આપણું ગુજરાત

રૂપાલાના સમર્થનમાં આવ્યા પાટીદારો, રાજકોટમાં 200 પોસ્ટર લાગ્યાં, ક્ષત્રિય નેતાએ કરી આ અપીલ

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે. રૂપાલાએ વિવાદ બાદ ક્ષત્રિય સમાજની બે – બે વખત માફી માંગી લીધી હોવા છતાં પણ ક્ષત્રિય સમાજે નમતુ જોખવા તૈયાર નથી. રૂપાલા સામે રાજપૂત સમાજ એકજુથ થઈને વિરોધ પ્રદર્શનો અને ધરણા કરી રહ્યા છે, ત્યારે હવે પાટીદારો રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. રાજકોટમાં પાટીદારોએ ઠેર-ઠેર રૂપાલાનું સમર્થન કરતા પોસ્ટરો લગાવ્યા હતા.

મળતી માહિતી મુજબ રાજકોટમાં આજે કડવા-લેઉવા પાટીદારોની ચિંતન બેઠક યોજવામાં આવી રહી છે. જેમાં પાટીદાર સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્‍યુ છે. આ બેઠકમાં ક્ષત્રિયોની માંગ પણ હવે કેવી રણનીતિ બનાવવી એ અંગે નિર્ણય લેવાશે. જો કે આ બેઠક કયા બેનર હેઠળ યોજાઇ રહી છે, ક્‍યાં યોજાઇ રહી છે, કયા મોટા માથા હાજર રહેશે તે વિગતો ગુપ્‍ત રાખવામાં આવી છે. દરમિયાન સૌરાષ્‍ટ્ર એસપીજીએ પણ રૂપાલાને ટેકો જાહેર કર્યો છે.

રાજકોટ યુથ ક્લબના અધ્યક્ષ જીગ્નેશ કાલાવડિયાએ જણાવ્યું હતું કે, યુથ ક્લબના નેજા હેઠળ અંબિકા ટાઉનશિપમાં 200થી વધુ સોસાયટી અને ફ્લેટ ઓનર્સ એસોસિએશનની બેઠક મળી હતી અને તેમાં આ વિસ્તારના લોકોના વિકાસ માટે પુરુષોત્તમ રૂપાલાને સમર્થન આપવું તેવું સર્વાનુમતે નક્કી થયું હતું. રાજકોટ યુથ ક્લબ તમામ સમાજના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં 200થી વધુ રૂપાલાના સમર્થનમાં હોર્ડીગ્સ લાગ્યા છે. આગામી સમયમાં અહીં 10,000થી વધુ લોકોની સભાનું આયોજન કરવામા આવશે.

ALSO READ: રૂપાલાએ રાજકોટને કરવા પડશે રામ રામ? ક્ષત્રિયોનો સમાધાન માટે સાફ ઈનકાર

સૌરાષ્‍ટ્રના SPG અધ્‍યક્ષ કલ્‍પેશ રાંકે સોશિયલ મીડિયામાં પોસ્‍ટ કરીને પરસોત્તમ રૂપાલાને સમર્થન આપ્‍યું છે. પુરૂષોત્તમ રૂપાલા માફી માંગી છતાં વિરોધ કરતા SPG રૂપાલના સમર્થનમાં આવ્‍યું છે. તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ દ્વારા હવે પરસોતમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ. ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. પુરૂષોત્તમ રૂપાલાને તમામ રીતે સહયોગ આપી SPG મદદ કરશે. ટીકીટ રદ ન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે, ક્ષત્રિય સમાજના આગેવાન અને પાટીદાર વચ્‍ચેની ઓડિયો બાબતે પોલીસમાં અરજી કરાશે.

પાટીદાર સમાજ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આગળ આવ્‍યો છે. રૂપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં કડવા પાટીદારોએ મેસેજ શરૂ કર્યાં છે. સોશિયલ મીડિયામાં રૂપાલાને સમર્થન આપવામાં આવી રહ્યું છે. જેમાં રૂપાલાના સમર્થકોએ #Rupala4Rajkotથી વીડિયો અપલોડ કરાયા છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્‍યારે સોશિયલ મીડિયામાં રૂપાલા માટે હકારાત્‍મક વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ શરૂ થયો છે.

ALSO READ : રૂપાલા મામલે સાપે છછુંદર ગળ્યા જેવો ઘાટ

ભાજપના મહિલા મોરચાના નેતા અને કડવા પાટીદાર અગ્રણી જ્‍યોતિ ટીલવાએ સોશિયલ મીડિયામાં પોસ્‍ટ લખી છે. પોસ્‍ટમાં લખ્‍યું, બે બે વાર માફી માંગ્‍યા પછી પણ આટલું ઇસ્‍યૂ કરે તે વ્‍યાજબી ના કેહવાય. ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપીએ. તો જ્‍યોતિ ટીલવાની પોસ્‍ટ પર અન્‍ય પાટીદાર યુવકોએ રૂપાલાની તરફેણ કરતી કૉમેન્‍ટ્‍સ લખી છે. આમ, રાજકોટમાં રૂપાલાને પાટીદારોનું સમર્થન મળી રહ્યું છે.

આ દરમિયાન રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીના સભ્ય અને આગેવાન રમજુભા જાડેજાએ કહ્યું કે પાટીદાર સમાજ મિટિંગ ન કરે તો સારું. અમને આગેવાનોના ફોન આવ્યા હતા અને અમે તેમને વિનંતી કરી છે કે, તેઓ આ બાબતને સમાજની રીતે ન જુએ. આ સમાજનો કોઈ મુદ્દો નથી, વ્યક્તિગત મુદ્દો છે. પાટીદાર સમાજના આગેવાનો આ બાબતને સમજે. સમાજ સમાજ વચ્ચેની કોઈ વાત જ નથી. આ વ્યક્તિગત મુદ્દો છે અને અમે બધી જગ્યાએ જાહેરમાં કહ્યું છે. પાટીદાર સમાજને અમે વિનંતી કરીએ છીએ કે, આ મુદ્દે બિનજરૂરી વાતાવરણ ઊભું ન કરવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button