વાયનાડમાં રાહુલ ગાંધીના રોડ શોમાં મુસ્લિમ લીગના ઝંડા થયા ગાયબ, ડાબેરીઓ અને ભાજપે કર્યા કોંગ્રેસ પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2019માં સમગ્ર દેશમાં જોવા મળેલું ‘ ફ્લેગ પોલિટિક્સ’ વાયનાડમાં ફરી પાછું ફર્યું છે. કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી ફરી એક વખત વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. બુધવારે તેમણે વાયનાડમાં એક રેલી યોજી હતી જો કે તેમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના ઝંડા ગાયબ હતા, જેના કારણે ડાબેરી અને જમણેરી બંને કોંગ્રેસને નિશાન બનાવી રહ્યા છે.
કેરળમાં સત્તારૂઢ IUMLએ કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF ગઠબંધનનો મુખ્ય ભાગ છે. ઉલ્લેખનિય છે કે IUMLના ધ્વજને પાકિસ્તાની ધ્વજ તરીકે રજૂ કર્યા પછી 2019 માં મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે રાહુલ ગાંધીના સમર્થનમાં નારા લગાવતા લોકોની તસવીરો અને વીડિયો શેર કર્યા અને આરોપ લગાવ્યો કે તેમની પાસે પાકિસ્તાની ઝંડા છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ અમરાવતીમાંથી નવનીત રાણાએ ભર્યું ઉમેદવારીપત્ર
ઉમેદવારી પત્ર ભર્યા બાદ વાયનાડમાં રાહુલ ગાંધીના રોડ શો દરમિયાન કોંગ્રેસ અને તેના સહયોગી IUMLના ઝંડા જોવા મળ્યો નહોતા. વર્ષ 2019ના અનુભવના આધારે, કોંગ્રેસ IUMLનો ઝંડો બતાવી શકે એવી પરિસ્થિતિમાં નહોતી. જો કે આ અંગે સવાલો ઉઠાવી શકાયા હોત પરંતુ રોડ શોમાં કોંગ્રેસના ઝંડા પણ જોવા મળ્યા ન હતા. રાજકીય પક્ષોને બદલે રાહુલ ગાંધીનો રોડ શો રાષ્ટ્ર ધ્વજ અને ત્રિરંગાના ફુગ્ગાઓથી છવાઈ ગયો હતો.
IUMLનાં ઝંડા મુદ્દે હવે ડાબેરીઓ અને ભાજપના નેતાઓ કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસની ટીકા કરતા, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને ગુરુવારે કહ્યું કે તેમની પાસે જાહેરમાં પક્ષના ઝંડા પ્રદર્શિત કરવાની ‘હિંમત’નો અભાવ છે. વિજયને કહ્યું કે કોંગ્રેસ એવા સ્તરે આવી ગઈ છે કે તે સાંપ્રદાયિક શક્તિઓથી ડરે છે. તેમણે કહ્યું કે ધ્વજ મુદ્દે કોંગ્રેસનું સ્ટેન્ડ દર્શાવે છે કે તે IUMLના વોટ ઇચ્છે છે પરંતુ તેમનો ધ્વજ સ્વીકારશે નહીં.
જ્યારે ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની રેલીમાં મુસ્લિમ લીગના ઝંડાઓ છુપાયેલા હતા. આ દર્શાવે છે કે ક્યાં તો રાહુલ ગાંધી મુસ્લિમ લીગનું સમર્થન મેળવવામાં શરમ અનુભવે છે અથવા તેઓ ઉત્તર ભારતના મંદિરોની મુલાકાત લે ત્યારે મુસ્લિમ લીગ સાથેના તેમના જોડાણને છુપાવી શકશે નહીં.