Japan Earthquake: તાઈવાન બાદ જાપાનની ધરતી ધ્રુજી, 6.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટ
![](/wp-content/uploads/2024/04/The-Japan-Meteorological-Agency-forecast-a-tsunami-of-up-to-3-meters-9.8-feet-after-the-quake-hit-at-7_58-am.webp)
ગઈ કાલે બુધવારે તાઈવાનમાં ભૂકંપે(Taiwan Earthquake) તારાજી સર્જ્યા બાદ આજે જાપાનમાં ગુરુવારે જાપાનની ધરતી ધ્રુજી(Japan Earthquake) હતી. આજે વહેલી સવારે જાપાનના હોન્શુ ટાપુ(Honshu Island)ના પૂર્વ કિનારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અહેવાલો મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તે ચીનમાં પણ અનુભવાયા હતા.
યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) ના અહેવાલ મુજબ કે જાપાનના હોન્શુ ટાપુના પૂર્વ ભાગમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર 32 કિમીની ઊંડાઈએ હતી.
ગઈ કાલે બુધવારે તાઈવાનમાં આવેલા ભૂકંપની અસર જાપાનમાં અનુભવાઈ હતી, જાપાનના કેટલાકના વિસ્તારોમાં ભૂકંપ અનુભવાયો હતો. આમ તો જાપાનમાં નાના મોટા ભૂકંપો આવતા જ રહે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભ સતત વધી રહેલી હિલચાલને કારણે ભૂકંપના વધુ આંચકા અનુભવાઈ રહ્યા છે, જેને કારણે લોકોમાં ગભરાટ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જાપાન દેશ ચાર મોટા ટાપુઓથી બનેલો છે, જેમાં હોક્કાઇડો, હોન્શુ, શિકોકુ અને ક્યુશુનો સમાવેશ થાય છે. ટોક્યો સહિત કેટલાક મોટા શહેરો હોન્શુમાં આવેલા છે.
BREAKING:
— GAMZIRI24 (@GAMZIRI24) April 4, 2024
A 6.3 magnitude earthquake has struck off the east coast of Japan. pic.twitter.com/B3UQ3POXGU
બુધવારે જ જાપનના પાડોશી દેશ તાઈવાનમાં 7.5ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેમાં 9 લોકોના મોતના અહેવાલો છે. તાઈવાનમાં ભૂકંપના આંચકા છેક ફિલિપાઈન્સ અને ચીન સુધી અનુભવાયા હતા. ત્યાર બાદ જાપાને ઓકિનાવા પ્રાંત માટે સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા અને ઊંચા સ્થળોએ જવા સૂચના આપવામાં આવી છે. જાપાનના દક્ષિણ-પશ્ચિમ કિનારે 3 મીટર ઊંચા મોજા જોવા મળ્યા હતા.
જાપાન વિશ્વના એવા દેશોમાં સામેલ છે જ્યાં ભૂકંપના સૌથી વધુ આંચકા અનુભવાય છે. જાપાનમાં બનેલી દરેક ઈમારતને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે સૌથી તીવ્ર ભૂકંપના આંચકાને પણ સરળતાથી સહન કરી શકે. 12.5 કરોડની વસ્તી ધરાવતા જાપાનમાં દર વર્ષે 1500 થી વધુ ભૂકંપના આંચકા અનુભવાય છે. આમાંના મોટાભાગના આંચકા ઓછી તીવ્રતાના હોય છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં ભૂકંપના આંચકાની તીવ્રતા વધુ નોંધાઈ રહી છે.