આપણું ગુજરાત

અમદાવાદીઓને પસંદ નથી આવી રહી પોલીસની આ એપઃ જાણો શા માટે


હાલમાં પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં મોડી રાત સુધી ચેકિંગ માટે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ પોલીસ વધારે સજાગ બની છે અને મોડી રાત્રે વાહનોનું ચેકિંગ કરે છે. જોકે, તેનાથી લોકોની પ્રાઈવસી એટલે કે ગુપ્તતાને લઈને ગંભીર પ્રશ્ન પણ સર્જાયો છે. પોલીસ જે વ્હીકલને રોકી તેની તપાસ કરે છે ત્યારે અંતમાં તે ડ્રાઈવરનો ફોટો પાડે છે, ભલે તેણે કોઈ નિયમનો ભંગ કર્યો હોય કે ના કર્યો હોય. પરંતુ તેનાથી લોકોની પ્રાઈવસીના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, તેવી ફરિયાદો થઈ રહી છે.
એક અહેવાલ પ્રમાણે ઘણા લોકો પોલીસની આ કાર્યવાહીથી ખુશ નથી. અહીં રહેતો એક યુવાન બિઝનેસમેન મોડી રાત્રે ફિલ્મ જોઈને આવી રહ્યો હતો અને ત્યારે પોલીસ દ્વારા તેની પ્રાઈવસીનો ભંગ થયો ત્યારે તેને ઘણો મોટો આઘાત લાગ્યો હતો. નાઈટ પેટ્રોલ કરી રહેલી ‘પોલીસ ટીમે’ તેને અટકાવ્યો હતો અને તેના ડ્રાઈવિંગ લાઈસન્સ અને અન્ય ડોક્યુમેન્ટ્સ માંગ્યા હતા. રાહુલ પટેલે તમામ ડોક્યુમેન્ટ્સ બતાવ્યા હતા. તેમ છતાં જાણે તેણે કોઈ ગુનો કર્યો હોય તેની મંજૂરી વગર તેના ફોટા પાડવામાં આવ્યા હતા.
જ્યારે તેણે પોલીસને સવાલ કર્યો ત્યારે પોલીસે ફગાવી દેતા કહ્યું હતું કે આ એક રૂટિન પ્રક્રિયા છે કેમ કે તેમને ઉપરથી કહેવામાં આવ્યું છે કે જે પણ લોકોને અટકાવવામાં આવે તેમના ડ્રાઈવિંગ લાઈસન્સ તથા અન્ય વિગતોની સાથે તેમના ફોટા પણ ભેગા કરવામાં આવે. રાત્રી મુસાફરી કરતાં નાગરિકો માટે પ્રાઈવસી ભંગનો આ મુદ્દો સામાન્ય બની ગયો છે. અહીં નોંધવાની વાત એ છે કે જે કોઈની પણ વિગતો લેવામાં આવે છે તે પોલીસ વિભાગની તરકશ એપ પર અપલોડ કરવામાં આવે છે.
અન્ય એક કેસમાં એક યંગ વર્કિંગ વુમને જણાવ્યું હતું કે તેને પણ આવો જ અનુભવ થયો હતો. મારું ડ્રાઈવિંગ લાઈસન્સ અને અન્ય ડોક્યુમેન્ટ્સ માંગવા ઉપરાંત મારી મંજૂરી વગર જ તેમણે મારો ફોટો પાડી લીધો હતો. જ્યારે મેં તેમની સાથે દલીલ કરી ત્યારે તેમણે કહ્યું હતું કે આ ચેકિંગ પ્રક્રિયાનો ભાગ છે. તેણે કહ્યું હતું કે મને ખ્યાલ છે ત્યાં સુધી પોલીસે ફોટા પાડતા પહેલા મારી મંજૂરી લેવી જોઈએ. જ્યારે ડોક્યુમેન્ટ્સમાં તમામ વિગતો સાથે ફોટો પણ હોય છે તો પછી મારા ફોટા પાડવાની તેમને શું જરૂર પડે? હાલના સાયબર ફ્રોડના સમયમાં પોલીસ શા માટે મહિલાની ઓળખ જાહેર કરે છે અને તેમના ફોટા પાડે છે તેવી ફરિયાદો તેમણે કરી હતી.
જોકે ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર કોઈ પણ સ્ત્રી કે પુરૂષની મંજૂરી વગર ડ્રાઈવરનો ફોટો પાડવો કાયદેસર છે અને તેમાં કંઈ ખોટું નથી. જે એપ પર ડેટા સેવ થાય છે તે પોલીસ પ્રોપર્ટી છે અને તે સુરક્ષિત હાથમાં છે.
કાનૂની નિષ્ણાતોના માનવા અનુસાર જો વ્યક્તિએ કાયદાનો ભંગ ન કર્યો હોય તો તેના ફોટા લેવા સલાહભર્યું નથી.
રાત્રે કે દિવસે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારની સામે દંડાત્મક પગલાં ભરાય તે ખૂબ આવશ્યક છે, પરંતુ તમામ વાહનચાલકોને ખોટી કનડગત થાય તેવું ટ્રાફિક પોલીસે ન કરવું જોઈએ તેવો મત નાગરિકોએ વ્યક્ત કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button