન કરી લે પણ પોતાનો સ્વભાવ ન છોડે એ ભાવ છે. હિન્દીમાં પણ આ કહેવત કોઈપણ વળ વિના સીધી દોરી જેવી रस्सी जल गई पर ऐंठन न गई તરીકે નજરે પડે છે. ઐંઠન એટલે મરોડ અથવા વળ. આગળ ઉલાળ અને પાછળ ધરાળ ન હોવો કહેવત ગામડાના લોકો તરત સમજી જાય. બળદોને ધૂંસરીએ જોડવામાં આવતા હોય છે. જો ધૂંસરી તરફ વજન વધારે હોય તો બળદ થાકી જાય. ધૂંસરીનું દબાણ આવે. આ સ્થિતિને ધરાળ કહે છે. જો એવું વજન પાછળ આવી જાય તો તેને ઉલાળ કહેવાય છે. કોઈ પણ જવાબદારી લેવાનો નકાર કે પરવા ન હોવી એ દર્શાવવા આ કહેવત વપરાય છે. આ કહેવત હિન્દીમાં आगे नाथ न पीछे पगहा એવા અલગ સ્વરૂપે નજરે પડે છે. અર્થમાં પણ થોડો ફરક છે. નાથ એટલે ધણી અથવા માલિક અને પગહા એટલે પશુના ગળામાં બાંધવાનું દોરડું. आगे नाथ न पीछे पगहा કહેવતમાં પશુનો કોઈ માલિક નથી કે એના ગળામાં દોરડું પણ નથી બાંધેલું એવી અવસ્થા છે. મતલબ કે કોઈ નિયંત્રણ નથી. કોઈ વ્યક્તિ જેને કોઈ દરકાર ન હોય કે કોઈની પરવા ન હોય એવા માણસ માટે આ કહેવત વપરાય છે.

ENGLISH વિંગ્લિશ

BARK and BARK

સાંભળવામાં આવેલી વાત કાયમ સાચી જ હોય એ જરૂરી નથી. તમને જો ફોનમાં કોઈ કહે કે સાહેબ બગીચામાં મરવા પડ્યા છે તો તમે મૂંઝાઈ જાવ કે ચિંતામાં પડી જાવ અથવા ગભરાઈ જાઓ એવી સંભાવના છે. જોકે, પછી ખુલાસો થાય કે વાત એમ હતી કે ‘સાહેબ, બગીચામાં મરવા પડ્યાં છે.’ વાત એમ હતી કે બગીચામાં મરવા એટલે કે આંબાના ઝાડ પર આવતા ફૂલ કે ફૂલમંજરી નીચે પડ્યા હોવાની માહિતી તમને આપવામાં આવી હતી. અંગ્રેજીમાં Homograph તરીકે ઓળખાતા શબ્દો છે જેના સ્પેલિંગ સરખા હોય છે પણ એના અર્થ અલગ અલગ હોય છે. જો સાંભળ્યા પછી ચોકસાઈ ન રાખવામાં આવે તો દ્રોણાચાર્ય જેવી ગફલત થઈ શકે છે. Bark એટલે શ્વાનના ભોંકવાનો અવાજ પણ થાય  અને Bark એટલે વૃક્ષની ચાલ એવો પણ અર્થ થાય છે. એટલે એના વપરાશના આધારે જ હોમોફોન્સના અર્થ સમજવા જોઈએ. નહીં તો વૃક્ષમાં શ્વાનના ભૂંકવાનો અવાજ સંભળાવા લાગે. કેટલાક ઉદાહરણ તપાસીએ. BEAR શબ્દથી શરૂઆત કરીએ. આ શબ્દનો એક અર્થ થાય છે રીંછ નામનું પ્રાણી. Bears are aggressive towards humans. રીંછ મનુષ્ય પ્રતિ અત્યંત આક્રમક જોવા મળે છે. આ જ શબ્દનો બીજો અર્થ થાય છે સહન કરવું. I can’t Bear the hot weather of summer. ઉનાળાની ગરમી મારાથી સહન નથી થતી. ધારણ કરવું એવો પણ એનો અર્થ થાય છે. She cannot bear children. એ ગર્ભ ધારણ નથી કરી શકતી. I put an end to that relation. મેં એ સંબંધનો અંત લાવી દીધો. હવે બીજા હોમોગ્રાફ CLOSEની વાત કરીએ. આ શબ્દનો એક અર્થ છે બંધ કરી દેવું કે અંત લાવી દેવો. When I reached your office, it was close.  હું તમારી ઓફિસે પહોંચ્યો ત્યારે એ બંધ થઈ ગઈ હતી.. The hotel is Close to the station. અહીં ક્લોઝનો અર્થ નજીક એવો છે. હોટેલ સ્ટેશનની નજીક છે. They are standing Close to each other. બંને જણ એકબીજાની નજીક ઊભા છે.  FAIRના બે અર્થ છે. એક અર્થ ગોરું કે રૂપાળું એવો થાય છે. Your daughter has a very Fair complexion. તમારી દીકરી બહુ રૂપાળી છે કે એનો વાન ગોરો છે. બીજો અર્થ યોગ્ય, બરાબર એવો પણ થાય છે. I didn’t get Fair treatment in your house. તમારા ઘરમાં મારી સાથે યોગ્ય વર્તન ન થયું. FINE પણ જાણવા જેવો હોમોગ્રાફ છે. અલબત્ત એના બંને અર્થ અત્યંત પ્રચલિત છે. I hope you all are Fine. અહીં ફાઈન શબ્દનો અર્થ થાય છે મજામાં કે આનંદમાં. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. The driver had to pay a heavy Fine for rash driving. ખરાબ રીતે વાહન ચલાવવા બદલ ડ્રાઈવરને ભારે દંડ ચૂકવવો પડ્યો. આવા અનેક હોમોગ્રાફસ અંગ્રેજી ભાષામાં જોવા મળે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?