
શ્રીનગરઃ ચીનની સરહદથી લગભગ 40 કિલોમીટર દૂર ન્યોમા એરફિલ્ડનું કામકાજ શરુ કરવામાં આવ્યું છે, તેનું કામ પૂર્ણ થયા પછી ડ્રેગનની ઊંઘ હરામ થઈ શકે છે. આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 2,941 કરોડ રુપિયાના ખર્ચથી બીઆરઓ દ્વારા નિર્મિત 90 પરંપરાગત યોજનાઓનું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે.

બીઆરઓ (બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન) પૂર્વ લદ્દાખના વ્યૂહાત્મક ન્યોમા પટ્ટામાં આ એરફિલ્ડનું નિર્માણ કરશે. આ વિશ્વનું સૌથી ઊંચું એરફિલ્ડ હશે. વ્યૂહાત્મક રીતે તેને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેના નિર્માણથી એલએસીની નજીક ફાઇટર ઓપરેશન શક્ય બનશે.
ભારતીય સરહદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા અને સરહદની સુરક્ષાને મજબૂત કરવાના ઉદ્દેશથી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) દ્વારા અમલમાં મૂકેલા ૯૦ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું અને નોર્થ ટેક સિમ્પોસિયમમાં તેમણે ભાગ લીધો હતો.
આ પ્રસંગે 22 રસ્તા, ૬૩ પુલ, અરુણાચલ પ્રદેશમાં નેચીફુ ટનલ, પશ્ચિમ બંગાળમાં બે એરફિલ્ડ અને બે હેલિપેડ સહિત વિવિધ શ્રેણીના પ્રોજેક્ટ્સનું અનાવરણ કરાયું હતું. આ નિર્ણાયક પ્રોજેક્ટ્સ વ્યૂહાત્મક રીતે દસ સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયા છે, જે ભારતના સરહદી માળખાને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પ્રોજેક્ટ પૈકી જમ્મુ અને કાશ્મીરમાં ૧૧, લદ્દાખમાં ૨૬, અરુણાચલ પ્રદેશમાં ૩૬, માં પાંચ, હિમાચલ પ્રદેશમાં ત્રણ અને સિક્કિમ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં બે-બે, નાગાલેન્ડ, રાજસ્થાન, અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક-એક પ્રોજેક્ટ પૂર્ણ થયા છે.

જમ્મુ અને કાશ્મીરમાં બિશ્નાહ-કૌલપુર-ફૂલપુર રોડ પર આવેલ આરસીસી દેવક બ્રિજનું મહત્ત્વપૂર્ણ ઉદ્ઘાટન કરાયું હતું. આ પુલ ભારતીય સંરક્ષણ દળો માટે ખૂબ જ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે, જે સૈનિકો, ભારે સાધનો અને યાંત્રિક વાહનોને સરહદના ક્ષેત્રોમાં ઝડપી તહેનાત કરવાની સુવિધા આપે છે. અરુણાચલ પ્રદેશમાં બાલીપારા-ચારદુર-તવાંગ રોડ પર ૫૦૦-મીટર લાંબી નેચિફુ ટનલ છે.

રાજનાથ સિંહે લદ્દાખમાં ૨૧૮ કરોડ રુપિયાના રોકાણ સાથેનાં ન્યોમા હવાઇ મથકનો ઈ-શિલાન્યાશ કર્યો હતો. તેનું નિર્માણ લદ્દાખમાં અને ઉત્તરીય સરહદો પર ભારતીય વાયુસેનાની ક્ષમતાઓમાં વધારો કરશે. ઉલ્લેખનીય છે કે ન્યોમા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડે ૨૦૨૦માં શરૂ થયેલા ચીન સાથેના સતત ઘર્ષણ દરમિયાન જવાનો અને પુરવઠાના પરિવહનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી, જેમાં ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને સી ૧૦૩જે વિમાનોને તહેનાત કરવાની વિશેષ કામગીરી ભજવી હતી.