ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનું બાઉન્સબૅક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ગઈકાલે અમેરિકાનાં માર્ચ મહિનાના સર્વિસીસ પીએમઆઈ આંકમાં ઘટાડો અને ભારતનાં સર્વિસીસ પીએમઆઈ આંકમાં વધારો થયો હોવાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ, વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવઘટાડો તથા ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ૧૧ પૈસાના બાઉન્સબૅક સાથે ૮૩.૪૨ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૫૩ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૪૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૬ અને ઉપરમાં ૮૩.૪૨ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૧ પૈસાના સુધારા સાથે સત્રની ઊંચી ૮૩.૪૨ની સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાન આજે સ્થાનિક ફોરેક્સ માર્કેેટમાં આવતીકાલે સમાપન થઈ રહેલી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસી કમિટીની બેઠક પૂર્વે સાવચેતીના અભિગમ વચ્ચે ખાસ કરીને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૬ ટકા ઘટીને ૧૦૪.૦૮ આસપાસ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૧૩ ટકા ઘટીને બેરલદીઠ ૮૯.૨૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૫૦.૮૧ પૉઈન્ટનો અને ૮૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.