હેમા માલિનીએ મથુરાથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી, લોકોને આપ્યું આ વચન
મથુરા: ભાજપનાં સાંસદ હેમા માલિનીએ ગુરુવારે મથુરા લોકસભા સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ૨૦૧૪ અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં મથુરાથી સાંસદ તરીકે ચૂંટાયેલા હેમાને સતત ત્રીજી વખત આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
હેમા માલિની દ્વારા ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન રાજ્યના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ પણ હાજર હતા. પત્રકારો સાથે વાત કરતા હેમા માલિનીએ કહ્યું હતું કે હું જનતાને કહીશ કે હું અહીં વધુ વિકાસ માટે ત્રીજી વખત આવી છું અને બાકી રહેલા તમામ કામ પૂર્ણ કરીશ. દરેકના સહયોગથી અહીં વિકાસ થશે. તેમણે કહ્યું હતું કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં મથુરામાં યમુના નદીની સફાઈનું કામ પૂર્ણ કરવાની સાથે ૮૪ કોસી પરિક્રમા માર્ગનું નિર્માણ અને રેલવે ટ્રેક મુખ્ય મુદ્દા હશે.
આપણ વાંચો: Esha Deol Divorce: ધર્મેન્દ્ર-હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલ અને ભરત તખ્તાનીના તૂટ્યા લગ્ન
છેલ્લા ૧૦ વર્ષમાં નદીની સફાઈ કેમ ન થઈ શકી તે અંગે પૂછવામાં આવતા માલિનીએ કહ્યું હતું કે આ એટલું સરળ નથી. ૫૦ વર્ષમાં પણ કોઈએ કર્યું નથી. ૧૦ વર્ષમાં કરવું મુશ્કેલ છે. બીજા ૫૦ વર્ષ આ માટે જરૂરી છે. તેમ છતાં, અમે તે કરી રહ્યા છીએ. મોદીજી ત્યાં છે, યોગીજી છે, આપણે બધા સાથે મળીને તે કામ ઝડપથી કરીશું.
લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં મથુરામાં ૨૬ એપ્રિલે મતદાન થશે. આ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૪ એપ્રિલ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પાંચમી એપ્રિલના થશે, જ્યારે ૮ એપ્રિલ સુધી નામો પરત ખેંચી શકાશે.