‘અમારા અધિકાર ક્ષેત્રની બહાર…’ ઇલેક્ટોરલ બોન્ડ અંગે RBI ગર્વરનરની ટીપ્પણી, જાણો શું કહ્યું
મુંબઈ: સુપ્રીમ કોર્ટ(Supreme Court)ની પાંચ જજોની બેન્ચે 15 ફેબ્રુઆરીના રોજ ઇલેક્ટોરલ બોન્ડ યોજના(Electoral bond scheme)ને ગેરબંધારણીય ગણાવીને સર્વસંમતિથી રદ કર્યા બાદ આ મુદ્દે વિપક્ષ સતત ભાજપ(BJP)ને ઘેરી રહી છે. આ મુદ્દે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)ની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠ્યા હતા. એવામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ(Shaktikanta Das)ને ઇલેક્ટોરલ બોન્ડ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જોકે તેમણે આ અંગે કોઈ ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ચૂંટણી પંચની વેબ સાઈટ પર જાહેર કરવામાં આવેલા ઇલેક્ટોરલ બોન્ડ અંગેના ડેટા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા શક્તિકાંત દાસે કહ્યું આ બાબત કેન્દ્રીય બેંકના કાર્યક્ષેત્રની બહાર છે. ઇલેક્ટોરલ બોન્ડ પર, અમે કોઈ ટીપ્પણી નહીં કરીએ, આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, જેનું પાલન કરવું પડશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જરૂરી કાર્યવાહી કરી છે. તેની નેટવર્થ કરતાં કોણે વધુ યોગદાન આપ્યું છે તે મુદ્દો આરબીઆઈના ક્ષેત્રમાં નથી આવતો.
આપણ વાંચો: શેરબજાર નિરસ મૂડમાં; RBI Repo Rate યથાવત રહેતા હવે નવા ટ્રિગર ની તલાશ
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે કહ્યું હતું કે આ યોજના હેઠળ ભંડોળની વિગતો જાહેર ન કરીને બંધારણની કલમ 19નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મળેલા ઇલેક્ટોરલ બોન્ડ અંગેના વિગતવાર ડેટા ભારતીય ચૂંટણી પંચે તેની વેબ સાઈટ પ્રકાશિત કર્યા હતા.
ડેટા મુજબ, ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટોરલ યોજનાનો સૌથી મોટો લાભાર્થી પક્ષ છે. ભાજપાને છેલ્લા પાંચ વર્ષમાં ₹6,061 કરોડનું દાન મળ્યું છે.