વેપાર

સ્થાનિક સોનામાં ₹ ૪૦૩ની તેજી, ચાંદી ₹ ૧૪૬૭ ચમકી

યુક્રેન દ્વારા રશિયાના તેલ માળખાકીય વિસ્તારોમાં સતત થઈ રહેલા હુમલા: વૈશ્ર્વિક સોનામાં હેજરૂપી માગે ભાવ નવી ટોચે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવા બાબતે શંકા અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થયો હોવા છતાં રોકાણકારોની સોનામાં વધતા ફુગાવા સામેની હેજરૂપી પ્રબળ માગને ટેકે એક તબક્કે ભાવ વધીને ઔંસદીઠ ૨૨૮૮.૦૯ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ વધ્યા મથાળેથી પાછા ફર્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં પણ અડધા ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૦૧થી ૪૦૩ની તેજી આવી હતી. તેમ જ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૪૬૭ના ચમકારા સાથે રૂ. ૭૭,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૪૬૭ વધીને રૂ. ૭૭,૫૯૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૦૧ વધીને રૂ. ૬૯,૦૮૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૪૦૩ વધીને રૂ. ૬૯,૩૬૪ના મથાળે રહ્યા હતા. જોકે, તેજીના આ માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સિટી ઈન્ડેક્સનાં એનાલિસ્ટ મેટ્ટ સિમ્પસનના જણાવ્યાનુસાર હાલમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ક્યારથી વ્યાજદરમાં કાપ મૂકશે તે અંગેની અનિશ્ર્ચિતતા અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ વધારો થઈ રહ્યો હોવા છતાં તાજેતરમાં યુક્રેન દ્વારા રશિયાના તેલ માળખાકીય વિસ્તારોમાં સતત થઈ રહેલા હુમલાને કારણે પરિસ્થિતિ વધુ વણસતા આજે ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતાં ફુગાવામાં થનારી સંભવિત વૃદ્ધિને ધ્યાનમાં લેતા આજે રોકાણકારોની ફુગાવા સામે રક્ષણ મેળવવા સોનામાં હેજરૂપી માગને ટેકે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ઉછાળો હતો. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૨૮૮.૮૯ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચીને પાછા ફર્યા હતા અને ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ૨૨૭૧.૫૦ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૨૨૯૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૬.૨૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે અમેરિકાનાં ઉત્પાદન ક્ષેત્રના ડેટા મજબૂત આવતાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત અંગે અનિશ્ર્ચિતતા સપાટી પર આવી હતી અને ડૉલર ઈન્ડેક્સ તથા ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થયો હતો. જોકે, ફેડરલના અમુક નીતિ ઘડવૈયાઓનું માનવું છે કે ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button