વીક એન્ડ

તરતા આવાસની મજા

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

આવાસ એ મૂળભૂત રીતે વાતાવરણનાં વિપરીત પરિબળો સામે રક્ષણ આપતું પ્રાથમિક સ્થાપત્યકીય આવરણ છે. તેમાં ક્રમશ: વિવિધ જરૂરિયાત ઉમેરાતી ગઈ. સમય જતા તે જે તે વસ્તુના સંગ્રહ માટે તથા રોજિંદી ક્રિયા કરવાની સગવડતા માટે બનાવાતું ગયું. રક્ષણની સાથે ઘરની રચનામાં સવલતો તથા પસંદ-નાપસંદ બાબતોનું પ્રભુત્વ વધતું ગયું. ઘર હવે જરૂરિયાતથી વધીને વ્યક્તિત્વને નિખારવાનું, વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરવાનું અને એશોઆરામનું સ્થાન બનવા લાગ્યું. તે મુજબ આવાસમાં પણ પ્રકાર આવતા ગયા. કેટલાક વ્યક્તિ સમૂહ માટે રોજિંદું તથા રજાઓ માટેનું – એમ અલગ અલગ ઘરની રચના કરાતી થઈ. આવા રજા માટેના આવાસનો એક પ્રકાર એટલે તરતું ઘર.

શરૂઆતના તબક્કામાં મજબૂત કરાયેલ પોલિસ્ટાયરિન તથા લાકડાના પાટિયાનો મંચ બનાવી તેના પર આવા મકાન બનાવતા. આ પ્રકારની રચનામાં ક્ષેત્રફળ તથા ભારવાહનની ક્ષમતામાં મર્યાદાને કારણે આ આવાસ નાના બનાવાતા હતા, જેને કારણે ચોક્કસ શ્રેણીના શ્રીમંત વર્ગની કેટલીક ઈચ્છાઓ અધૂરી રહી જતી. હવેના તરતા ઘર પોલિસ્ટાયરિનના એક કરતાં વધારે ઊંધા વાડકા જેવી રચના પર બનાવાય છે. આવા ફ્લોટ પર મંચ બનાવી તેના પર ઓછા વજનની બાંધકામની સામગ્રીમાંથી આવાસની રચના થાય છે. આવા આવાસને જે તે સ્થાને જકડી રાખવા લંગરના સ્તંભ સાથે તેને બાંધી દેવાય છે. ક્યારેક તેને લાંબા મજબૂત અને લચકદાર દોરડાથી નજીકના કિનારા સાથે પણ જકડી દેવાય છે.

આ આવાસ પાણીની સપાટી પર તરતા રહે છે અને પાણીના સ્તરમાં વધઘટ થતાં તે ઉપર નીચે પણ જાય છે થાય છે. આવા ઘર જ્યારે દરિયામાં બનાવાય ત્યારે ભરતી-ઓટ અને દરિયાના પ્રબળનું ખૂબ ધ્યાન રાખવું પડે. જો કે તરતા ઘર સામાન્ય રીતે શાંત પાણીમાં જ બનાવવામાં આવે છે. આ પ્રકારના આવાસમાં આવવા જવા માટે નાના યાંત્રિક હોડકા રખાય છે.

આ પ્રકારની રચનાનું વજન ઓછું રાખવા એલ્યુમિનિયમ, કાચ, પ્લાસ્ટિક તથા આબોહવા સામે ટકી શકે તેવા લાકડાના પાટિયાનો ઉપયોગ થાય છે. તેની દીવાલો વચમાં અવકાશ વાળી – કેવીટી વોલ પ્રકારની હોય છે જેનાથી અંદરનું તાપમાન ઊર્જાના વપરાશ વગર પણ અનુકૂળ સ્તરે જળવાઈ રહે. આ આવાસમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા માટે ટાંકી રખાય છે જે સમયાંતરે મોટરથી પહેલેથી જ ગોઠવવામાં આવેલ પાઇપમાં ખાલી કરાય છે. શુદ્ધ પાણીના સંગ્રહ માટે પણ અહીં ટાંકી જ હોય છે. આ પ્રકારના આવાસમાં સૂર્ય કિરણો તથા સૂર્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ થાય તેવી રચના કરાય છે.

તરતા આવાસની કિંમત તેનું ક્ષેત્રફળ, તેમાં સમાવાયેલ સવલતો, એક કે બે માળમાં વિભાજિત થતી તેની ઊંચાઈ, જે તે સ્થાનમાં પાણીના પ્રવાહનો વેગ, તે સ્થાનની નીચેની જમીનની ઊંડાઈ, સ્થાનિક પવનની દિશા અને તીવ્રતા, સલામતી અને સાવચેતી માટે પ્રયોજાયેલાં ઉપકરણો જેવી બાબતો પર અવલંબે છે.

પાણીની સપાટી પર આવેલા આવા ઘરમાં ગરમી ઠંડીની માત્રા આપમેળે જ અમુક અંશે નિયમિત રહે વળી અહીં પવનના સ્થાનિક પ્રવાહો પણ સર્જાતા હોવાથી તેનો પણ લાભ મળે. આવા આવાસમાં સૂર્યપ્રકાશના ઉપયોગની સંભાવના પણ વધુ હોય છે. તો સામે આ પ્રકારના આવાસમાં વ્યક્તિગતતાને વધુ મહત્ત્વ મળે અને સામાજિક માળખું ક્યાંક ક્ષતિગ્રસ્ત થતું લાગે. સહવાસની ભાવના પણ અહીં ઓછી થતી જણાય. આના ઉકેલ સ્વરૂપે આ પ્રકારના આવાસ સમૂહમાં બનાવવાનો અભિગમ વધતો જાય છે. આ આવાસ કેટલીક વ્યક્તિઓ માટે મનને પ્રફુલ્લિત રાખવાની સારી તક પૂરી પાડે તો કેટલાક માટે તે જાણે વાતાવરણ માનસિક તથા શારીરિક બીમારીનું કારણ પણ બની રહે. જો આ દરિયાના પાણીમાં બનાવાયું હોય તો વાતાવરણમાં રહેલી ખારાશ જુદા જ પ્રકારના પ્રશ્ર્નો સર્જી શકે.

આજુબાજુની પરિસ્થિતિ સાથે દ્રશ્ય સંપર્ક જળવાઈ રહે તે માટે આ રચનામાં કાચની દીવાલ પ્રમાણમાં વધુ પ્રયોજાય છે. કેટલાક સંજોગોમાં તો ફર્શ પણ કાચની બનાવાય છે. આ આવાસ મોટે ભાગે પાણી પર તરતા હોય છે પણ જળ સૃષ્ટિ વધારે વ્યવસ્થિત રીતે માણી શકાય તે માટે ક્યારેક કેટલાંક કાચની દીવાલવાળા ઓરડા પાણીના સ્તરની નીચે પણ બનાવાય છે. પાણી સાથે દ્રશ્ય સંપર્ક જળવાઈ રહે તે માટે અહીં ટેરેસિસનો ઉપયોગ વધારે જોવા મળે. વળી એમ પણ કહી શકાય કે અહીંના આયોજનમાં મુક્ત-સ્થાન આયોજન – ઓપન પ્લાનિંગના સિદ્ધાંતને વધુ અનુસરવામાં આવે છે.
આ પ્રકારની રચનાથી જમીન બચે પણ તેની બનાવટમાં જે સામગ્રી વપરાય તેનો ભાર તો જમીન પર જ આવે. આ પ્રકારના આવાસ પ્રમાણમાં નાના બનાવાતા હોવાથી પણ ક્યાંક પર્યાવરણ પરનો ભાર ઓછો થવાની સંભાવના રહે, તો સામાન્ય રીતે, આ વધારાનું આવાસ હોવાથી તેમાં વધારાની ખપત તો થાય જ.

બોટ હાઉસ, યોટ કે શિકારા કરતાં આ રચના ભિન્ન હોય છે. આ આવાસ એક સ્થળેથી બીજા સ્થળે જતું નથી, જે તે સ્થાન પર કાયમી સ્થિત રહે છે. સંરચનાકીય માળખા સાથે વ્યવહાર જળવાઈ રહે તે માટે તરતા આવાસનું સ્થાન કિનારાથી બહુ દૂર નથી હોતું. આનાથી અહીં રહેનારા વ્યક્તિનાં સામાજિક સમીકરણો પણ જળવાઈ રહે.

ઠંડકની મજા છે. લહેરોના સંગીતની મજા છે. ચારે તરફની મોકળાશને માણવાની મજા છે. ક્યાંક જાત સાથે જોડાવાની સંભાવના વધુ છે. કુદરત સાથે અહીં એકાંત મળી રહે છે. આવાસની સાથે સાથે માનવી પણ અહીં કુદરતના ખોળે ઝુલવા લાગે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત