ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં વિશ્ર્વ બજાર પાછળ ધાતુમાં ઉછાળા
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એકમાત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓના ભાવમાં કિલોદીઠ રૂ. પાંચથી ૬૫ સુધીના ઉછાળા જોવા મળ્યા હતા. જોકે, આજે અચાનક ભાવમાં મોટો ઉછાળો આવ્યો હોવાથી સ્ટોકિસ્ટોની લેવાલી જળવાઈ રહી હતી, પરંતુ વપરાશકાર ઉદ્યોગની માગ ખપપૂરતી રહી હતી. આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન, નિકલ અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૬૫ના ઉછાળા સાથે રૂ. ૨૬૧૫, રૂ. ૩૩ના ઉછાળા સાથે રૂ. ૧૪૭૮ અને રૂ. ૩૦ વધીને રૂ. ૮૩૫ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ટીન અને નિકલની આગેવાની હેઠળ અન્ય ધાતુઓના ભાવમાં ચમકારો જોવા મળ્યો હતો. તેમાં ખાસ કરીને કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૬ વધીને રૂ. ૭૮૦, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૧૩ વધીને રૂ. ૭૭૦, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૧૨ વધીને રૂ. ૭૫૭, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. નવ વધીને રૂ. ૨૩૦, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને અનુક્રમે રૂ. ૫૦૮ અને રૂ. ૨૨૫ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ તથા લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૭૦૫, રૂ. ૫૪૦ અને રૂ. ૧૯૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ વપરાશકાર ઉદ્યોગની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૭૫ના મથાળે ટકેલા રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.