વિશાખાપટ્ટનમ: દિલ્હી કૅપિટલ્સે અહીં કામચલાઉ હોમ-ગ્રાઉન્ડ પર પોતાના બોલર્સની જબરદસ્ત ધુલાઈ થતી જોવી પડી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ પાંચ રન માટે હૈદરાબાદનો 277 રનનો આઇપીએલ-રેકૉર્ડ ચૂકી ગઈ હતી. જોકે કોલકાતાએ સાત વિકેટે બનાવેલા 272 રન પણ પુષ્કળ હતા અને દિલ્હીને મળેલો 273 રનનો ટાર્ગેટ નવા વિક્રમો આપી શકે એવો હતો. એક સમયે લાગતું હતું કે કેકેઆરની ટીમ 300 રનના મૅજિક ફિગર પર પહોંચનારી પ્રથમ ટીમ બનશે.
જોકે હૈદરાબાદે મુંબઈ સામે બનાવેલો 277નો વિક્રમ તોડવાની ઉતાવળમાં કોલકાતાની ટીમે ડેથ ઓવર્સમાં ચાર બૉલમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. આ ત્રણ વિકેટ રિન્કુ સિંહ (26 રન, આઠ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર), આન્દ્રે રસેલ (41 રન, 19 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને રમણદીપ સિંહ (બે બૉલમાં બે રન)ની હતી.
એ પહેલાં, સુનીલ નામની સુનામી આવી હતી. સુનીલ નારાયણે કોલકાતાએ ટૉસ જીત્યા બાદ બૅટિંગ શરૂ કરી અને શરૂઆતથી જ એના ઓપનર સુનીલ નારાયણ (85 રન, 39 બૉલ, સાત સિક્સર, સાત ફોર) અને ફિલ સૉલ્ટ (18 રન, 12 બૉલ, ચાર ફોર)ની જોડીએ ફટકાબાજી શરૂ કરી દીધી હતી. ખાસ કરીને નારાયણ જાણે ગેઇલની જેમ ગાંડો થઈ ગયો હતો. સુનીલ-સૉલ્ટવચ્ચે 60 રનની, સુનીલ તથા અંગક્રિશ રઘુવંશી (54 રન, 27 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) વચ્ચે 104 રનની અને રસેલ તથા કૅપ્ટન શ્રેયસ ઐયર (18 રન, 11 બૉલ, બે સિક્સર) વચ્ચે 56 રનની પાર્ટનરશિપ થઈ હતી.
દિલ્હીના સાત બોલરે બોલિંગ કરી હતી જેમાં એન્રિક નોર્કિયા (4-0-59-3) સૌથી સફળ હતો, પણ તેની બોલિંગને કોલકાતાના બૅટર્સે ચીંથરેહાલ કરી નાખી હતી. છેલ્લી ઓવરમાં રસેલને ક્લીન બોલ્ડ કરનાર ઇશાન્ત શર્માએ બે વિકેટ લીધી હતી. ઇશાન્તના કલાકે 144 કિલોમીટરની (કરીઅર-બેસ્ટ) ઝડપવાળા યૉર્કરમાં રસેલ બોલ્ડ થતાં જ સમતોલપણું ગુમાતાં નીચે પડ્યો હતો. ખલીલ અને મિચલ માર્શને એક-એક વિકેટ મળી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને