શિંદે દ્વારા નવા ઉમેદવારો પર પસંદગીનો કળશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાયુતિમાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની યાદીમાંથી અનેક સીટીંગ સાંસદોના નામો ગાયબ હતા. એ જ રીતે મહાયુતિના ઘટક પક્ષ એકનાથ શિંદેની શિવસેનામાં પણ સીટીંગ સાંસદોની બાદબાકીનો સિલસિલો ચાલી જ રહ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાએ જાહેર કરેલી યાદીમાંથી પણ બે સીટીંગ સાંસદોના નામોની બાદબાકી થયેલી છે. શિંદે દ્વારા યવતમાળ અને હિંગોળી આ બે લોકસભા બેઠક ઉપર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે અને બંને બેઠકોના સીટીંગ સાંસદોને આ ચૂંટણીમાં મોકો આપવામાં આવ્યો નથી. હજી બુધવારે જ એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે પોતાની ટિકિટ બચાવવા માટે શિંદે જૂથના સાંસદોનો મેળાવડો લાગ્યો હોવાના અહેવાલ મળ્યા હતા.
ALSO READ : ફોટા પાડવા કરતાં ખેતી કરવી સારી: શિંદેએ કોના પર તાક્યું નિશાન
ચવતમાળ-વાશીમ બેઠક માટે શિંદે દ્વારા હિંગોળીના સીટીંગ સાંસદ હેમંત પાટીલના પત્ની રાજશ્રી પાટીલ ઉપર પસંદગી ઉતારી છે. આ બેઠક ઉપર હાલ શિંદે જૂથના ભાવના ગવળી સાંસદ છે.
જ્યારે હિંગોળી બેઠક ઉપર સાંસદ હેમંત પાટીલના બદલે બાબુરાવ કદમ કોલ્હીકરને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ બેઠક ઉપરથી હાલ શિંદે જૂથના હેમંત પાટીલ સાંસદ છે.