IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2024 GT vs PBSK: આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં વિજયની હૅટ-ટ્રિક કરવાના મૂડમાં

પંજાબને મયંક પછી હવે મોહિતનો ડર, ગિલની ટીમ જીતશે તો ટૉપ-થ્રીમાં

અમદાવાદ: શુભમન ગિલના સુકાનમાં ગુજરાત ટાઇટન્સે 24મી માર્ચે અમદાવાદની હોમ-પિચ પર મુંબઈ ઇન્ડિયન્સને છ રનથી હરાવ્યું અને પછી 31મી માર્ચે એવી ટીમને હરાવી હતી જે મુંબઈ સામે 277 રનનો રેકૉડ-બ્રેક ટીમ-સ્કોર બનાવીને અમદાવાદ આવી હતી. એ દિવસે ગુજરાતે સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું હતું અને હવે ગુરુવારે (સાંજે 7.30 વાગ્યાથી) ક્રિકેટજગતના આ સૌથી મોટા મેદાન પર પંજાબ કિંગ્સને હરાવીને જીતની હૅટ-ટ્રિક નોંધાવાનો તેમ જ પૉઇન્ટ્સ-ટેબલની ટોચની ત્રણ ટીમમાં આવવાનો ગુજરાતને બહુ સારો મોકો છે.

બીજી બાજુ, શિખર ધવનના સુકાનમાં પંજાબની ટીમ લાગલગાટ બે મૅચ હારીને અમદાવાદ આવી છે અને એમાં પણ 30મી માર્ચે લખનઊ સુપર જાયન્ટ્સના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવના હાથે ઝટકા ખાધા બાદ હવે શિખરની ટીમે ગુજરાતના અલગ પ્રકારના બોલર્સનો સામનો કરવાનો છે જે તેમના માટે વધુ કઠિન બની શકે.


એક તરફ પંજાબી-બૉય શુભમન ગિલ છે અને બીજી બાજુ પંજાબની ટીમ છે. પંજાબને લખનઊના મયંકે સતતપણે કલાકે 150 કિલોમીટરની જબરદસ્ત સ્પીડથી અંકુશમાં રાખ્યા હતા, જ્યારે ગુજરાતના ફાસ્ટ બોલર મોહિત શર્મા પાસે બોલિંગમાં અલગ પ્રકારની વરાઇટી છે. મોહિતના સ્લો બૉલ, સ્લો બાઉન્સર તથા વાઇડ યૉર્કર સામે ભલભલા બૅટર ગૂંચવાઈ જતા હોય છે. તે અને ઉમેશ યાદવ ડેથ ઓવરમાં ગુજરાતને ફાયદો કરાવી શકે.


સાણંદમાં જન્મેલો હર્ષલ પટેલ ગુજરાતના બૅટર્સને મુસીબતમાં લાવવા કોઈ કસર નહીં છોડે. પંજાબે તેને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને તેણે હજી સુધી ત્રણ મૅચમાં માત્ર ત્રણ વિકેટ લઈને ફ્રૅન્ચાઇઝીને જોઈએ એવું રિટર્ન નથી આપ્યું. ગુજરાત અને પંજાબ વચ્ચે આઇપીએલમાં કુલ ત્રણ મૅચ રમાઈ છે જેમાં ગુજરાતનો હાથ ઉપર છે. ગુજરાતે બે અને પંજાબે એક મૅચ જીતી છે.


પંજાબની ટીમ કૅગિસો રબાડાને ઇલેવનમાં ખાસ સમાવશે, કારણકે ગુજરાતના વૃદ્ધિમાન સાહા અને શુભમન સામે તેનો રેકૉર્ડ બહુ સારો છે. રબાડાએ સાહાને ચાર ટક્કરમાં ત્રણ વાર આઉટ કર્યો છે, જ્યારે ગિલને આઠ ઇનિંગ્સમાં બે વખત પૅવિલિયન ભેગો કર્યો છે. જોકે સ્પેશિયલી પંજાબ સામે ગિલ બહુ સારો રમ્યો છે. 10 ઇનિંગ્સમાં ગિલે એની સામે 138.81ના સ્ટ્રાઇક-રેટ સાથે 397 રન બનાવ્યા છે.


બીજી તરફ, ગિલના હરીફ સુકાની શિખરને આઇપીએલમાં સૌથી વધુ હાફ સેન્ચુરી ફટકારનારા બૅટર્સમાં બીજા નંબરના વિરાટ કોહલીની બરાબરીમાં આવવા માત્ર એક ફિફ્ટીની જરૂર છે. કોહલીના નામે બાવન અને શિખરના નામે 51 હાફ સેન્ચુરી છે. ડેવિડ વૉર્નર 62 હાફ સેન્ચુરી સાથે મોખરે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત