એકસ્ટ્રા અફેર

ભાજપ રાજકોટમાં રૂપાલાને બદલે એ વાતમાં માલ નથી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ છે પણ કૉંગ્રેસ સાવ ડચકાં ખાઈ રહી છે તેથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાવ ફિક્કી રહેશે એવું લાગતું હતું પણ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદને
એવી ગરમી લાવી દીધી છે કે, ગુજરાતના રાજકારણમાં પહેલાં કદી ના જોવા મળ્યો હોય એવો જબરદસ્ત ઉકળાટ જોવા મળી રહ્યો છે.

રૂપાલાને ભાજપે રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે પણ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ઉકળેલો ક્ષત્રિય સમાજ રૂપાલાને બદલીને બીજા કોઈને ઉમેદવાર બનાવવાની જીદ પર આવી ગયો છે. ક્ષત્રિય સમાજ એ હદે વટે ચડ્યો છે કે કાં અમે નહીં કાં રૂપાલા નહીં એ વાત પર આવી ગયો છે તેમાં ભાજપના નેતા ઘાંઘા થઈને દોડતા થઈ ગયા છે.

ગુજરાતના રાજકારણમાં અચાનક પેદા થયેલા ઉકળાટની વાત કરતાં પહેલાં રૂપાલાએ શું કહ્યું એ પણ જાણી લઈએ. રાજકોટ બેઠકના ઉમેદવાર તરીકે રૂપાલા ઠેર ઠેર સભાઓ કરે છે. આવી જ એક સભામાં રૂપાલાએ કહેલું કે, બ્રિટિશ શાસન દરમિયાન રાજા-મહારાજાઓએ પણ માથું ઝુકાવીને તેમની સાથે રોટી-બેટીના સંબંધ બાંધ્યા હતા, પણ દલિત સમાજમાંથી આવતા રૂખી સમાજે માથુ નમાવ્યું ન હતું. હું તેના માટે તેમને સલામ કરું છું અને તે જ કારણ છે કે સનાતન ધર્મને જીવંત રાખ્યો હતો. જય ભીમ.

રૂપાલાનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું તેમાં ભડકો થઈ ગયો. રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજના લોકો મેદાનમાં આવી ગયા. સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજની વસતી મોટી છે તેથી સૌરાષ્ટ્રમાં રૂપાલાના નિવેદન સામે સૌથી ઉગ્ર વિરોધ શરૂ થયો ને પછી આ વિરોધ આખા ગુજરાતમાં ફેલાયો. સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમદાવાદ, સુરત એમ ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકોએ સંમેલનો કર્યો ને રૂપાલા નિવેદન સામે વિરોધ નોંધાવીને જોરદાર દેખાવો પણ કર્યા. રૂપાલાના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું.

વિવાદમાં કરણી સેના પણ કૂદી પડી ને તેણે રૂપાલાના રાજકોટમાંથી કાઢો તેનો ઝંડો ઉઠાવી દીધો તેમાં આખી વાતને નવો વળાંક વળી ગયો.

રાજસ્થાનમાં ભાજપ સાથે જોડાયેલા અને ગુજરાતમાં જેલવાસ ભોગલી ચૂકેલા ક્ષત્રિય સમાજના નેતા રાજ શેખાવતે તકનો લાભ લઈને વીડિયો જાહેર કરીને એલાન કરી દીધું કે, પોતે ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપે છે કેમ કે ભાજપે પુરુષોત્તમ રૂપાલા સામે કોઈ કાર્યવાહી કરી નથી. રાજ શેખાવત ભાજપમાં ક્યા હોદ્દા પર હતા તેથી કોઈને ખબર નથી પણ તેમના વીડિયો પછી ગુજરાત બહાર પણ ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે વિરોધ શરૂ કરી દીધો તેમાં વિરોધ વધી ગયો.

આ હોહા પછી રૂપાલાને અહેસાસ થયો કે, ભાંગરો વટાઈ ગયો છે એટલે પુરુષોત્તમ રૂપાલાએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, તેઓ પોતાનું નિવેદન પાછું ખેંચે છે. ક્ષત્રિય સમાજ કે કોઈ રાજવી પરિવારનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નથી અને માત્ર અન્ય ધર્મના લોકો દ્વારા દલિતો પર કરેલા અત્યાચારો વિશે જણાવવા માંગતા હતા.

રૂપાલાની માફી પછી પણ હોહા ચાલુ રહી તેથી રૂપાલા ક્ષત્રિયોને સમજાવવા લીમડીના ડોન ને ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાને લઈ આવ્યા. જાડેજા કોઈ પણ સમસ્યાનો ઉકેલ પોતાની રીતે લાવવામાં માને છે ને આ મામલે તેમણે એ જ કર્યું તેમાં રૂપાલાનો કેસ વધારે બગડી ગયો. જયરાજસિંહે રાજકોટમાં મિટિંગ બોલાવીને આખો ક્ષત્રિય સમાજ પોતે કહેશે એમ જ કરશે એમ માનીને કહી દીધું કે, હવે આ વિવાદ અહીં પૂરો થયો છે ને રૂપાલાએ માફી માગી લીધી છે તેથી કોઈએ કશું કરવાનું રહેતું નથી.

જયરાજસિંહે લુખ્ખી દાટી આપીને પાછું એવું કહ્યું કે, હજુય જેને વાંધો હોય એ મને કહે, એ કહેશે એ સમયે ને એ જગાએ આવીને હું તેને સમજાવી દઈશ.

જયરાજસિંહની દાટી પછી ક્ષત્રિય સમાજની બહેનો પણ મેદાનમાં આવી ગઈ ને જયરાજસિંહના નામનાં પોસ્ટર લાગ્યાં તેમાં જયરાજસિંહ તો છૂ થઈ ગયા પણ રૂપાલાની વાટ લાગી ગઈ છે. વાતને વાળવા રૂપાલાએ ત્રણ વાર માફી માગી, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પણ માફી માગી પણ ક્ષત્રિય સમાજ કોઈ સંજોગોમાં રૂપાલાને માફ કરવા તૈયાર નથી. ભાજપે વખારમાં નાંખી દીધેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ને પ્રદીપસિંહ વાઘેલા જેવા નેતાઓને પણ ક્ષત્રિય સમાજને સમજાવવા દોડાવ્યા પણ ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી. રૂપાલાને બદલો કાં ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ખુલ્લી ધમકી ક્ષત્રિય સમાજે આપી દીધી છે.

ભાજપ હવે શું કરશે તેના પર સૌની નજર છે પણ ભાજપ રૂપાલાને બેસાડીને બીજા કોઈને રાજકોટમાંથી ઉમેદવાર બનાવે એવી શક્યતા ઓછી છે. ભાજપ રૂપાલાની હારનું જોખમ લેશે પણ ઉમેદવાર નહીં બદલે કેમ કે ભાજપને ડોશી મરી જાય તેનો ભો નથી પણ ઘર જમ ભાળી જાય તેનો ભો છે. ભાજપ કોઈ સમાજના દબાણ સામે ઝૂકીને નિર્ણય લે તો તેના કારણે ખોટી પરંપરા સ્થાપિત થઈ જાય. કાલે બીજા સમાજ પણ આ રીતે દબાણ લાવીને ધાર્યું કરાવતા થઈ જાય.

ભાજપ એટલે પણ રૂપાલાને નહીં બદલે કે, આ મુદ્દો ભાજપના આંતરિક રાજકારણ સાથે જોડાયેલો છે. રૂપાલા રાજકોટના નથી પણ અમરેલીના છે તેના કારણે રૂપાલાને પોતાના માથે થોપી મરાયા એ વાતનો રાજકોટ ભાજપમાં અસંતોષ છે જ.

રાજકોટમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતના દિગ્ગજ નેતા બહારના ઉમેદવાની પસંદગીથી નારાજ હોવાની વાત છે. રૂપાલા પાટીદાર છે અને સૌરાષ્ટ્રમાં પાટીદાર વર્સીસ ક્ષત્રિયની લડાઈ બહુ જાણીતી છે. રૂપાલાએ બફાટ કરીને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન ફટકારી દીધું તેમાં તેમને તક મળી ગઈ છે. હવે રૂપાલાને બદલાય તો એ લોકો મૂછ પર તાવ દેતા થઈ જાય.

આ સંજોગોમાં ભાજપ ઉમેદવાર ના બદલે ને ક્ષત્રિય સમાજે પોતાની તાકાત પુરવાર કરવાની રહે. ક્ષત્રિય સમાજ રૂપાલાને હરાવી શકે તો તેનો વટ રહે, બાકી આ બધા હાકલાપડકારા કે ચીમકીઓનો કોઈ અર્થ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button