લોકસભા ચૂંટણી પહેલા 11 રાજ્યોમાં પુરૂષો કરતાં મહિલા મતદારો વધુ, ચોંકાવનારો અહેવાલ
નવી દિલ્હીઃ દિલ્હી સ્થિત પબ્લિક પોલિસી રિસર્ચ અને કન્સલ્ટન્સી ફર્મ ક્વોન્ટમ હબના રિપોર્ટમાં એમ જાણવા મળ્યું છે કે કેરળમાં મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારો કરતાં વધુ છે. કુલ મતદારોમાં 51 ટકા મહિલાઓ છે. આ પછી ગોવા, મિઝોરમ, મણિપુર અને તમિલનાડુ આવે છે. રિપોર્ટ અનુસાર 2024માં 11 રાજ્યોમાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારો વધુ છે. કેરળમાં તેમની સંખ્યા સૌથી વધુ છે. તેમના રિપોર્ટમાં 2024ની સામાન્ય ચૂંટણીમાં મહિલાઓની ભૂમિકા અને ભાગીદારી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં મહિલા મતદારોનો હિસ્સો સૌથી ઓછો છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં મહિલા મતદારોનો હિસ્સો પણ બે દાયકામાં સૌથી વધુ છે – 48.6 ટકા. 2019 પછી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં સૌથી વધુ નવા મહિલા મતદારો ઉમેરાયા છે.
કન્સલ્ટન્સી ફર્મના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હવે મતદાર તરીકે મહિલાઓ પહેલા કરતાં વધુ મહત્વની બની ગઈ છે. આ પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષોના ચૂંટણી પહેલાના વચનોમાં પણ પ્રતિબિંબિત થાય છે. અમે મહિલા મતદારોના વધતા મહત્વને હાઇલાઇટ કરવાનો અને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દેશમાં મહિલા સશક્તિકરણ તરફ પ્રગતિ માટે રાજકીય ભાગીદારી અને પ્રતિનિધિત્વ મહત્વપૂર્ણ છે.