બેન્ગલૂરુના સ્ટેડિયમને મળેલી નોટિસમાં પૂછાયું, ‘તમે કયું પાણી વાપરો છો એનો ખુલાસો કરો’
બેન્ગલૂરુ: ભર ઉનાળે જો ક્યાંય પણ પાણીનો વધુપડતો વપરાશ થતો જોવા મળે તો સામાન્ય નાગરિકથી એ સહેવાતું નથી અને ફરિયાદ કરવામાં આવે તો સત્તાધીશો (જો આ મામલામાં ખરેખર ગંભીર હોય તો) પગલાં ભરવાનું શરૂ કરી દે છે.
આઇપીએલની 17મી સીઝન માટેના 13 શહેરોમાંના એક બેન્ગલૂરુનો સમાવેશ છે અને આ શહેરમાં પાણીની ગંભીર કટોકટી છે. આ સ્થિતિમાં બેન્ગલૂરુના એમ. ચિન્નાસ્વામીમાં આઇપીએલની મૅચો દરમ્યાન કેવા પ્રકારનું પાણી વાપરવામાં આવી રહ્યું છે એની વિગતો પૂરી પાડવા નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે કર્ણાટક ક્રિકેટ અસોસિએશન તથા રાજ્યના અન્ય સત્તાવાળાઓને નોટિસ મોકલી છે.
ટ્રિબ્યૂનલે બેન્ગલૂરુ વૉટર સપ્લાય બોર્ડને તથા કર્ણાટક સ્ટેટ પૉલ્યૂશન ક્ધટ્રોલ બોર્ડને પણ જણાવ્યું છે કે સ્ટેડિયમમાં કેટલું પાણી વાપરવામાં આવી રહ્યું છે અને એ ક્યાંથી મેળવવામાં આવી રહ્યું છે એ બીજી મે સુધીમાં જણાવી દો.
આપણ વાંચો: આરસીબીના બેન્ગલૂરુમાં કેકેઆરનો હાથ ઉપર: ફરી હાઈ-વૉલ્ટેજ ટક્કર જોવા મળશે
બેન્ગલૂરુના સ્ટેડિયમની માલિકી ધરાવતા કર્ણાટક સ્ટેટ અસોસિએશનના સીઇઓ શુબેન્દુ ઘોષે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘અમે નોટિસનો અભ્યાસ કરી રહ્યા છીએ. જોકે અમે સ્ટેડિયમમાં ટ્રિબ્યૂનલના નિયમોનું બરાબર પાલન કરી જ રહ્યા છીએ એટલે અમે આગામી મૅચોના આયોજનની બાબતમાં ખૂબ આત્મવિશ્ર્વાસથી આગળ વધી રહ્યા છીએ.’
બેન્ગલૂરુમાં ત્રણ મૅચ રમાઈ ચૂકી છે. પ્રત્યેક મૅચ વખતે સ્ટેડિયમમાં અંદાજે 75,000 લીટર ટ્રીટેડ (પ્રક્રિયા પછીનું) પાણી વાપરવામાં આવ્યું છે.
બેન્ગલૂરુમાં હવે પછીની ચાર લીગ મૅચ 15 એપ્રિલે (હૈદરાબાદ સામે), ચોથી મેએ (ગુજરાત સામે), 12મી મેએ (દિલ્હી સામે) અને 18મી મેએ (ચેન્નઈ સામે) રમાશે.