નેશનલ

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસ: મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવાઇ

નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને ફરી એક ઝટકો લાગ્યો છે. શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તિહાર જેલમાં બંધ મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી હતી. અગાઉ આપવામાં આવેલી ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થતા તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.

સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ તેમની ન્યાયિક કસ્ટડી લંબાવી છે. એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં છેલ્લી સુનાવણી 3 એપ્રિલે થઈ હતી. ત્યારબાદ રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી 6 એપ્રિલ સુધી મુલતવી રાખી હતી.

અરજી પર સુનાવણી દરમિયાન સિસોદિયાના વકીલે કહ્યું હતું કે તેમના અસીલને કસ્ટડીમાં રાખીને કોઈ હેતુ પૂરો કરવામાં આવશે નહીં. એડવોકેટે કહ્યું હતું કે મની લોન્ડરિંગ કેસમાં તેમના અસીલ સામેની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને તેઓ તપાસમાં અવરોધ ઉભો કરે અથવા પુરાવાનો નાશ કરે તેવી કોઈ શક્યતા નથી. સિસોદિયા હાલ તિહાર જેલમાં બંધ છે.


શુક્રવારે આમ આદમી પાર્ટીએ મનીષ સિસોદિયાનો એક પત્ર જાહેર કર્યો હતો, જે તેમણે કોર્ટમાંથી લખ્યો હતો. તેમણે આ પત્ર તેમના વિધાનસભા ક્ષેત્રના રહેવાસીઓને સંબોધીને લખ્યો હતો. આ ભાવનાત્મક પત્રમાં સિસોદિયાએ પોતાના વિસ્તારના લોકોને જલ્દી મળવાની વાત લખી હતી. આ સાથે તેમણે લોકોનો આભાર માન્યો કે તેમની ગેરહાજરીમાં તેઓએ તેમની પત્ની સીમાની ખૂબ કાળજી લીધી.પત્રમાં તેમણે કેજરીવાલની ભારોભાર પ્રશંસા કરી હતી અને લખ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે.


સિસોદિયાના સહયોગી અને આ કેસમાં સહ-આરોપી સંજય સિંહ જેમને તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા તેઓ પણ આજે સુનાવણી માટે કોર્ટમાં હાજર થયા હતા. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આરોપ લગાવ્યો છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં સુધારો કરતી વખતે અનિયમિતતાઓ થઈ છે અને લાઇસન્સધારકોને અયોગ્ય લાભો આપવામાં આવ્યા છે, તેમની લાઇસન્સ માફ કરવામાં આવી છે અથવા ઘટાડવામાં આવી છે અને સક્ષમ ઑથોરિટીની મંજૂરી વગર લાઇસન્સ આપવામાં આવ્યા છે.


સીબીઆઇએ 26 ફેબ્રુઆરી 2023 ના રોજ સિસોદિયાની દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં કથિત ભૂમિકા બદલ ધરપકડ કરી હતી. સીબીઆઇ એફઆઇઆર માંથી ઉદ્ભવતા મનીલોન્ડરિંગ કેસમાં નવ માર્ચ 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. સિસોદિયાએ 28 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button