અમદાવાદ: ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલમાં 2022માં ડેબ્યૂ કરીને એ જ સીઝનમાં ટાઇટલ જીતી હતી અને પછીના વર્ષે (2023માં) રનર-અપ બની હતી. હાર્દિક પંડ્યા એ બન્ને સીઝનમાં એનો કૅપ્ટન હતો અને મોહમ્મદ શમી મુખ્ય બોલર હતો. જોકે આ વખતે એ બન્ને પ્લેયર આ ટીમમાં નથી જેની થોડીઘણી અસર શુભમન ગિલના નેતૃત્વવાળી આ ટીમના પર્ફોર્મન્સ પર જોવા મળી જ રહી છે.
જોકે આ સીઝનમાં પહેલી ચારમાંથી બે વિજય ઉપરાંત બે પરાજય જોઈ ચૂકેલી ગુજરાતની ટીમના એકંદર પર્ફોર્મન્સ પરથી જણાયું છે કે આ ટીમને હાર્દિક કરતાં ખાસ તો પેસ બોલર શમીની ગેરહાજરી સતાવી રહી છે. શમી ઈજાને કારણે આ આઇપીએલની બહાર થઈ ગયો છે. હા, શમીની ગેરહાજરી બને એટલી ઓછી અનુભવાય એવી કોશિશ મોહિત શર્માની રહી છે અને તેણે આ સીઝનમાં સીએસકેના મુસ્તફિઝુર રહમાનની જેમ સૌથી વધુ સાત વિકેટ લઈને પર્પલ કૅપ પણ મેળવી છે, પરંતુ ‘શમી જૈસા કોઈ નહીં’ એવું તેના કરોડો ચાહકો માનતા જ હશે.
24મી માર્ચે ગુજરાતની ટીમ અમદાવાદમાં મુંબઈ સામેની પહેલી જ મૅચ હારતાં બચી ગઈ હતી. ગિલની ટીમે મહા મહેનતે છ રનથી વિજય મેળવ્યો હતો. મુંબઈએ છેલ્લી ઓવરમાં જીતવા 19 રન બનાવવાના હતા અને સ્ટ્રાઇક પર મુંબઈનો સુકાની હાર્દિક હતો. રાશિદ ખાન, સાંઇ કિશોર અને બે વિકેટ લઈ ચૂકેલો ઇમ્પૅક્ટ પ્લેયર મોહિત શર્મા ચાર-ચાર ઓવર પૂરી કરી ચૂક્યા હતા એટલે શુભમન ગિલે ઓમરઝાઇ, સ્પેન્સર જૉન્સન અને ઉમેશ યાદવમાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી. ઉમેશને ગિલે સૌથી મુશ્કેલ મોરચા પર મૂક્યો જેમાં હર્દિકે પહેલા બૉલમાં છગ્ગો અને બીજા બૉલમાં ચોક્કો ફટકાર્યો હતો. ચાર બૉલમાં મુંબઈએ નવ રન બનાવવાના હતા અને ત્રીજા બૉલમાં હાર્દિક બિગ શૉટ મારવાની લાલચમાં વિકેટ ગુમાવી બેઠો હતો. એ પછી ઉમેશે પીયૂષ ચાવલાને આઉટ કર્યો અને એ રીતે ગુજરાતને પરાજયથી બચાવીને વિજય સાથે બે પૉઇન્ટ અપાવ્યા હતા.
ALSO READ : IPL 2024: MI અને RCBને લઈને સોશિયલ મીડિયામાં મીમ્સ વાયરલ, પંડ્યાને લઈને ચાહકોમાં ગુસ્સો
ગુરુવારે અમદાવાદમાં જ રમાયેલી ગુજરાતની ચોથી મૅચમાં ભારે રસાકસી જોવા મળી હતી. પંજાબે છેલ્લા બૉલ પર આ મૅચ ત્રણ વિકેટના માર્જિનથી જીતી લીધી હતી. અંતિમ ઓવરમાં પંજાબે જીતવા સાત રન બનાવવાના હતા. ગુજરાતે એ ઓવરની મોટી જવાબદારી દર્શન નાલકંડેને સોંપી હતી. પંજાબનો આશુતોષ શર્મા પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ દર્શને વાઇડ ફેંક્યો હતો. બીજા બૉલ પર હરપ્રીત બ્રાર રન નહોતો બનાવી શક્યો, પણ પછીના બૉલમાં રન દોડીને મુખ્ય બૅટર શશાંક સિંહને સ્ટ્રાઇક આપી હતી. ચોથા બૉલમાં શશાંકે ચોક્કો લગાવ્યો અને પાંચમા બૉલ પર શશાંકે લેગ બાયનો એક રન દોડીને પંજાબે (એક બૉલ બાકી રાખીને) યાદગાર વિજય મેળવ્યો હતો.
ગુજરાતે ચાર મૅચમાં બૅટિંગ સારી કરી છે, પરંતુ બે મૅચમાં ડેથ ઓવર્સમાં કચાશ જોવા મળી છે. જો શમી રમતો હોત તો એ કચાશ હોત જ નહીં.