ઘોડબંદર રોડ પર ફ્લેટ ખરીદવાનું વિચારો છો, તો માંડી વાળજો કારણ જાણી લો…
મુંબઈ: મુંબઈ નજીકના થાણે જિલ્લામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટા પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અહીંના મહત્ત્વના વિસ્તાર ઘોડબંદર રોડમાં પાણીની તીવ્ર કટોકટીનો લોકો સામનો કરી રહ્યા છે. અહીંના રહેવાસીઓને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, પરંતુ તમારા સપનાનું ઘર ખરીદવા માગતો હોય તો માંડી વાળજો.
ઘોડબંદર રોડમાં કરોડો રૂપિયાના ફ્લેટની ખરીદી કરનારને પસ્તાવો એ વાતનો થઇ રહ્યો છે કે ઘરના નળમાં પાણીનું એક ટીપું પણ પડતું નથી. આને કારણે નાગરિકોએ પાણી વેચાતું લેવાનો સમય આવ્યો છે. દરરોજ 70 ટેન્કરથી પાણીપુરવઠો કરવો પડી રહ્યો હોવાથી પાણીપુરવઠાને વધારવામાં આવે એ માટે મહાપાલિકાએ સ્ટેમ ઓથોરિટીને જાણ કરી છે. જોકે પાલિકાની આ વાતને કાનમાં ધરવામાં આવી નથી રહી.
આ કારણે જ ઘોડબંદર વિસ્તારમાં હાલની સ્થિતિમાં વસતિ પાંચથી સાત લાખની ઉપર થઇ ગઇ છે. શહેરમાં વસતિવધારો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે દરરોજ 110 મિલિયન લિટર પાણીપુરવઠો કરવામાં આવી રહ્યો છે, પણ હવે આ જ પુરવઠો અપૂરતો થઇ રહ્યો હોવાનું પાલિકાના અધિકારી જણાવી રહ્યા છે. આને કારણે પ્રશાસને આ વિસ્તારમાં વધારાનો પાંચ મિલિયન પાણીપુરવઠો મળે એ માટે સ્ટેમ ઓથોરિટીને જણાવ્યું હતું.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ થાણે-કલ્યાણની બેઠક પર ભાજપની શિંદે જૂથને નવી ઓફર?
આ પહેલાં પણ પાલિકાએ ઓથોરિટીને પત્રવ્યવહાર કરીને જાણ કરી હતી, પણ પાલિકાની વાતને કાનમાં ધરવામાં નથી આવી રહી. આથી આ ઉનાળામાં તો ઘોડબંદરના નાગરિકોને વધારાનો પાણીપુરવઠો નહીં મળે, એવું ચિત્ર દેખાઇ રહ્યું છે.
થાણે મહાપાલિકા ક્ષેત્રમાં ચાર માધ્યમથી દરરોજ 585 મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવી રહ્યો છે.
આમાં મહાપાલિકાની પોતાની યોજનામાંથી 250 મિલિયન લિટર, સ્ટેમ ઓથોરિટી તરફથી 115 મિલિયન લિટર, મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી 135 લિટર અને મુંબઈ મહાપાલિકા 85 મિલિયન પાણીપુરવઠો પૂરો પાડે છે.
ઘોડબંદર રોડમાં પાણીકાપના પ્રશ્ને ડેમ વિભાગ તરફથી બેઠક બોલાવવામાં આવવાની હતી.
જોકે હવે લોકસભા ચૂંટણીની આચારસંહિતા આવી ગઇ છે. આને કારણે આ બેઠક હવે થઇ નહીં શકે. બેઠક બાદ વધારાના પાણીપુરવઠાનો નિર્ણય લેવાશે, એવું જણાઇ રહ્યું છે. હાલમાં નેતાઓ ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાને કારણે પાણીના પ્રશ્ને દુર્લક્ષ સેવાઈ રહ્યું છે.