મધ્ય, હાર્બર અને ટ્રાન્સ હાર્બરમાં બ્લોક
હાર્બર લાઇનમાં બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ટ્રેન સેવાને પણ થશે અસર
મુંબઈ: લાઇફલાઇન ગણાતી મુંબઈ લોકલ ટ્રેનના મધ્ય, હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઇનમાં રવિવારે વિશેષ મેગા બ્લોક હાથ ધરવામાં આવ્યો છે, જેને લીધે ત્રણેય માર્ગની લોકલ રેલવે સેવા પર અસર થવાની છે. આ માર્ગમાં વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણીના કામકાજ માટે રેલવે પ્રશાસન દ્વારા બ્લોક લેવામાં આવવાનો છે, જેને લીધે માર્ગની ટ્રેનો 15-20 મિનિટ સુધી મોડી દોડે એવી માહિતી અધિકારીએ આપી હતી.
રેલવે વિભાગની માહિતી મુજબ મધ્ય રેલવેમાં માટુંગાથી મુલુંડ વચ્ચેની સ્લો લાઇન પર સવારે 11.05 વાગ્યાથી બપોરે 3.55 વાગ્યા દરમિયાન વિવિધ કામકાજ માટે બ્લોક લેવામાં આવવાનો છે, જેને લીધે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને થાણે દરમિયાનની અપ અને ડાઉન માર્ગની સ્લો લોકલ ટ્રેનોને ફાસ્ટ માર્ગ પર દોડાવવામાં આવશે, જેને લીધે મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, કુર્લા અને સાયન સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવશે અને નાહૂર, કાંજુરમાર્ગ, વિદ્યાવિહાર સ્ટેશન પર બ્લોકના સમય દરમિયાન કોઈપણ લોકલ ઊભી રહેશે નહીં.
ટ્રાન્સ હાર્બર લાઇનમાં પણ થાણેથી વાશી/નેરુળ દરમિયાન અપ-ડાઉન માર્ગમાં સવારે 11.10 વાગ્યાથી બપોરે 4.10 સુધી બ્લોક રહેશે. આ બ્લોક દરમિયાન વાશી/નેરુળ/પનવેલથી થાણે સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન માર્ગની લોકલ સેવા સંપૂર્ણ રીતે બંધ રહેશે.
હાર્બર લાઇનમાં માહિમથી અંધેરી વચ્ચે અપ અને ડાઉન માર્ગમાં સવારે 11થી બપોરે ચાર વાગ્યા દરમિયાન લેવામાં આવતા બ્લોકને લીધે સીએસએમટી-બાન્દ્રા, સીએસએમટી-ગોરેગામ અપ અને ડાઉન માર્ગની દરેક લોકલ ટ્રેનોને રદ રાખવામાં આવી છે.