ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો
મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર ૬.૫ ટકાના સ્તરે જાળવી રાખવાનો નિર્ણય લીધો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંઘ સામે આઠ પૈસાના સુધારા સાથે ૮૩.૩૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૯ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૪૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૫ અને ઉપરમાં ૮૩.૨૬ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે આઠ પૈસાના સુધારા સાથે ૮૩.૩૧ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે બજારમાં રિઝર્વ બૅન્કની નીતિ કેન્દ્રમાં રહી હતી. રિઝર્વ બૅન્કે ફુગાવા અને નાણાકીય વર્ષ ૨૦૨૫ માટેનાં જીડીપીનો અંદાજ અનુક્રમે ૪.૫ ટકા અને સાત ટકાના સ્તરે યથાવત્ રાખ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્કે વર્તમાન આર્થિક સ્થિતિની આકારણી કરીને ૫:૧ની બહુમતીથી ૬.૫ ટકા રીપો રેટ જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. અમારા મતાનુસાર આગામી દિવસોમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલની મજબૂતીને ધ્યાનમાં લેતાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૨ ટકા વધીને ૧૦૪.૨૪ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૦૯ ટકા વધીને બેરલદીઠ ૯૦.૭૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૧૩૬.૪૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૦.૫૯ પૉઈન્ટનો અને ૦.૯૫ પૉઈન્ટનો સાધારણ સુધારો આવ્યો હતો.