થાણેમાં બિનવારસ બોટમાંથી મળી આવ્યા વિસ્ફ્ટકો, પ્રશાસન દોડતું
મુંબઈઃ થાણે સ્થિત ઉલ્હાસ નદીમાં ચાલી રહેલી ગતિવિધિઓ મુદ્દે તપાસ કરતા આજે નદીમાંની બિનવારસ બોટમાંથી વિસ્ફોટક સામગ્રીનો જથ્થો મળ્યા પછી પ્રશાસન દોડતું થઈ ગયું હતું. ઉલ્હાસ નદી પર થાણે કલેક્ટર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં બિનવારસ એક બોટમાંથી 17 ડિટોનેટર અને 16 જિલેટિનની સ્ટીક જપ્ત કરવામાં આવ્યા હતા, એમ સત્તાવાર જણાવાયું હતું.
ઉલ્હાસ નદી ઉપરાંત મુંબ્રા રેતીબંદરમાં પણ શોધખોળ હાથ ધરી હતી. આ જપ્ત કરાયેલા ડિટોનેટર અને જિલેટિનની વધુ તપાસ માટે કલવા પોલીસ સ્ટેશન અને બીડીડીએસ (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ)ને સોંપવામાં આવ્યા છે.
આજે મહેસૂલ વિભાગની એક ટીમ ગેરકાયદે રેતીના ખોદકામને પકડવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ક્રૂ વિનાની બે બિનવારસ બોટ મળી આવી હતી. આ બંને બોટમાં વધુ તપાસ વખતે 16 જિલેટિનની સ્ટીક અને 17 ડિટોનેટર – વિસ્ફોટકોમાં વપરાતી સામગ્રી પણ આ બોટમાંથી મળી આવી હતી.
થાણેની કલવા પોલીસ બોટના માલિક કોણ હતા તેની તપાસ કરી રહી છે. આવા વિસ્ફોટકોનો ઉપયોગ સામાન્ય રીતે ખાણકામ અને માછીમારી માટે કરવામાં આવતા હોય છે. જોકે એનો ઉપયોગ ગેરકાયદે છે, એમ પોલીસે જણાવ્યું હતું.