કારણ વિના વારંવાર સાસરુ છોડી ચાલી જતી પત્નીનો વ્યવહાર પતિ સામે ક્રૂરતાઃ કોર્ટ
નવી દિલ્હીઃ નવી દિલ્હી કોર્ટે એક ચૂકાદામાં પતિને છૂટાછેડા લેવાની પરવાનગી આપતા નોંધ્યું હતું કે કોઈ ખાસ કારણ વિના વારંવાર સાસરાનું કે પતિનું ઘર છોડી ચાલી જતી પત્નીનો આ વ્યવહાર પતિ સામે ક્રૂરતા છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે વૈવાહિક સંબંધો પરસ્પર સમર્થન, સમર્પણ અને વફાદારીના વાતાવરણમાં ખીલે છે અને અંતર અને ઘર છોડી જવાનો કે અલગ રહેવાનો નિર્ણય આ બંધનને તોડે છે.
આ કેસમાં પતિએ આરોપ લગાવતા છૂટાછેડા માંગ્યા હતા કે તેની પત્ની ગુસ્સાવાળી અને વ્યગ્ર સ્વભાવની હતી અને લગ્નજીવન દરમિયાન સાત વાર પતિનું ઘર છોડી જતી રહી હતી. ફેમિલી કોર્ટના છૂટાછેડા આપવાના ઇનકારને પડકારતી અપીલ સ્વીકારતી વખતે, બેન્ચે નોંધ્યું હતું કે પત્નીએ 19 વર્ષના સમયગાળા દરમિયાન સાત વખત અલગ થઈ હતી અને દરેક વખતે તે ત્રણથી દસ મહિના સુધી અલગ રહેતી હતી.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી અલગ રહેવાથી વૈવાહિક સંબંધોને નુકસાન થઈ શકે છે, જે માનસિક ક્રૂરતા છે અને વૈવાહિક સંબંધોથી વંચિત રહેવું એ અત્યંત ક્રૂરતાનું કૃત્ય છે.
કોર્ટે એમ પણ કહ્યું કે આ એક સ્પષ્ટ કેસ છે જ્યાં પ્રતિવાદી (પત્ની) એ અપીલ કરનારની કોઈ ભૂલ વિના સમય સમય પર પતિનું ઘર છોડી દીધું હતું. પત્નીનું આ રીતે સમયાંતરે ઘર છોડી દેવું માનસિક ક્રૂરતાનું કૃત્ય છે, જેનો ભોગ કોઈ કારણ વિના પતિ બની રહ્યો છે.