દરેક ફિલ્મી હીરો માટે નથી રિયલ રાજકીય ફિલ્મ
પ્રાસંગિક -ડી. જે. નંદન
અંતે ૧૪ વર્ષ રાજકીય સંન્યાસ બાદ ‘હીરો નંબર વન’ના એક્ટર ગોવિંદા (આહુજા) ચૂંટણીની મોસમમાં રાજકીય અખાડામાં ફરી કૂદી પડ્યા છે. ગોવિંદા આ વખતે મહારાષ્ટ્રના શાસક પક્ષ શિવસેના (શિંદે જૂથ)ના સદસ્ય બન્યા છે. ગોવિંદાએ ૨૦૦૪માં ઉત્તર મુંબઈની લોકસભાની બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા રામ નાઈકને પરાજિત કર્યા હતા. ત્યારે ગોવિંદા કૉંગ્રેસ તરફથી ઊભા રહ્યા હતા. લાંબા ઈન્ટરવેલ બાદની ગોવિંદાની ‘ રાજકીય ફિલ્મ’ કેવી રહેશે એ તો સમય જ બતાડશે. જોકે તેમણે ઘણી અપેક્ષા હોવા છતાં પહેલા હાફમાં દર્શકોને નિરાશ કર્યા.
અલબત્ત દક્ષિણ ભારતનાં રાજ્યોમાં આવું નથી. અહીં હીરોની રાજકીય સફર સફળ રહી છે. હીરોએ પોતાની પાર્ટી બનાવી, મુખ્ય પ્રધાન બન્યા અને રાજ્યોના રાજકીય અને સામાજિક જીવન પર મોટો પ્રભાવ પાડ્યો. બોલીવુડના અભિનેતાઓ વિશે એમ કહી શકાય કે અમુક અભિનેતા રાજકારણમાં અમુક હીરો જામી ગયા છે અને અમુક હીરોએ પલાયન કર્યું હતું.
અમુક હીરો હાંસિયા પર ધકેલાઈ ગયા.બોલીવુડના હીરોએ એનટી રામારાવ (ટીડીપી)ની જેમ રાજકીય પક્ષની સ્થાપના કરવાનું સાહસ કર્યું નથી. આ હીરો સામાન્ય રીતે શાસક પક્ષના સભ્ય બનીને લોકસભા અને રાજ્યસભામાં પહોંચ્યા છે. બોલીવુડના હીરોએ અપક્ષ ઉમેદવાર લડવાનું જોખમ લીધું નથી અને આને લીધે જનતામાં તેમની લોકપ્રિયતાનો ખ્યાલ આવ્યો નથી.
ઉત્તર અને દક્ષિણ ભારતમાં ફિલ્મી સિતારો અને જનતા વચ્ચે રાજકારણના સંદર્ભમાં કેવા સંબંધો છે એનો અંદાજ આસાનીથી લગાડી શકાય છે. અહીં ઉલ્લેખનીય છે કે કટોકટીમાં દેવાનંદે એક રાજકીય પક્ષની રચના કરી હતી. જોકે આઝાદ મેદાનમાં એક ફલોપ જનસભા પછી તેમના પક્ષનું સુરસુરિયું થઈ ગયું. હાલમાં ચૂંટણીનો માહોલ છે અને અનેક ફિલ્મી કલાકારોએ રાજકારણમાં ઝંપલાવ્યું છે.
અમુક કલાકારો તો લોકસભાના ઉમેદવાર
બન્યા છે.
૨૦૧૪માં દેશને આઝદી મળી એવી બેફામ કમેન્ટ કરનાર કંગના રાનૌતે બોક્સ ઓફિસ પર્ફોર્મન્સ ઉપરાંત એક રાજકીય વ્યક્તિત્વ બનાવ્યું છે. ભાજપનું આંધળું સમર્થન કરવાના ઈનામરૂપે કંગનાને હિમાચલ પ્રદેશના મંડીમાંથી લોકસભાની ટિકિટ આપી.
અહીં ઉલ્લેખનીય છે કે કંગના ચિરાગ પાસવાની પહેલી ફિલ્મ ‘મિલે ન મિલે હમ’ (૨૦૧૧)માં હિરોઈન હતી. ફિલ્મમાં અસફળ થયા બાદ પાસવાન હવે તેમના શબ્દો પ્રમાણે મોદીના હનુમાન બનીને બિહારમાં પિતા રામવિલાસ પાસવાનના રાજકીય વારસાને બચાવાનો પ્રયાસ કરી રહ્યા છે.
૧૭મી લોકસભામાં જે મહિલા હસ્તીઓ સંસદસભ્ય હતી એમાં ભાજપની હેમા માલિની, સ્મૃતિ ઈરાની, કિરણ ખૈર અને નવનીત કૌર અને તૃણમૂલ કૉંગ્રેસની મિમી, નુસરત, સતાબ્દી અને લોકેટ ચેટરજીનો સમાવેશ થાય છે. તદુપરાંત એક અપક્ષ સંસદસભ્ય સુમાલતા હતા. મિમી અને નુસરતે બીજી વાર ચૂંટણી લડવાની ના પાડી છે. જોકે રાજકારણને રામ રામ કરનાર આજ સ્ટાર નથી. સ્ટારડમની માયાને રાજકારણમાં જાળવી રાખવાનું પડકારરૂપ છે. આથી અભિનેતા જે ઝડપે રાજકારણમાં આવે છે એ જ ઝડપે પારોઠનાં પગલાં ભરે છે. આમાં એક મોટું નામ અમિતાભ બચ્ચનનું છે.
અમિતાભે ૧૯૮૪માં હેમવંતી નંદન બહુગુણાને હરાવ્યા હતા. ૧૯૮૭માં તેમણે રાજકારણે તિલાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે દર્શક એક માયાના પ્રેમમાં હતા. તેમને રાજકારણનું
કઠોર સત્ય મોડે મોડે સમજાયું હતું. તેમના કહેવા મુજબ વિચારધારા તેમના ચાહકોને વિભાજિત
કરે છે.
અલબત્ત એ રસપ્રદ વાત છે કે તેમની પત્ની જયા બચ્ચન પોતે પ્રસિદ્ધ અભિનેત્રી છે અને અનેક મુદતથી રાજ્યસભાનાં સભ્ય છે. તેઓ તેમના રવૈયા અને જોશીલા પ્રવચન માટે જાણીતા છે. હેમા માલિની પણ રાજકારણમાં ટકેલી છે, પરંતુ તેમના પતિ ધર્મેન્દ્ર એક વાર લોકસભાના સદસ્ય બન્યા બાદ રાજકારણ છોડી દીધું. રાજનીતિની જરૂરિયાત જીવનશૈલીમાં મોટા પરિવર્તન અને જાડી ચામડીની છે. આથી થોડા અભિનેતાઓ દબાણમાં રાજકારણમાં પ્રવેશે તો છે, પરંતુ પછી પોતાની ભુલ સુધારી લે છે. હાર અને રાજકારણની ગરમી સુપરસ્ટાર્સ જ નહીં, પરંતુ નાના એકટર પણ બર્દાસ્ત કરી શકતા નથી.
સુપરસ્ટાર તેના ચાહકવર્ગનો પ્રેમ રાજકારણમાં આવીને ખોવા માગતો નથી. બેલોટ બોક્સમાં સત્ય બહાર આવી જાય એવો ડર પણ હોય છે. રજનીકાંત એ સહન કરી શકે છે કે લોકો તેમના પક્ષના ઉમેદવારને જાકારો આપે? રાજેશ ખન્ના ૧૯૯૧માં એલ. કે. અડવાણી સામે ૧૫૮૯ મતથી
હારી ગયા હતા. ૧૯૯૨ની પેટાચૂંટણીમાં તેમણે શત્રુઘ્ન સિંહાને હરાવીને લોકસભામાં પ્રવેશ તો મેળવ્યો, પરંતુ ફરી ચૂંટણી લડવાની હિંમત ન
કરી.
એવા કલાકારોની લાંબી યાદી છે જે રાજકારણમાં થોડી વાર માટે આવ્યા પછી ગાયબ થઈ ગયા. મુખ્યત્વે શિવાજી ગણેશન, મૌસમી ચેટરજી, વિક્ટર બેનર્જી વગેરે. રામાનંદ સાગરની રામાયણમાં રાવણની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદી આરએસએસના કાર્યકર્તા હતા તો પણ તેમને રાજકારણને રામરામ કહેવું પડ્યું. ગોવિંદા ફરી રાજકારણમાં આવ્યો છે, પરંતુ તેણે રાજકારણમાંથી વિદાય લીધી ત્યારે કહ્યું હતું કે હું સુનીલ દત્ત નહીં, પરંતુ અમિતાભનું અનુસરણ કરું છું.
૧૭મી લોકસભામાં રવિ કિશને દસ ખાનગી ખરડા રજૂ કર્યા. ઓડિશાના સ્ટાર અનુભવ મોહંતીએ ત્રણ અને લોકેટ ચેટર્જીએ બે ખરડા રજૂ કર્યા. સંસદ બનવું સંસદના રિપોર્ટ કાર્ડ કરતાં પણ વધુ મહત્ત્વનું છે. સન્ની દેઉલની હાજરી ૧૭મી લોકસભામાં ૧૭ ટકા રહી. પાંચ વાર સાંસદ બનનાર સુનીલ દત્તને આજે પણ તેમની સેવાઓ અને રાજકીય કાર્ય માટે યાદ કરાય છે. આજ શ્રેણીમાં વિનોદ ખન્નાને
રખાય છે.
શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે રાજકારણમાં જોશથી નહીં પરંતુ હોશથી દાખલ થવું જોઈએ. અલબત્ત હાલનો ટ્રેન્ડ એવો છે કે જે કલાકારની કેરિયર ખતમ થઈ ગઈ હોય એ રાજકારણમાં જોડાય છે. જોકે આ વાત બોલીવુડને લાગુ પડે છે, નહીં કે દક્ષિણની રંગભૂમિને. તમિળનાડુમાં તો સિનેમા અને રાજકારણ વચ્ચે ચોલી અને દામનનો સંબંધ છે. અન્નાદુરાઈ ને કરુણાનિધિએ સામાજિક ન્યાય પર ફિલ્મી
પટકથા લખી અને પછી સફળ રાજકીય પક્ષ ઊભો કર્યો.
ઈમેજ રિફ્લેકશન સેન્ટર