ગ્રંથ પકડવાથી જે નથી મળતું એ કદાચ મનમાં બાંધેલી ગ્રંથિ છોડવાથી મળે….
અરવિંદ વેકરિયા
‘એપ્રિલફૂલ’… એપ્રિલ મહિનાની પહેલી તારીખ એટલે ગમ્મતનો ગુલાલ કરવા યુવાનો અધીરા થઈ જાય. કોણે, કોને અને કેવી
રીતે ‘ઉલ્લુ’ બનાંવે અને ‘એ’ ઉલ્લુ બને પછી પોરસાવાની આ પહેલી તારીખ ઉપર જાણે સિક્કો લાગી ગયો હોય, જે હું વર્ષોથી જોતો આવ્યો છું, ભોગ પણ બન્યો છું. આમ ગંભીરતાથી જોઈએ તો આ પહેલી એપ્રિલ આમ જ બદનામ છે, બીજી તારીખો શું ઓછું જુઠ્ઠું બોલે છે? આજે તો કેમ છો’ કહીએ ત્યારે મળતો પ્રત્યુત્તર ‘મજામાં છું’ એ પણ મને ‘એપ્રિલ-ફૂલ’ ઉત્તર જ લાગે છે.
ખેર, નિજાનંદ માટે આવી ‘ઉલ્લુ’ બનાવવાની અને આનંદ વહેંચવાની બધાને છૂટ આ મહિનાએ આપી છે. ‘એપ્રિલ ફૂલ’ની વાત મૂકી લખાણનો ‘ફૂલ’ આનંદ માણીએ?
એ રાત આખી હિન્દુજા થિયેટરમાં વિતાવી, સવારે સસ્તા પહેરણ પહેરી હું અને રાજેન્દ્ર પોતપોતાને ઘરે પહોંચી ગયા. થાક તો સખત લાગેલો, પણ નાટકનો શુભારંભ હોવાથી થાક વર્તાતો જ નહોતો. જો કે આરામ જરૂરી તો હતો. માથું સહેજ ભારે હતું. મેં પત્ની ભારતીને કહ્યું કે હું એકાદ-બે કલાકનું ઝોંકુ લઈ લઉં.પથારીમાં પડતા જ મારા નસકોરાં ચાલુ થઈ ગયા. અગિયારેક વાગ્યા હશે.
ભારતીએ મને જગાડતા કહ્યું, ‘હવે બહુ નસકોરા બોલાવ્યા.. તૈયાર થઈ જાવ.’ હું ઊભો થઈ ગયો. બાકી નસકોરાં એક એવું સંગીત છે કે જે વગાડવાવાળા સાંભળી ન શકે અને સાંભળવાવાળો સહન ન કરી શકે.કદાચ એ કારણે જ ભારતીએ મને ઢંઢોળ્યો હશે.
નાહી ધોઈને તૈયાર થયો ત્યાં તુષારભાઈનો ફોન આવ્યો, વધામણી આપતા કહ્યું કે,‘બુકિંગ બહુ સારું છે.’ રિહર્સલ અને જી.આર. ની દોડાદોડમાં એ વાત જ ભૂલાય ગઈ હતી, પણ નિર્માતા થોડું ભૂલે?. એ તો કદાચ બુકિંગ ખુલ્યું હશે ત્યારથી રોજ ‘સ્કોર’ પૂછતા હશે. જે હોય તે, પણ સવારમાં એમણે સારા ખબર આપ્યા.
હવે મને માત્ર નાટક જ દેખાતું હતું. મન હવે કહેતું હતું કે જરૂર સફળ થઈશું. હા, વચ્ચે વચ્ચે કિશોર દવેના વિચારે ચડી જતો. આમ તો એ નીવડેલા કલાકાર હતા અને કાંતિ મડિયાનાં માનીતા પણ હતા, પણ ક્યારે કઈ વાત એને અકળાવી મુકે અને આડાફાટે એ કળવું મુશ્કેલ હતું. નાટક જ મારો ધ્યેય અને એ સફળ થાય એવાં હકારાત્મક વિચાર રાખવામાં જ સમજદારી હતી. ગ્રંથ પકડવાથી જે નથી મળતું એ કદાચ મનમાં બંધાયેલી ગ્રંથિ છોડવાથી મળે. જો કે આવું હજાર વાર વિચાર્યું હશે પણ મર્કટ મન ક્યારેક તો આ વાત ખોતરતું રહેતું.
નાટકના શ્રી-ગણેશનો એટલો ઉત્સાહ હતો કે બપોરનું જમવાનું પણ મન ન થયું. ભારતીનું મન મનાવવા થોડું ખાધું.
ભટ્ટસાહેબનો પણ ફોન આવી ગયો.એ પણ પૂરા પરિવાર સાથે તેજપાલ થિયેટર પર સમયસર પહોંચવાના હતા. તુષારભાઈ તો બપોરથી ‘ગલ્લે’ બેસી જવાના હતા. (બુકિંગ ક્લાર્ક પ્રભાકર હવે હયાત નથી ,છેલ્લે જયારે એણે બુકિંગનું કામ છોડ્યું એ પછી એ ચંપારણ ઠાકોરજીની સેવા આપવા ગયેલ. મને બહુ કહેલું ત્યાં આવવા પણ હું નહોતો જઈ શક્યો. હમણા વ્રજલાલ વસાણીના સુપુત્ર દીપક વસાણીના આશીર્વાદથી એ શક્ય બન્યું,)
હું ઘરેથી પાંચેક વાગે નીકળ્યો. ભારતીએ દહીં ખવડાવી શુકન કરાવ્યા અને શુભકામના પણ આપી. પત્ની ભણેલી હોય કે અભણ, જયારે તમે હારી જતા હો ત્યારે એ જ શીખવાડે કે આગળ કેમ વધવું. ભારતી તો ભણેલી છે, મારા પરિવાર સહિત મને પણ ખૂબ સાચવ્યો છે- સાચવે છે.
એની શુભેચ્છા લઇ નીકળ્યો તો ખરો પણ માણસમાં રહેલા બે ‘મન’ વાત કરતા જ રહે છે. એક મન કહેતું હતું, ખોટો ગભરાય છે, નાટકને જરાય વાંધો નહિ ‘આવે’ તો બીજું ‘મન’ નકારાત્મકતા બાજુ ખેંચી જતું અને કહેતું કે, દાદુ, રિવાઈવલ એ રિવાઈવલ જ રહેવાનું. ચાલવાનું જ હોત તો પહેલા કેમ ન ચાલ્યું? વાત તો એ જ છે, તે ક્યાં હાથી-ઘોડાનાં ફેરફારો કર્યા છે!’. મને આ વિચારોથી જાત પ્રત્યે નારાજગી થવા લાગી. એ વિચારો પડતા મૂકી ટ્રેનમાંથી બહાર પસાર થતો નજારો જોવામાં મન પરોવ્યું.
ગ્રાન્ટરોડ આવ્યું. હું તેજપાલ થિયેટર પર પહોંચ્યો. ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા. મને કહે બોલો, ચાલીસ રૂપિયાની ટિકિટ સો માં જોઈએ છે? બાકી નાટક હાઉસફૂલ છે.. બોલો,,’ એ કોઈ બ્લેકવાળો હતો. મતલબ સાફ હતો કે નાટક ખરેખર ‘હાઉસ ‘ફૂલ’ થઇ ગયું હતું. તેજપાલનાં પગથિયા પાસે જ ‘હાઉસ ફૂલ’ નું બોર્ડ હાર ચડાવેલું દેખાયું.
‘હાઉસ ફૂલ’ મેં પહેલીવાર જોયું.ત્યારે ૪૦ રૂપિયાની પહેલી ટિકિટ હતી અને ૧૦ રૂપિયાની છેલ્લી. પેલા ભાઈ મને ૧૦૦ રૂપિયામા આપી ‘બ્લેક’ કરી રહ્યો હતો. ‘બ્લેક’ કરવું એ સારું તો નથી જ નથી, પણ સમય, સમયને સાચવવા માણસ આવું કરતો હશે? હું તો કહું છું કે મર્યાદા રાખજો- પૈસાની કમી હોય તો ખર્ચામાં અને જ્ઞાનની કમી હોય તો ચર્ચામાં!
ખેર, બુકિંગ ઉપર મારું હરખ સાથે સ્વાગત કરવા તુષારભાઈ, એમનો સાળો તથા એમના પત્ની મીનાભાભી તો સાથે નિહારિકાબેન અને ભાવના ભટ્ટ તૈયાર જ હતાં. ભારતી નાના બે દીકરાને લઇ પહોંચવાની હતી. મેં જઈ ભટ્ટ સાહેબને પાયલગણ કર્યા.
હું હજી દ્વિધામાં હતો કે નાટક ફરી રજૂ તો કરીએ છીએ પણ… મારા મનનો આ વિચાર કદાચ ભટ્ટ સાહેબ સમજી ગયા કે પછી કોને ખબર, મને કહે કે. ‘વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો, જિંદગીમાં પાછું વળીને જોવાનો સમય નહીં આવે.’ મારા મોઢા પર એક મલકાટ આવી ગયો. હું કઈ ન કહી શક્યો.
ભારતી પણ આવી ગઈ. જેમ-જેમ નાટકની રજૂઆતની ઘંટડીઓ વાગતી ગઈ એમ મારા મનમાં પણ ‘હીટ’ કે ‘ફ્લોપ’ ની ઘંટડીઓ વાગવા માંડી. રંગદેવતાની પૂજા કરી, પ્રથમ શો અને પાછો હાઉસ ફૂલ, એ બેવડા હરખના પેંડા ખાઈ બધાએ મોઢું મીઠું કર્યું. શુભેચ્છાના આદાન-પ્રદાન થયા અને નાટકની ત્રીજી ઘંટડી વાગી. ‘આંગીકમ’ વાગવા માંડ્યું. અને એ પછી પ્રારંભિક સંગીત સાથે ‘વાત મધરાત પછીની’ નામક નવા નામે તૈયાર થયેલ નાટકનો પડદો ઉઘડ્યો.
પહેલા અંકના પહેલા સીનમા હું, રાજેશ મહેતા અને કિશોર દવે સાથે નાટક શરૂ થયું. પત્નીનો રોલ કરતા કુમુદ બોલે એમની મા ને મળવા પૂના ગયા છે. મને કંપનીમાં મોટો ઓર્ડર મળ્યો છે. કોઈ રોક ટોક નથી એનો લાભ લઇ એટલે અમે બે પાર્ટનર અને પાડોશી દેસાઈ (રાજેશ મહેતા) સાથે ઘરમાં જ ડ્રીંક પાર્ટી ગોઠવી.
હાસ્યની શરૂઆત થઇ ગઈ. ‘હાઉસ ફૂલ’ શોનો હાસ્યનો એ ખડખડાટ અને તાળીઓનો ગડગડાટ પણ પુરજોશમાં શરૂ થયો.
જયંત ગાંધીના ટુચકાઓએ જાણે સોનામાં સુગંધ ભેળવી દીધી. પ્રથમ અંક પૂરો થતા જ બેકસ્ટેજમાં શુભચિંતકોનું જાણે ધાડું ધસી આવ્યું.
‘છાનું છમકલું’ અને વાત મધરાત પછીની’ બંનેના પ્રતિસાદમાં આટલો ફરક?
ભટ્ટ સાહેબ કાનમાં કહી ગયા. ‘હોશિયાર માણસથી ભૂલ થાય પણ ભૂલોથી માણસ હોશિયાર પણ બને’
એમ કહી ચાલો બીજો અંક શરુ કરીએ’…
લોકો તો બોલશે બોલવા દો,
પ્રેમના બીજને રોપવા દો,
તાળું, લોકર, તિજોરી નથી તો’યે,
ચોરવું છે દિલ ચોરવા દો. ………….
(-અંકિતા મારુ)
પત્ની:(રોમેન્ટિક મૂડમાં): હું આજથી સંકલ્પ લઉં છું કે તમે પાણી માગશો તો દૂધ આપીશ, તમે દૂધ
માગશો તો હું ખીર આપીશ, તમે રોટલી માગશો તો હું તમને પરોઠા
આપીશ,
પતિ: સીધેસીધું કહી દે ને કે તમે જે માંગશો એ ક્યારેય નહિ આપું.