સૂર્યકુમારનું આગમન મુંબઈનો વિજયોદય કરાવી શકે
ટી-20 ઇન્ટરનૅશનલનો વર્લ્ડ નંબર-વન બૅટર કમબૅક માટે તૈયાર: રવિવારે બપોરે 3.30 વાગ્યાથી વાનખેડેમાં તળિયાની બે ટીમ મુંબઈ-દિલ્હી વચ્ચે ટક્કર
મુંબઈ: ટી-20ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા મહિનાઓથી વર્લ્ડ નંબર-વનના સ્થાને જામી ગયેલો સૂર્યકુમાર યાદવ પગની ઘૂંટીની ઈજામાંથી મુક્ત થયા પછી લગભગ પૂરી ફિટનેસ સાથે શુક્રવારે પ્રૅક્ટિસ કરવા મેદાન પર પાછો આવ્યો અને હવે રવિવારે (બપોરે 3.30 વાગ્યાથી) વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ સામે રમાનારી મૅચથી ફરી રમશે એવી પાકી સંભાવના છે.
હાર્દિક પંડ્યાના સુકાનમાં મુંબઈની ટીમને અત્યારે પિંચ-હિટરની અને પહેલા વિજયની ખાસ જરૂર છે જે કામ સૂર્યકુમાર આવતાવેંત પૂરું કરી શકે એમ છે.
રવિવારની ડબલ-હેડર (બે મૅચ)માંથી પ્રથમ મૅચ મુંબઈ-દિલ્હી વચ્ચે અને બીજી મૅચ (સાંજે 7.30 વાગ્યાથી)લખનઊમાં લખનઊ-ગુજરાત વચ્ચે રમાશે.
10 ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં મુંબઈ છેક દસમા સ્થાને અને દિલ્હી નવમા સ્થાને છે. ગઈ કાલની બેન્ગલૂરુ-રાજસ્થાનની મૅચ પહેલાં કોલકાતા, રાજસ્થાન, ચેન્નઈ અને લખનઊ ટૉપ-ફોરમાં હતા.
દિલ્હી એક મૅચ જીતી ચૂકી છે, પણ મુંબઈના નસીબમાં હજી સુધી એક પણ વિજય નથી આવ્યો. દિલ્હીએ એકમાત્ર જીત 31 માર્ચે ચેન્નઈ સામે 20 રનથી મેળવી હતી.
મુંબઈ-દિલ્હી વચ્ચે આઇપીએલના ઇતિહાસમાં કુલ 33 મૅચ રમાઈ છે જેમાંથી 18 મૅચ મુંબઈએ અને 15 દિલ્હીએ જીતી હોવાથી મુંબઈનો હાથ થોડો ઉપર છે એમ કહી શકાય.
સૂર્યકુમારના આગમનથી ટીમનો આત્મવિશ્ર્વાસ ઘણો વધી જ ગયો છે, પ્લેઇંગ-ઇલેવનમાં સમાવેશ થતાં જ સાથીઓનો જુસ્સો બુલંદ થઈ જશે. સૂર્યાને જો ઇલેવનમાં સમાવાશે તો વનડાઉનમાં સાધારણ પર્ફોર્મ કરી ચૂકેલા નમન ધીરને પડતો મૂકવામાં આવશે.
બીજી તરફ, દિલ્હીની ટીમ ત્રીજી એપ્રિલે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 106 રનના તોતિંગ માર્જિનથી હારીને મુંબઈ આવી છે એટલે રિષભ પંતની એ ટીમના ખેલાડીઓમાં આત્મવિશ્ર્વાસ થોડો ઘટી ગયો હશે અને યજમાન મુંબઈના મેદાન પર એના હજારો પ્રેક્ષકો વચ્ચે રમવાનું હોવાથી થોડા માનસિક દબાણ હેઠળ પણ રમશે. જોકે રિષભ પંતે સતત બીજી હાફ સેન્ચુરી ફટકારી હોવાથી એ રીતે દિલ્હીની ટીમનો આત્મવિશ્ર્વાસ પાછો આવી શકે એમ છે.
મુંબઈએ ઓપનિંગમાં આ વખતે વારંવાર નિરાશ થવું પડ્યું છે એટલે જો સૂર્યા રમવાનો હશે તો તેની પહેલાં રોહિત શર્મા અને ઇશાન કિશને સારું સ્ટાર્ટ અપાવવું પડશે.
આપણ વાંચો: IPL-2024માં Gujarat Titansને લાગ્યો મોટો આંચકો, આ સ્ટાર બોલર થયો બહાર…
મુંબઈના બોલર્સ ખાસ કરીને પંત તેમ જ ડેવિડ વૉર્નરથી સાવચેત રહેશે. એ ઉપરાંત મુંબઈ શહેરનો પૃથ્વી શો પણ હવે દિલ્હી વતી (મુંબઈના ક્રાઉડ સામે) મોટી ઇનિંગ્સ રમશે તો નવાઈ નહીં લાગે. ટ્રિસ્ટેન સ્ટબ્સ તથા અભિષેક પોરેલ તેમ જ જેક ફ્રેઝર-મૅકગર્ક પણ દિલ્હીને ઉપયોગી યોગદાન આપી શકે એમ છે.
ખરેખર તો જસપ્રીત બુમરાહ અને રિષભ પંત વચ્ચેની ટક્કર જોવા જેવી બનશે. જોકે રોહિત શર્મા અને અક્ષર પટેલ વચ્ચેનો મુકાબલો પણ જોરદાર થઈ શકે, કારણકે અક્ષરની બોલિંગમાં રોહિત બહુ સારું નથી રમી શક્યો, નવ ઇનિંગ્સમાં તેના 61 બૉલમાં માત્ર 51 રન બનાવી શક્યો છે અને બે વાર આઉટ થયો છે.
મુંબઈના 30 વર્ષના પેસ બોલર આકાશ મઢવાલની વાનખેડેમાં 11.1ની બોલિંગ ઍવરેજ છે. તેણે આ મેદાન પર ચાર મૅચમાં 10 વિકેટ લીધી છે અને દિલ્હીને પણ ભારે પડી શકે.
વાનખેડેની પિચ પર જો રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચમાં વપરાયેલી પિચ જ રવિવારે ઉપયોગમાં લેવાશે તો હાઈ-સ્કોરિંગ મૅચની સંભાવના ઓછી છે, કારણકે મૅચની શરૂઆતમાં સીમ મૂવમેન્ટ સારા મળતા હતા અને બૅટર્સે રનમશીનને સતત ચાલુ રાખવા ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો.