IPL 2024

ગાંગુલીએ ક્રિકેટ ફૅન્સને કહ્યું, ‘જરા સમજો, હાર્દિકનો કોઈ વાંક નથી’

મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સની ફરી એક મૅચ નજીક આવી ગઈ એટલે હાર્દિક પંડ્યાના વિરોધીઓ તેને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યા હશે. 24મી માર્ચે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચ

વખતે અમદાવાદના સ્ટેડિયમમાં, 27મી માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચ વખતે હૈદરાબાદમાં અને પહેલી એપ્રિલે રાજસ્થાન સામેની મૅચ વખતે વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિકનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. ઑલરાઉન્ડર હાર્દિક આ સીઝન પહેલાં અચાનક જ ગુજરાત ટાઇટન્સની સફળ ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો જોડાઈ ગયો અને તેને રોહિત શર્માના સ્થાને કૅપ્ટન બનાવાયો એ રોહિત-તરફી અનેક ક્રિકેટચાહકોને નથી ગમ્યું એટલે તેઓ હાર્દિક જ્યાં પણ રમવા જાય છે ત્યાં તેનો હુરિયો બોલાવે છે.

મુંબઈની ટીમ પહેલી ત્રણેય મૅચ હારી ગઈ એને પગલે હાર્દિક સોમનાથદાદાના આશીર્વાદ લેવા પ્રભાસ પાટણ ગયો હતો અને મહાદેવના સૌથી મોટા મંદિરમાં ઘણી વાર સુધી તે રહ્યો હતો અને પૂજા-વિધિમાં ભાગ લીધો હતો.

આપણ વાંચો: IPL-2024માં ગુજરાત ટાઈટન્સ તરફથી નહીં રમે હાર્દિક પંડ્યા? આ ખેલાડી સંભાળશે ટીમની કમાન?

રવિવારે (સાતમી એપ્રિલે) વાનખેડેમાં મુંબઈની દિલ્હી કૅપિટલ્સ સામે મૅચ (બપોરે 3.30 વાગ્યાથી) રમાશે. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીની નિયુક્તિ દિલ્હીની ટીમના ડિરેકટર તરીકે થઈ છે. ગાંગુલીએ મુંબઈમાં દિલ્હીની ટીમના પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘લોકોએ હાર્દિકનો હુરિયો ન બોલાવવો જોઈએ. આ ઠીક ન કહેવાય. હાર્દિકને મુંબઈના ફ્રૅન્ચાઇઝીએ કૅપ્ટન બનાવ્યો છે.

ખેલકૂદમાં આવું જ બનતું હોય છે. કોઈ ખેલાડી ભારતનો સુકાની હોય કે કોઈ રાજ્યનો કે ફ્રૅન્ચાઇઝીનો, કૅપ્ટન તરીકે તેની નિયુક્તિ થતી હોય છે. જો કોઈને તેની નિયુક્તિ ન ગમે તો એમાં તે ખેલાડીનો શું દોષ? રોહિત શર્મા અલગ પ્રકારનો ખેલાડી છે. તેનો ક્લાસ અલગ છે, જ્યારે હાર્દિક ભિન્ન પ્રકારનો પ્લેયર છે. હાર્દિકને કૅપ્ટન બનાવાયો એમાં હાર્દિકનો શું વાંક? બધાએ એ સમજવું જોઈએ.’

મુંબઈની આગામી મૅચ દિલ્હી સામે રમાયા પછી 11મી એપ્રિલે વાનખેડેમાં જ મુંબઈનો મુકાબલો બેન્ગલૂરુ સામે અને 14મી એપ્રિલે ચેન્નઈ સામે થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button