‘આ’ વાઈરસને કારણે કેરળમાં બેનાં મોત, કેન્દ્ર સરકાર એક્શનમાં
કોઝિકોડઃ કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાઈરસને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે. કેરળ સરકારે કોઝિકોડ જિલ્લામાં બે લોકોના અકુદરતી મોત મુદ્દે તેમના નમૂના તપાસ માટે મહારાષ્ટ્રના પુણેમાં નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે કહ્યું હતું કે કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાઈરસના કારણે બે લોકોના મોત થયા છે. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે. નિષ્ણાતોની એક કેન્દ્રીય ટીમને કેરળ મોકલવામાં આવી છે જે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે અને નિપાહ વાઈરસના ચેપનો સામનો કરવામાં રાજ્ય સરકારને મદદ કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ નમૂના એટલા માટા મોકલવામાં આવ્યા છે, કારણ કે તેનાથી ખબર પડશે કે આ નિપાહ વાઈરસ સંક્રમિત છે કે નહીં. આ પાંચમાંથી એક નમૂના મૃતકના હતા, જ્યારે ચાર તેમના સંબંધીના હતા. એના સિવાય રાજ્યના આરોગ્ય વિભાગે બંને જણનાં મોત પછી સતર્ક રહેવાની ચેતવણી આપી હતી.
આ મુદ્દે રાજ્યના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી. રાજ્યમાં નિપાહ વાઈરસથી થયેલા મોત મુદ્દે ગંભીરતા વ્યક્ત કરી હતી. ઉપરાંત, આરોગ્ય વિભાગને આ વાઈરસથી સતર્ક રહેવાની ચેતવણી પણ આપી છે. દરમિયાન રાજ્યના આરોગ્ય વિભાગના પ્રધાન વીના જ્યોર્જ જિલ્લામાં પહોંચી છે. ઉચ્ચ સ્તરીય વિભાગની બેઠક બોલાવી હતી. આ ઉપરાંત, કોઝિકોડમાં કંટ્રોલ રુમ બનાવવામાં આવ્યો છે, જ્યારે તકેદારીના ભાગરુપે લોકોને માસ્ક પહેરવાની પણ અપીલ કરવામાં આવી છે.