કેજરીવાલ જેલમાં છે તો પાર્ટી માટે શું કરશો? જાણો સંજય સિંહનો જવાબ

નવી દિલ્હીઃ તિહાર જેલમાંથી છૂટ્યાના એક દિવસ પછી આપ સાંસદ સંજય સિંહે તેમની પત્ની સાથે નવી દિલ્હીના કનોટ પ્લેસના હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલ પણ જેલમાં છે ત્યારે તેમની જગ્યા કોણ લેશે, પાર્ટીને કોણ માર્ગદર્શન આપશે વગેરે મુદ્દે અલગ અલગ અટકળો કરવામાં આવી રહી છે, ત્યારે આ મુદ્દે સંજય સિંહની પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે જે કોઈ પણ અરવિંદ કેજરીવાલનો નિર્દેશ હશે તેનું પાલન કરવામાં આવશે.
નોંધનીય છે કે આપ સાંસદને સુપ્રીમ કોર્ટે હવે રદ્દ કરાયેલી દારૂ નીતિ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા. આમ આદમી પાર્ટી (આપ) રાજ્યસભાના સાંસદ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટની મુલાકાત લેશે અને બાદમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને જેલમાં બંધ આપ નેતા સત્યેન્દ્ર જૈનના પરિવારોને મળશે.
આપણ વાંચો: AAP નેતા સંજય સિંહનો અંતે તિહાર જેલમાંથી થયો છુટકારો, 6 મહિના બાદ મળ્યા જામીન
બુધવારે તિહારમાંથી મુક્ત થયા બાદ સિંહ અને તેમની પત્ની અનિતા સુનિતા કેજરીવાલને તેમના ઘરે મળ્યા હતા. તેમણે મંદિરમાં પ્રાર્થના કર્યા પછી કહ્યું હતું કે ભગવાન હનુમાનજીની કૃપાથી મને જામીન મળી ગયા. હું મારી પત્ની સાથે અહીં હનુમાનજીને પ્રણામ કરવા આવ્યો છું.
મેં અન્ય આપ નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન માટે જેલમાંથી જલ્દી બહાર આવવા માટે પ્રાર્થના કરી છે. સિંહ ૧૩ ઓક્ટોબર, ૨૦૨૩થી અહીંની ઉચ્ચ સુરક્ષાવાળી તિહાર જેલમાં બંધ હતા.
આપના કાર્યકરોમાં ગઇકાલ રાતનો ઉત્સાહ દર્શાવે છે કે વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે અન્યાય અને અત્યાચારની તમામ સીમાઓ ઓળંગાઇ ગઇ છે અને એક સરમુખત્યારશાહી સરકારે એવા મુખ્ય પ્રધાનને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે જે દિલ્હીના બે કરોડ રહેવાસીઓ દ્વારા ચૂંટાયા હતા. તમામ આપ મંત્રીઓ, વિધાનસભ્યો અને નેતાઓ તેમના નેતા અરવિંદ કેજરીવાલ સાથે ઊભા છે.