Aadhaar કાર્ડને Pan Card સાથે લિંક નહીં કરતા 9,000 કર્મચારી દંડાયા, મળ્યો માત્ર ‘આટલો’ પગાર?
મુંબઈ: ઇન્કમ ટૅક્સ વિભાગ (IT) દ્વારા દેશના દરેક નાગરિકોને આધારકાર્ડ અને પેન કાર્ડને લિન્ક કરાવવાનો ફરજિયાત આદેશ આપ્યો હતો, પરંતુ તેની સાથે લિંક નહીં કરાવતા મુંબઈ મહાનગર પાલિકાના લગભગ નવ હજાર કર્મચારીના ખાતામાં એક રુપિયાનો પગાર જમા થયો હતો.
31 માર્ચ 2023 સુધી આધારકાર્ડ-પેન કાર્ડને લિન્ક કરાવવા માટે સરકાર દ્વારા અંતિમ મુદત આપવામાં આવી હતી, જોકે હજુ પણ અનેક લોકોએ બંને કાર્ડ લિન્ક નહીં કરાવતા તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે અને બેન્ક એકાઉન્ટમાં જમા થતાં પગારમાં મોટી કપાત કરવામાં આવતા હોવાથી અનેક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, ત્યારે એવો ચોંકાવનારો બનાવ પાલિકામાં બન્યો છે.
મુંબઈ મહાનગરપલિકા (BMC)ના સંરક્ષણ અને ઘન કચરા વ્યવસ્થાપન વિભાગના લગભગ 9,000 કર્મચારી સાથે બન્યો હતો, જેમાં તેમના બેંકના એકાઉન્ટમાં પગારપેટે માત્ર એક રૂપિયો જમા થતા સૌને ઊંઘ હરામ થઈ ગઈ હતી.
બીએમસીના કર્મચારીઓને પગાર થયા પછી દરેકને સેલરી સ્લીપ આપવામાં આવે છે. જોકે માર્ચ મહિનાના પગારની સેલરી સિલ્પ જોઈને બીએમસી કર્મચારીઓના પગ નીચેથી જાણે જમીન જ ખસી ગઈ હતી, કારણકે 9,000 કરતાં વધુ કર્મચારીને માત્ર એક રૂપિયા પગાર જમા થયો હોવાની ચોંકાવનારી વાતનો ખુલાસો થયો હતો.
આ બાબતની વધુ તપાસ કરવામાં આવતા આ કર્મચારીઓએ તેમના આધાર અને પાન કાર્ડ લિન્ક ન કરાવ્યા હોવાનું કારણ સામે આવ્યું હતું. બીએમસીએ કર્મચારીઓએ આ બાબતે જાણ ન કરતાં કર્મચારીઓ બીએમસી ઉપર નારાજ હોવાની સાથે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિન્ક કરાવવા માટે હવે દોડાદોડી કરી રહ્યા છે.
આ બાબતે એક બીએમસી કર્મચારીએ કહ્યું હતું કે તે 2007થી બીએમસીના સફાઈ વિભાગમાં કામ કરે છે. તેમનો મહિનાનો પગાર રૂ. 49,000ની આસપાસ છે. બીએમસી તરફથી અમને આધાર અને પાન કાર્ડને લિન્ક કરાવવા માટે કોઈ પણ સૂચના આપવામાં આવી નહોતી. જોકે અમારા બેન્ક એકાઉન્ટમાં માર્ચ મહિનાનો પગાર માત્ર એક રૂપિયા જમા થતાં આ બાબતનો ખુલાસો થયો હતો.
આખો મહિનો કામકાજ કરીને માત્ર એક રૂપિયા પગાર મળતા બીએમસીના સફાઈ કર્મચારીઓને અનેક ચિંતા સતાવી રહી છે, જેથી આ સમસ્યાને જલ્દીથી ઉકેલી તેમને પૂર્ણ પગાર આપવામાં આવે, એવી માગણી કરવામાં આવી રહી છે.
આ સમસ્યા એકાઉન્ટ વિભાગની છે. આ અંગે તેની સાથે વાતચીત કરીને સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે અને દેશના દરેક નાગરિકને આધાર અને પાન કાર્ડ લિન્ક કરાવવાની મુદતને 31 માર્ચ બાદ પણ 31 જૂન 2023 સુધી લંબાવવામાં આવી હતી, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આ અંગે દરેક ટીવી અને અખબારોમાં જાહેરાત આપવામાં આવી હતી. તેમ છતાં અનેક લોકો આ મહત્ત્વના કામને કરવામાં બેદરકારી બતાવી હતી. જેથી જે પણ વ્યક્તિએ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક નહીં કરાવ્યું હતું તે વ્યક્તિના પગારમાંથી 20 ટકા ઇન્કમ ટૅક્સ કાપવામાં આવે છે. આ કારણને લીધે પાલિકાના 9,000 જેટલા કર્મચારીના પગારમાંથી 20 ટકા વાર્ષિક ટીડીએસ કપાતને કારણે, તેમને પૈસા ન મળ્યા હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.