ગઈ કાલે ગુરુવારે સાંજે અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ(Narendra Modi Stadium)માં ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024 ની 17 નંબર મેચમાં પંજાબ કિંગ્સ(PBKS)એ ગુજરાત ટાઇટન્સ(GT)ને 3 વિકેટે હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં શશાંક સિંહ(Shashank Singh)એ શાનદાર ઇનિંગ રમીને પંજાબને જીત અપાવી હતી. રસપ્રદ વાત એ છે કે અગાઉ શશાંક સિંહને પંજાબ કિંગ્સની ભૂલ કહેવામાં આવી રહ્યો હતો. દુબઈમાં હરાજી દરમિયાન પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝીએ તેને ભૂલથી ખરીદી લીધો હતો, હવે શશાંક જ ટીમ માટે હીરો સાબિત થયો છે. શશાંકને શાનદાર પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
પાંચ મહિના પહેલા, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે દુબઈમાં મિનિ-ઓક્શન(Auction) યોજાયું હતું. જેમાં શશાંક સિંહને ખરીદવા અંગે કન્ફયુઝન થયું હતું. બે ખેલાડીઓના નામ શશાંક હોવાથી પંજાબ કિંગ્સે ભૂલથી શશાંક સિંહને ખરીદી લીધો હતો. પંજાબ કિંગ્સ અંડર-19 ટીમમાં રમતા શશાંકને ખરીદવા ઇચ્છતી હતી, પરંતુ ફ્રેન્ચાઇઝીએ 32 વર્ષીય શશાંક સિંહ પર બોલી લગાવી દીધી હતી, જે રણજી ટ્રોફીમાં છત્તીસગઢ માટે રમે છે.
જો કે, ત્યાર બાદ આ અંગે પંજાબે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે શશાંક સિંહ તેમની યાદીમાં પહેલેથી જ સામેલ હતો. યાદીમાં એક જ નામના બે ખેલાડીઓ હોવાથી કન્ફયુઝન થયું હતું. શશાંક સિંહ અમારી ટીમમાં સામેલ થતા અમે ખુશી અનુભવી રહ્યા છીએ અને તે ટીમની સફળતામાં ફાળો આપશે એવી આશા છે.
ગઈ કાલે રમાયેલી ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં શશાંકે 29 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 61 રનની ઇનિંગ રમી હતી.
એ પહેલા શશાંકે બેંગલુરુ સામે પણ શાનદાર ઇનિંગ રમી. RCB સામે શશાંકે 8 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 21 રન બનાવ્યા હતા.