‘ભાજપ હવે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે…’ આતિશીએ ફરી ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા
![BJP Issues Defamation Notice to Atishi Demanding Apology](/wp-content/uploads/2024/04/Atishi-Marlena-Minister-of-Education-of-Delhi.webp)
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી (Delhi liquor policy) કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ હેઠળ ED આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ પર સતત કાર્યવાહી કરી રહી છે. એવામાં દિલ્હી સરકારના પ્રધાન આતિશી(Atishi Marlena)એ શનિવારે EDને કથિત મની લોન્ડરિંગ કેસોના સંબંધમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીનો ખુલાસો કરવા જણાવ્યું હતું. ગઈ કાલે આતિશીને ચૂંટણી પંચ તરફથી નોટિસ મોકલવામાં આવી હતી.
એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતાઆતિશીએ કહ્યું, “માત્ર શંકાના આધારે, EDએ AAP નેતા સંજય સિંહ, મનીષ સિસોદિયા અને અમારી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જીની ધરપકડ કરી હતી, તેમ છતાં તેમની સામે પૈસાની લેવડદેવડના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે પૂછ્યું કે, EDએ ભાજપના નેતાઓ સામે શું કાર્યવાહી કરી છે?”
AAPએ ગયા મહિને EDને કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડના આરોપી પાસેથી એલેક્ટોરલ બોન્ડ દ્વારા કરોડો રૂપિયા મેળવ્યા હોવાનો આરોપ લગાવતા ભાજપ સામે કેસ નોંધવા કહ્યું હતું. પાર્ટીએ EDને ભાજપ વિરુદ્ધ કેસ નોંધવા માટે પણ પડકાર ફેંક્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે આ કેસમાં પૈસાની લેવડદેવડ ભાજપ સુધી પહોંચી છે.
આતિશીએ ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇશારે કામ કરતું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, “ભાજપ AAP નેતાઓને ટાર્ગેટ કરવા અને તેમની ધરપકડ કરવા માટે CBI, ED અને હવે ચૂંટણી પંચ જેવી એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. હું ભાજપને કહેવા માંગુ છું કે તે આ એજન્સીઓની પાછળ છુપાવવાનું બંધ કરે અને ચૂંટણીમાં AAP સાથે લડે.”
આતિશીએ અગાઉ દાવો કર્યો હતો કે ભાજપે તેમનો સંપર્ક કર્યો હતો અને તેમને પાર્ટીમાં જોડાવા અથવા એક મહિનાની અંદર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ થાય એ માટે તૈયાર રહેવા કહ્યું હતું. તેમના આ દાવા અંગે ચૂંટણી પંચે ગઈ કાલે નોટીસ મોકલી હતી.