વાશી એપીએમસીની ઉપયોગિતા નજીકના સમયમાં જ પૂરી થશે
જેએનપીટી નજીક આંતરરાષ્ટ્રીય દરજ્જાની માર્કેટ બનાવવાની સમિતિની ભલામણ
મુંબઈ: એપીએમસીની ઉપયોગિતા નજીકના સમયમાં જ પૂરી થવાની શક્યતા છે. શહેરના ભૌગોલિક સ્થાન અને વેપારી મહત્ત્વને ધ્યાનમાં લઇને જવાહરલાલ નેહરુ પોર્ટ વિસ્તાર (જેએનપીટી)માં આંતરરાષ્ટ્રીય દરજ્જાની પાયાભૂત સુવિધા ધરાવતી એપીએમસી વિકસિત કરવાની ભલામણ રાજ્ય સરકારને સ્થાપવામાં આવેલા અભ્યાસુ જૂથે કરી છે.
બજાર સમિતિની પરિસ્થિતિ અને તેનો ખેડૂતોને કેટલો લાભ થાય છે એ અંગે અભ્યાસ કરીને ઉપાયયોજના સૂચવવા માટે સરકારે ભૂતપૂર્વ કૃષિ કમિશનર ઉમાકાંત દાંગટની અધ્યક્ષતા હેઠળ અભ્યાસુ જૂથની સ્થાપના કરી હતી. માર્કેટિંગ ડિરેક્ટર કેદારી જાધવ, જોઈન્ટ સેક્રેટરી સુગ્રીવ ધપાટે સહિતના અનેક લોકો સમિતિમાં સભ્ય હતા. સમિતિએ હાલમાં જ પોતાનો અહેવાલ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને રજૂ કર્યો હોઇ એમાં વૈશ્વિક દરજ્જાની એપીએમસી જેએનપીટી નજીક વિકસિત કરવાની ભલામણ કરી છે. મુંબઈ એપીએમસીનું કામકાજ 1990-91 સુધી ભાયખલા, દાણાબંદર, રે રોડ વગેરે ઠેકાણે ચાલતું હતું. જગ્યાની ઊણપ અને ટ્રાફિકમાં થતી મુશ્કેલીનો વિચાર કરીને તમામ માર્કેટને વાશી ખાતે સિડકોની જગ્યામાં સ્થળાંતર કરવામાં આવી હતી. આ માર્કેટમાં રાજ્ય તેમ જ અન્ય રાજ્ય અને વિદેશના માલની આવક થાય છે. ખાસ વાત તો એ છે કે સમિતિનું કાર્યક્ષેત્ર મુંબઈ, નવી મુંબઈ અને ઉરણ તાલુકાનાં અમુક ગામોમાં વસતિ વધવાને કારણે અહીં કોઇ પણ ખેતીનો માલ આવતો નથી. અમુક પ્રમાણમાં ફળો, શાકભાજી અને કાંદાની આવક ખેડૂતો દ્વારા થતી હોઇ બાકીનો 70થી 75 ટકા માલ વેપારી વર્ગ પાસેથી મોકલવામાં આવતો હોય છે. બજાર સમિતિમાં આ તમામ પ્રકારની ખેતીપેદાશ માર્કેટિંગ થયા બાદ એ માલ મુંબઈ અને અન્ય ઠેકાણે વેચવા માટે જતો હોય છે. મુંબઈ બજાર સમિતિનું કામકાજ અન્ય બજાર સમિતિ કરતાં જુદું, વેપારીથી વેપારી એવું છે. આને કારણે આ બજાર સમિતિની ઉપયોગિતા હવે પૂરી થઇ ગઇ હોઇ વાશી ખાતેની જગ્યા અપૂરતી થવા લાગી છે.
દરમિયાન વાશીમાં બજાર સમિતિ વિસ્તારમાં વસતિ વધી ગઇ હોવાથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધી ગઇ છે. આનાથી ઊલટું જેએનપીટી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાની માર્કેટ વિકસાવવામાં આવે તો અટલ સેતુ પરથી મુંબઈમાં ગણતરીના કલાકોમાં ખેતીપેદાશ પહોંચાડી શકાશે. આ ઉપરાંત ખેતપેદાશની નિકાસને પણ ફાયદો થશે, એવું અભ્યાસ જૂથના અધ્યક્ષ ઉમાકાંત દાંગટે સરકારને જણાવ્યું હતું.