કૉંગ્રેસે રોબર્ટ વાડરાને અજમાવી જોવા જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કૉંગ્રેસે એક સમયે નહેરુ-ગાંધી ખાનદાનનો ગઢ મનાતી અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યાં નથી. ભાજપે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને હરાવીને જીતનારાં સ્મૃતિ ઈરાનીને રિપિટ કર્યાં છે પણ કૉંગ્રેસ કોને ઉતારશે એ નક્કી નથી. રાહુલ ગાંધી ૨૦૧૯ની જેમ અમેઠી અને વાયનાડ એમ બંને બેઠક પરથી ચૂંટણી લડશે અને પ્રિયંકા ગાંધી વાડરા રાયબરેલીથી ચૂંટણી લડશે એવી વાતો ચાલે છે.
વાયનાડથી રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી દીધી હોવાથી રાહુલ ગાંધી ખાલી વાયનાડ બેઠક પરથી લડે અને પ્રિયંકા અમેઠીમાંથી કે રાયબરેલીમાંથી મેદાનમાં ઉતરે એવું પણ કહેવાય છે. ભાજપે પિલિભીત લોકસભા બેઠક પર જેમનું પત્તુ કાપી નાંખ્યું એ નહેરુ-ગાંધી ખાનદાનના નબિરા વરુણ ગાંધીને કૉંગ્રેસમાં લાવીને કે પછી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે અમેઠીમાંથી કે રાયબરેલીમાંથી મેદાનમાં ઉતારાય એવી વાતો પણ ચાલી રહી છે.
આ બધી વાતો વચ્ચે કૉંગ્રેસ મગનું નામ મરી પાડતી નથી તેથી અમેઠી અને રાયબરેલી એ બંને બેઠકો પર હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે ત્યાં નહેરુ-ગાંધી ખાનદાનના જમાઈએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કરેલી વાતોને કારણે નવો જ ફણગો ફૂટ્યો છે.
પ્રિયંકા ગાંધીના પતિ અને ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડરાનું કહેવું છે કે, લોકો ઇચ્છે છે કે પોતે રાજકારણમાં આવે, લોકોને લાગે છે કે મારે રાજકારણમાં આવવાની જરૂર છે. તેમને તેલંગણાના સહિતના દેશભરના ઘણા વિસ્તારોમાંથી ચૂંટણી લડવા માટે લોકો વિનંતી કરે છે. પોતે નહેરુ-ગાંધી પરિવારના સભ્ય હોવાથી રાજકારણથી દૂર રહેવું મુશ્કેલ છે પણ પોતે ઈચ્છે છે કે પ્રિયંકા ગાંધી પહેલા સંસદમાં પહોંચે અને પછી પોતાનો વારો આવે.
રોબર્ટ વાડરાએ એ પછી ધડાકો કર્યો કે, લોકસભામાં હું અમેઠીનું પ્રતિનિધિત્વ કરું તેવું અમેઠીનાં લોકો ઈચ્છી રહ્યાં છે. મને અમેઠીની જનતા તરફથી વિનંતી મળે છે કે, હું રાજકારણમાં જોડાઉં તો મારે અમેઠીની પસંદગી કરવી જોઈએ. રોબર્ટના કહેવા પ્રમાણે, અમેઠી અને રાયબરેલીમાં ગાંધી પરિવારે વર્ષો સુધી મહેનત કરી હતી પણ છેલ્લી ચૂંટણીમાં ભાજપના પ્રચારની વાતોમાં આવી જઈને લોકોએ સ્મૃતિ ઈરાનીને ચૂંટેલાં. હવે અમેઠીના લોકો ખરેખર વર્તમાન સાંસદ સ્મૃતિ ઇરાનીથી નારાજ છે અને મતદારોને લાગે છે કે તેમણે સ્મૃતિ ઇરાનીને ચૂંટીને ભૂલ કરી છે.
રોબર્ટ વાડરાએ એવો દાવો પણ કર્યો કે, અમેઠીની જનતા પોતાની ભૂલ સમજી ગઈ છે અને મને લાગે છે કે હવે તેઓ ઇચ્છે છે કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય આ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે. રોબર્ટે પ્રિયંકા પોતે પહેલી વાર ચૂંટણી પ્રચાર ૧૯૯૯માં અમેઠીમાં કર્યો હતો એ વાતની. યાદ પણ દેવડાવીને રોબર્ટે કહ્યું કે, હું મુરાદાબાદનો છું, તેથી ત્યાંના લોકો ઈચ્છે છે કે હું મુરાદાબાદનું પ્રતિનિધિત્વ કરું પણ મેં ૧૯૯૯થી અમેઠી, રાયબરેલી, જગદીશપુર અને સુલતાનપુરમાં ઘણું કામ કર્યું છે તેથી હું આ બેઠકો પરથી લડવા માગું છું.
વાડરાએ તેમાં ટીવી ચેનલના કેમેરા સામે બેસીને આ બધી વાતો કરી નાંખી કે પછી રોબર્ટ વાડરા ખરેખર ચૂંટણી લડવા અંગે ગંભીર છે કે પછી કૉંગ્રેસમાં કોઈ તેમને ગણકારતું નથી ને ચૂંટણી લડવા કહેતું જ નથી તેથી વાડરા સામેથી દાવેદારી કરી રહ્યા છે એ ખબર નથી પણ વાડરાની વાતો રસપ્રદ છે તેમાં શંકા નથી. વાડરાએ સ્મૃતિ ઈરાની વિશે જે કંઈ કહ્યું એ રાજકીય આક્ષેપબાજી છે તેથી એ વાતોમાં પડવા જેવું નથી પણ આ બધી વાતો પરથી વાડરાનો પોતાના વિશેનો અભિપ્રાય બહુ ઉંચો છે ને વાડરાને પોતાનામાં કૉંગ્રેસનો મસિહા દેખાઈ રહ્યો છે તેમાં શંકા નથી. કમ સે કમ અમેઠીમાં તો પોતે કૉંગ્રેસની ખોવાયેલી આબરૂ પાછી અપાવી જ શકશે એવું તો વાડરાને લાગે જ છે.
રાહુલ ગાંધી ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪માં અમેઠીથી જીત્યા હતા પણ ૨૦૧૯ની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પોતાના જ ગઢમાં હરાવ્યા હતા. રાહુલે એંધાણ પારખીને કેરળના વાયનાડથી પણ ઉમેદવારી નોંધાવેલી તેથી એ લોકસભામાં તો પહોંચ્યા પણ કૉંગ્રેસની ઈજજતનો ફાલુદો થયેલો જ. વાડરાને લાગે છે કે, પોતે આ અપમાનનો બદલો લઈ શકે છે ને સ્મૃતિને પછાડી શકે છે.
રોબર્ટ વાડરામાં આ આત્મવિશ્ર્વાસ ક્યાંથી આવ્યો એ ખબર નથી પણ તેમનો આત્મવિશ્ર્વાસ જોયા પછી કૉંગ્રેસે આ ચૂંટણીમાં જ રોબર્ટને અજમાવી જ લેવા જોઈએ. કૉંગ્રેસ અમેઠીમાંથી કોને ટિકિટ આપવી એ મુદ્દે અટવાયેલી છે અને જેને પણ મેદાનમાં ઉતારશે તે જીતશે કે નહીં તેની ગેરંટી નથી. આ સંજોગોમાં રોબર્ટ વાડરાને અમેઠીમાંથી ઉતારીને કૉંગ્રેસે વાડરાની તાકાત અને આત્મવિશ્ર્વાસ બંનેનાં પારખાં કરી લેવાં જોઈએ, લાગ્યું તો તીર નહીં તો તુક્કો. ઘણી વાર આવા તુક્કા કામ કરી જતા હોય છે એ જોતાં વાડરાનો તુક્કો પણ કામ કરી જાય ને અમેઠીમાં રાહુલે ખોયેલી આબરૂ વાડરા પાછા લઈ આવે એ શક્ય છે.
કૉંગ્રેસે વાડરાને ટિકિટ આપીને ગુમાવવાનું કંઈ નથી પણ તુક્કો કામ કરી જાય તો કૉંગ્રેસને ભવિષ્ય માટે એક નેતા પણ મળી જશે. રાહુલમાં તો દમ છે નહીં પણ રોબર્ટ દમદાર નીકળે તો કૉંગ્રેસનું કામ થઈ જાય.
વાડરા અત્યાર લગી પ્રિંયંકાના પડછાયામાં રહ્યા છે. પ્રિયંકાની સાથે ફર્યા સિવાય તેમની પાસે બીજું કંઈ કામ નથી તેથી વાડરાની તાકાત શું છે તેનો કોઈ અંદાજ કૉંગ્રેસને પણ નથી કે બીજા કોઈને પણ નથી. વાડરા ખરેખર દમદાર છે કે નહીં એ નક્કી કરવું મુશ્કેલ છે ને કૉંગ્રેસ પાસે એ નક્કી કરવા માટે વાડરાને મેદાનમાં ઉતારવા સિવાય વિકલ્પ નથી. કૉંગ્રેસે જય શ્રી રોબર્ટ કરીને આ વિકલ્પ અજમાવી નાંખવો જોઈએ.
રોબર્ટ ચૂંટણી લડવા થનગની રહ્યા છે એ તેમની વાતો પરથી સ્પષ્ટ છે પણ વાડરા ચૂંટણીના મેદાનમાં આવશે એ સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સહિતની કેન્દ્ર સરકારની એજન્સીઓને રોબર્ટ વાડરા પાછા યાદ જશે એ પણ નક્કી છે. વાડરાએ જેલમાં જવું પડે એવું પણ બને પણ તેનાથી શો ફરક પડે છે ?